દિલ્હીમાં ગેંગરેપ:યુવતી પર સામૂહિક બળાત્કાર, મહિલાઓએ યુવતીના વાળ કાપીને તેનું મોઢું કાળુ કરીને શેરીઓમાં ફેરવી

દિલ્હી4 મહિનો પહેલા
  • દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પોલીસને નોટિસ પાઠવી
  • એક છોકરાએ આ યુવતીના કારણે આત્મહત્યા કરી હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે

દિલ્હીના શાહદરામાં પ્રજાસત્તાક દિવસના દિવસે એક એવી ઘૃણાસ્પદ ઘટના બની જેણે ફરી એકવાર દેશની રાજધાનીનું માથું શરમથી ઝુકાવી દીધું. દિલ્હીમાં યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. આ કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ચાર શખ્સોએ એક યુવતીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો
પોલીસના જણાવ્યા અનુસાર, શાહદરામાં પરસ્પર દુશ્મનાવટને કારણે ચાર શખ્સોએ એક યુવતીનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં કેટલીક મહિલાઓએ પીડિતાના વાળ કાપીને તેને શેરીઓમાં ફરતી હતી. યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું, તેના ગળામાં ચપ્પલનો હાર પણ પહેરવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, બળાત્કાર બાદ કેટલીક મહિલાઓએ તેના વાળ કાપી નાખ્યા, પછી તેને જૂતાનો હાર પહેરાવી અને તેને રસ્તા પર ફેરવી કરી. આ દરમિયાન સ્થાનિક લોકોએ આ ઘટનાને રોકવાને બદલે આરોપીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પોલીસને નોટિસ પાઠવી
આ ઘટનાની નોંધ લેતા દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. સ્વાતિએ ટ્વિટ કર્યું, કસ્તુરબા નગરમાં 20 વર્ષની યુવતી પર ગેરકાયદેસર દારૂ વેચનારાઓએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે, તે યુવતીના વાળ કાપી નાંખ્યા હતા, બાદમાં ચપ્પલનો હાર પહેરાવી તેનું મોઢું કાળું કરીને તેને સમગ્ર વિસ્તારમાં ફેરવી હતી. હું દિલ્હી પોલીસને આ બાબતે નોટિસ જારી કરું છું તમામ ગુનેગાર પુરુષો અને સ્ત્રીઓની ધરપકડ કરવી જોઈએ અને યુવતી અને તેના પરિવારને સુરક્ષા આપવી જોઈએ.

દિલ્હીના સીએમ કેજરીવાલે પણ આ ઘટનાની નિંદા કરી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ મામલાની નિંદા કરી છે. સ્વાતિ માલીવાલના ટ્વીટને રીટ્વીટ કરતા તેણે લખ્યું, 'આ ખૂબ જ શરમજનક છે. ગુનેગારોમાં આટલી હિંમત કેવી રીતે આવી? હું કેન્દ્રીય ગૃહપ્રધાન અને ઉપરાજ્યપાલને વિનંતી કરું છું કે તેઓ પોલીસને કડક કાર્યવાહી કરવા, કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન આપવા સૂચના આપે. દિલ્હીવાસીઓ આવા જઘન્ય અપરાધ અને ગુનેગારોને કોઈપણ કિંમતે સહન કરશે નહીં.

છોકરાની આત્મહત્યા બાદ યુવતીની સાથે ક્રૂરતા
અહેવાલો અનુસાર, શાહદરામાં નવેમ્બર 2021માં એક છોકરાએ આત્મહત્યા કરી હતી. આ પછી તેના પરિવારના સભ્યોએ કહ્યું કે તેમના છોકરાએ છોકરીના કારણે આત્મહત્યા કરી છે. આ છોકરો હંમેશા તે છોકરીની પાછળ પડી રહેતો હતો. બીજી તરફ પીડિતાની બહેને પણ આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે. તેણે કહ્યું કે પીડિત બહેન પરિણીત છે અને તેને એક સંતાન પણ છે. છોકરાએ આત્મહત્યા કર્યા બાદ તે ભાડાના મકાનમાં રહેતી હતી. છોકરાના કાકાએ કડકડડૂમાથી તેનું અપહરણ કર્યું અને પછી તેની સાથે ક્રૂરતા આચરી હતી.

પીડિતાએ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને સમગ્ર ઘટના વિશેની વાત જણાવી હતી.
પીડિતાએ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને સમગ્ર ઘટના વિશેની વાત જણાવી હતી.
અન્ય સમાચારો પણ છે...