• Gujarati News
  • National
  • Gehlot Said That The Day After Kanhaiyalal's Murder, The BJP Leader Was In A Five star Hotel

'અમિત શાહનું ભાષણ જુઠ્ઠાણાથી ભરેલું':ગેહલોતે કહ્યું કે, કન્હૈયાલાલની હત્યાના બીજા દિવસે ભાજપ નેતા ફાઈવ સ્ટાર હોટલમાં હતા

એક મહિનો પહેલા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વળતો પ્રહાર કર્યો છે. ગેહલોતે અમિત શાહના નિવેદનોને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, દેશના લોકો ગૃહમંત્રી તરીકે તેમના ભાષણમાં તથ્યપૂર્ણ બાબતોની અપેક્ષા રાખે છે, પરંતુ એવું લાગે છે કે હકીકત તેમને કહેવામાં આવી નથી, તેથી જ તેમણે જુઠ્ઠાણાથી ભરેલું ભાષણ આપ્યું હતું.

ગેહલોતે કહ્યું કે- અમિત શાહે ઉદયપુરની ઘટનાનો ઉલ્લેખ કર્યો. પરંતુ કન્હૈયાલાલની હત્યાના બીજા દિવસે હૈદરાબાદની ફાઈવ સ્ટાર હોટેલમાં લંચ અને ડિનર કરતા ભાજપ નેતાઓ મીટિંગ કરી રહ્યાં હતાં. હું પોતે, ગૃહ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ, ડીજીપી કન્હૈયાલાલના ઘરે શોક વ્યક્ત કરી રહ્યાં હતાં. જ્યારે ભાજપના નેતાઓ હોટલોમાં આરામ કરી રહ્યાં હતાં.

ગેહલોતે કહ્યું- ઉદયપુર ઘટનાનો મુખ્ય આરોપી રિયાઝ અત્તારી ભાજપનો સક્રિય સભ્ય હતો. ઘટનાના એક મહિના પહેલાં રિયાઝ અત્તારીનો મકાનમાલિક સાથે વિવાદ થયો હતો, ત્યારે સ્થાનિક ભાજપના નેતાઓએ પોલીસ સ્ટેશને ફોન કરી તેની સામે કેસ ન નોંધવા દબાણ કર્યું હતું.

અત્તારીના ભાજપમાં જોડાવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. NIAએ તપાસ કરવી જોઈએ કે શું આમાં કોઈ રાજકીય કાવતરું હતું કે નહીં.

જયપુર કરતાં મોંઘુ પેટ્રોલ અને ડીઝલ ભાજપ શાસિત ભોપાલમાં

ગેહલોતે કહ્યું- અમિત શાહે રાજસ્થાનમાં સૌથી મોંઘુ ડીઝલ અને પેટ્રોલ મળવાની વાત કરી, કદાચ તેઓ ભૂલી ગયા કે જયપુરથી મોંઘુ ડીઝલ-પેટ્રોલ ભાજપ શાસિત મધ્યપ્રદેશના ભોપાલમાં મળે છે. રાજસ્થાનમાં રાજ્ય સરકારે જાન્યુઆરી 2021માં વેટમાં ઘટાડો કર્યો હતો.

જ્યારે મોદી સરકારે એક્સાઇઝમાં ઘટાડો કર્યો, ત્યારે આપોઆપ વેટ બંને વખત ઘટ્યો. સ્ટેટ વેટમાં ઘટાડાથી રાજ્યને અત્યાર સુધીમાં 7500 કરોડનું આર્થિક નુકસાન થયું છે.

તેઓએ જવાબ આપવો જોઈએ કે છેલ્લા ત્રણ મહિનામાં ક્રૂડ ઓઈલ 27 રૂપિયા સસ્તું થઈ ગયું છે તો કેન્દ્ર સરકારે ડીઝલ-પેટ્રોલના ભાવ કેમ ઘટાડ્યા નથી, જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ વધે છે ત્યારે તરત જ ભાવ વધારી દે છે.

યુપીએના સમયમાં જ્યારે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 111 ડોલર થઈ ગઈ હતી, ત્યારે પણ પેટ્રોલ 71 રૂપિયા હતું. આજે કાચા તેલની કિંમત 92 ડોલર પ્રતિ બેરલ છે, તો પેટ્રોલ 100 રૂપિયાથી વધુ વેચાઈ રહ્યું છે.

ભાજપ શાસિત રાજ્યોમાં ગુનાખોરીના નવા રેકોર્ડ સર્જાઈ રહ્યાં છે

ગેહલોતે કહ્યું- અમિત શાહે ગુનાના આંકડાઓ વિશે ટિપ્પણી કરી. તેમની માહિતી માટે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે રાજસ્થાનમાં ગુનાઓની ફરજિયાત નોંધણીની નીતિ હોવા છતાં, 2019ની તુલનામાં 2021માં લગભગ પાંચ ટકા ઓછા ગુના નોંધાયા છે.

જ્યારે હરિયાણા, ગુજરાત, ઉત્તરાખંડ સહિત 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધુ ગુના નોંધાયા છે. ગુજરાતમાં ગુનાઓમાં લગભગ 69 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે હરિયાણામાં 24 ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ કસ્ટોડિયલ મૃત્યુ થયા છે.

સગીરો પર બળાત્કારના મામલામાં એટલે કે પોક્સો એક્ટમાં દેશમાં મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે છે. જ્યારે રાજસ્થાન 12મા સ્થાને છે. દહેજ હત્યાના મામલામાં ઉત્તર પ્રદેશ નંબર વન છે.

અમિત શાહે ERCP પર એક શબ્દ પણ ન કહ્યો

ગેહલોતે કહ્યું- અમિત શાહ ગૃહમંત્રીની સાથે દેશના સહકાર મંત્રી પણ છે. જયપુરમાં ઉત્તરીય રાજ્ય ઝોનલ કાઉન્સિલની બેઠકમાં તેમણે કહ્યું હતું કે રાજસ્થાન અને ગુજરાતના લોકો સહકારી સંસ્થાઓના નામે થતા કૌભાંડોનો સૌથી વધુ ભોગ બને છે.

પશ્ચિમ રાજસ્થાનના લોકોને આશા હતી કે તેઓ ત્યાંના લોકો સાથે સહકારી સંસ્થાઓના નામે સંજીવની, આદર્શ વગેરે જેવા કૌભાંડો વિશે વાત કરશે અને પીડિતોને રાહત આપવાનું કામ કરશે, પરંતુ એવું થયું નહીં.

આજે પૂર્વ રાજસ્થાનના 13 જિલ્લાના ખેડૂતોને આશા હતી કે જો ગૃહમંત્રી રાજસ્થાન આવશે તો તેઓ ઈસ્ટર્ન કેનાલને રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો આપવાની વાત કરશે, પરંતુ તેમણે તેના પર એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...