ક્રૂડ ઑઇલના બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ સોમવારે પ્રતિ બેરલ 75 ડૉલરને પાર થઈ ગયા છે. ભારત માટે આ ચિંતાની બાબત છે કારણ કે પેટ્રોલ-ડીઝલના ભાવ પહેલેથી જ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યાં છે. આ સ્થિતિમાં જો ક્રૂડ ઑઇલ વધારે મોંઘું થાય છે તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 3 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
હાલ ક્રૂડ ઑઇલના બજારમાં તેજી જોવા મળી રહી છે. આ સપ્તાહે તેના ભાવ પ્રતિ બેરલ વધીને 75.34 ડૉલર થઈ ગયા છે. 1 મહિના પહેલા તે 69.03 ડૉલર હતા. જેમાં હવે 9.1 ટકાનો વધારો થયો છે. ડબલ્યુટીઆઇ ક્રૂડ પણ તેની પાછળ છે. જે પણ ગત સપ્તાહે 69.98 ડૉલર પ્રતિ બેરલથી વધીને આ સપ્તાહે 71.97 ડૉલર પ્રતિ બેરલ પર બંધ થયા હતા.
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તા જણાવે છે કે આવનારા દિવસોમાં ક્રૂડ ઑઇલના ભાવ ફરી એકવાર 80 ડૉલર થઈ શકે છે. તેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2થી 3 રૂપિયાનો વધારો થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 1 જાન્યુઆરીના રોજ પેટ્રોલનો ભાવ લિટર દીઠ 83.97 રૂપિયા અને ડીઝલના 74.12 રૂપિયા હતા.
કોરોનાના કેસ ઘટવાથી પેટ્રોલ-ડીઝલની માગ વધી
કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયા જણાવે છે કે દુનિયાભરમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો અને વેક્સિનેશનની ઝડપમાં વધારો થવાથી આર્થિક ગતિવિધિઓમાં તેજી આવી છે. તેનાથી પેટ્રોલ-ડીઝલની માગમાં વધારો થયો છે. જેના કારણે ક્રૂડ ઑઇલના ભાવ આકાશે આંબી રહ્યા છે. આ ઉપરાંત ડૉલર ઇન્ડેક્સ મજબૂત થતા રૂપિયો નબળો પડ્યો છે.
આપણે કુલ જરૂરિયાતના 80 ટકા ક્રૂડ આયાત કરીએ છીએ. જેને ખરીદવા માટે ડૉલરમાં પેમેન્ટ કરવું પડે છે. તેના કારણે રૂપિયો નબળો પડતા ક્રૂડ ઑઇલના ખર્ચમાં વધારો થાય છે. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 15 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો નથી.
આ પહેલા 15 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 15-15 પૈસાનો ઘટાડો થયો હતો. હાલ દેશના 20 રાજ્યોમાં પેટ્રોલના ભાવ લિટરે 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.