હોમવર્ક ન કરવાથી નારાજ માતાએ માસૂમ બાળકીને એવી સજા આપી કે જેને જોઈને કોઈપણને કંપારી છૂટી જાય. સોશિયલ મીડિયા પર માતાની આ હેવાનીયતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે માતાએ બાળકીને બપોરના સમયે આકરા તાપ વચ્ચે બન્ને હાથ-પગ બાંધીને મકાનની છત ઉપર મુકી દીધી હતી. અસહ્ય ગરમી અને તાપ વચ્ચે આ બાળકી બંધાયેલા હાથ-પગની સ્થિતિમાં ખૂબ જ કણસતી રહી હતી.
માતાએ કહ્યું- થોડી વારમાં તો નીચે લઈને આવી હતી
આ ઘટના દિલ્હીના તૂકમીર પુલ ગલી નંબર 2ની છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસ જ્યારે આ બાળકીના ઘરે પહોંચી તો માતાએ કહ્યું કે આ બાળકીએ હોમવર્ક કર્યું ન હતું. માટે તેને 5-7 મિનિટ સુધી હાથ-પગ દોરડા વડે બાંધીને છત પર ઉંઘાડી દીધી હતી, જેથી તે નિયમિતપણે સમયસર હોમવર્ક કરે. થોડાવારમાં તો તેના હાથ-પગ ખોલીને તેને નીચે લઈ આવ્યા હતા.
વીડિયો જોઈ બાળકી ઉપર ખૂબ દયા આવી ગઈ
જ્યારે માતાએ બાળકીને સજા આપવા માટે છત પર લઈ જઈ તો તે તાપને લીધે બૂમ પાડવા લાગી હતી. બાળકીનો રડવાનો અવાજ સાંભળી પડોશીઓએ તેનો વીડિયો બનાવી લીધો અને સોશિલય મીડિયા પર પોસ્ટ કરી દીધો. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે બાળકીની પીઠ છતની ગરમીથી દાઝવા લાગી તો તે પોતાની કમર ઉપર ઉઠાવતી હતી. તે સતત ડાબા અને જમણી બાજુ કરવટ બદલતી હતી. વીડિયો જોઈને યુઝર્સ બાળકી માટે ખૂબ જ પરેશાન થઈ રહ્યા હતા અને માતાએ દીકરીને આપેલી સજા સામે પ્રશ્નાર્થ કરી રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.