રાજસ્થાનમાં મહિલા અત્યાચાર અને છોકરીઓ સાથેની ક્રૂર ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી. તાજેતરમાં જ અલવરમાં એક સગીરા સાથે ધ્રુજાવી દે એવી દુર્ઘટના બની છે. અહીં ગઈકાલે રાત્રે 8.30 વાગે 15 વર્ષની એક મૂકબધિર સગીરા સાથે ગેંગરેપ કરીને તેને લોહીલુહાણ હાલતમાં રોડ પર ફેંકી દેવામાં આવી હતી. સગીરા મૂકબધિર હોવાથી ચીસો પણ પાડી શકે તેમ નહોતી. યુવકોએ પહેલાં તેની સાથે ગેંગરેપ કર્યો અને જ્યારે તેની હાલત વધારે ખરાબ થઈ તો તેને રોડ પર ફેંકીને ભાગી ગયા હતા. હાલ બાળકીને જયપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેની સ્થિતિ વધારે ગંભીર છે અને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.
સગીરાના પ્રાઈવેટ પાર્ટમાંથી ખૂબ બ્લીડિંગ થયું
પોલીસે જણાવ્યું હતું કે ઘટના અલવર શહેરના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં ગઈકાલે રાતે એક 15 વર્ષની મૂકબધિર સગીરા લોહીલુહાણ સ્થિતિમાં તિજારા પુલ પરથી મળી આવી હતી. પોલીસે સગીરાની ઓળખ કરી લીધી છે, જે અલવર જિલ્લાના માલાખેડામાં રહે છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે છોકરી સાંજે 4 વાગ્યાથી ગુમ હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જણાવ્યું હતું કે સગીરાના પ્રાઈવેટ પાર્ટ્સમાં ગંભીર ઈન્ટર્નલ ઈન્જરી જોવા મળી છે, જેથી તેને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. એ ઉપરાંત પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી વધારે બ્લીડિંગ થયું હોવાથી તેની હાલત ગંભીર છે.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની માહિતી મળતાં જ મોડી રાતે અલવર જિલ્લા કલેક્ટર નન્નુમલ પહાડિયા, પોલીસ અધિકારી તેજસ્વની ગૌતમ, એડિશનલ પોલીસ કમિશનર સહિત જિલ્લા અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. પોલીસે મોડી રાત સુધી આરોપીઓને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે, પરંતુ હજી સુધી એકપણ આરોપી પકડાયો નથી.
મોડી રાતે પોલીસને ખબર પડી કે મૂકબધિર સગીરા મંગળવારે સાંજે 4 વાગે માલાખેડાથી અલવર તરફ આવી હતી. તે એક ટેમ્પોમાં અહીં આવવા નીકળી હતી. ત્યાર પછી ગેંગરેપની ઘટના બની છે. અમુક સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે એક કારમાંથી સગીરાને પુલ પર ફેંકવામાં આવી હતી. એવું પણ માનવામાં આવે છે કે આરોપીઓ સગીરાને પુલ પરથી નીચે ફેંકીને મારી નાખવાની પણ ફિરાકમાં હોય, પરંતુ તેઓ એવું ના કરી શક્યા અને અંતે તેને પુલ પર ફેંકીને જતા રહ્યા હોય. સ્થાનિકોએ જ સગીરાને પુલ પર લોહીલુહાણ હાલતમાં જોઈને શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. ત્યાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
કિડનેપિંગ કર્યું હોય એવી શક્યતા
પોલીસનું માનવું છે કે માલખેડા પાસે ધવાલાથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આરોપીઓ તેને સૂમસાન જગ્યા પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હશે. સગીરાની હાલત વધારે ખરાબ થતાં તેને પુલ પર લાવીને ફેંકી દીધી હતી. રાતથી પોલીસ ઘણી જગ્યાના સીસીટીવી તપાસી રહી છે.
સરકાર સામે ઊભા થયા સવાલો
અલવર જિલ્લો પહેલેથી જ ગેંગરેપ માટે આખા દેશમાં બદનામ છે. હવે અહીં મૂકબધિર છોકરી સાથે ગેંગરેપ કરીને તેને લોહીલૂહાણ હાલતમાં ફેંકી દેવાની ઘટના બની છે એ પણ રાત્રે 8.30 વાગે. આ ઘટનાથી ફરી એકવાર પોલીસ અને પ્રશાસન સામે સવાલો ઊભા થયા છે. અલવરનો ક્રાઈમ રેશિયો પહેલેથી વધારે છે. અહીં ગેંગરેપની ઘટના વારંવાર બનતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.