ભારતમાં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે બીટિંગ રીટ્રિટ સેરેમની ઉજવાય છે, જેમાં ત્રણેય પાંખ તેમની લશ્કરી બેન્ડ વગાડે છે. ૭૦ વર્ષ સુધી ગણતંત્ર દિવસની પરેડમાં ગાંધીજીને ગમતી એક ક્રિસ્ટિયન ગીત 'અબાઈડ વિથ મી'ની ધૂન વાગતી હતી. 2020માં પહેલી વખત આ ઘૂનનો બીટિંગ રીટ્રિટ સેરેમનીમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો, 2023માં ફરીથી આ ધૂનને લિસ્ટમાંથી ડ્રોપ કરવામાં આવી છે. આ વર્ષે પણ ગણતંત્ર દિવસ પર પરેડમાં માર્ચ કરતી વખતે ખાસ ધૂન વાગશે.
દેશની મિલિટરી મ્યુઝિક વિંગ. જેની શરૂઆત દેશના પ્રથમ આર્મી ચીફ કે.એમ. કરિઅપ્પાના માર્ગદર્શન હેઠળ ૨૩મી ઓક્ટોબર-૧૯૫૦થી મધ્યપ્રદેશમાં સંગીતશાળામાં કરાઈ હતી. લશ્કરની ત્રણેય પાંખમાં લશ્કરી બેન્ડ માટે જે તાલીમબદ્ધ સંગીતકારોની જરૃર પડે છે, તે જરૃરિયાત મિલિટરી મ્યુઝિક વિંગ પૂરી કરે છે. આમ તો બ્રિટિશરાજ વખતે પણ સૈનિકોને એવી તાલીમ અપાતી હતી, પરંતુ આઝાદી પછી એને ભારતીય સ્વરૂપ મળ્યું. ભારતની પરંપરા પ્રમાણે ધૂનો પસંદ કરવામાં આવી હતી. લોકગીતો, શૌર્યગીતોનો આધાર લઈને લશ્કરી બેન્ડની ધૂનો રચવામાં આવી હતી.
લશ્કરી બેન્ડ માટે ધૂનો રચનાનો ઘણો ખરો યશ મેજર રોબર્ટ્સ, હેરોલ્ડ જોસેફ, એલબી ગુરંગ, જનરલ નિર્મલ ચંદ્ર અને મેજર નાસીર હુસેનને આપવામાં આવે છે. તેમણે શરૃઆતમાં ઈન્ડિયન આર્મીની ધૂનોની રચના કરી હતી. ભારતીય આર્મીમાં ચાર બેન્ડ છે. ભૂમિદળ, વાયુદળ, નૌકાદળ અને પેરામિલિટરી. આર્મી બેન્ડના બે વિભાગ છે. પાઈપ્સ અને ડ્રમ્સ. અલગ અલગ રેજિમેન્ટના સંગીતની તાલીમ પામેલા જવાનો તેની રેજિમેન્ટની ઓળખ અને સંસ્કૃતિને આધારે ધૂન રજૂ કરે છે.
ભારતીય લશ્કર ૫૦ બ્રાસ બેન્ડ, ૪૦૦ પાઈપ અને ડ્રમ બેન્ડ ધરાવે છે. લશ્કરી બેન્ડને દોરવણી આપવા ૫૫ સંગીતકારો છે અને સાત ઉચ્ચ અધિકારીઓ તેની દેખરેખ રાખે છે. જનરલ લશ્કરી બેન્ડ હોય ત્યારે એમાં ૩૩ સંગીતકારો સામેલ હોય છે. જો માત્ર પાઈપ બેન્ડ હોય તો એમાં ૧૭ સંગીતકારોનો સમાવેશ થાય છે. ભારતીય નૌકાદળની ટીમ એશિયાની શ્રેષ્ઠ મિલિટરી બેન્ડમાં સ્થાન પામે છે. નૌકાદળની ધૂનોમાં વૈષ્ણવજન તો તેને કહીએનો પણ સમાવેશ થયો છે.
બીટિંગ રિટ્રીટ સમારોહની પરેડને તો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું હતું. એક જ સમારોહમાં ૪૪૫૯ સંગીતકારોએ લશ્કરી બેન્ડ રજૂ કરવાનો વિક્રમ નોંધાવ્યો હતો. આ સમારોહમાં ત્રણેય પાંખ એક સાથે ધૂન રજૂ કરે છે. સારે જહાઁ સે અચ્છા, કદમ કદમ બઢાયે જા, વંદે માતરમ્, દેશો કે સરતાજ ભારત, ધ્વજ કા રક્ષક, હિંદ મહાસાગર જેવી લશ્કરી કૂચ ભારતીય લશ્કરના જવાનો પરેડ વખતે કરે છે.
સ્કોટિશ કવિ હેનરી ફ્રાન્સિસ લાઈટે ૧૮૪૭માં અંગ્રેજી પ્રાર્થના 'અબાઈડ વિથ મી'ની રચના કરી હતી. એ જ વર્ષે તેનું નિધન થયું હતું, પણ મૃત્યુના થોડાંક મહિના પહેલાં સર્જાયેલી આ કવિતા તેની સૌથી જાણીતી અને લોકપ્રિય રચના બની ગઈ. આઝાદી પછી ય આ ગીતને લશ્કરી બેન્ડમાં જાળવી રાખવાનું ભારતીય લશ્કર પાસે કારણ હતું. વાત એમ હતી કે આ ગીત ગાંધીજીના પ્રિય ગીતોમાં સ્થાન પામતું હતું. નરસિંહ મહેતાનું 'વૈષ્ણવ જન' ગાંધીજીનું પ્રિય ભજન હતું એવું જ અંગ્રેજી ગીતની બાબતમાં 'અબાઈડ વિથ મી' માટે હતું. પ્રાર્થનાના શબ્દો હૃદયસ્પર્શી હોવાથી ગાંધીજીને આ રચના ખૂબ ગમતી હતી. ગાંધીજીને ગમતી હોવાથી ભારતીય લશ્કરે પણ એ ગીતને લશ્કરી ધૂનમાં સ્થાન આપ્યું.
૧૯૫૪માં ગણતંત્ર દિવસે થયેલી લશ્કરી પરેડમાં પહેલી વખત 'અબાઈડ વિથ મી' ધૂન ગૂંજી હતી. એ પછી ગણતંત્ર દિવસની દરેક પરેડમાં આ ક્રિસ્ટિયન પ્રાર્થનાની આ ધૂન અચૂક વાગતી હતી. જેને બીટિંગ રિટ્રીટ સમારોહ કહેવાય છે તેના માટે ભારતીય સૈન્ય જે ૩૦-૩૫ ધૂન પસંદ કરે છે એમાંથી ત્રીસેક ધૂન દર વર્ષે ગૂંજતી હોય છે. લશ્કરની ત્રણેય પાંખ ગણતંત્ર દિવસથી લઈને ૨૯મી જાન્યુઆરીએ યોજાતા બીટિંગ રિટ્રીટ સમારોહની પરેડ વખતે મિલિટરી બેન્ડમાં વિવિધ ધૂનો વગાડે છે, એમાં દર વર્ષે ગાંધીજીને ગમતી પ્રાર્થના 'અબાઈડ વિથ મી'નો સમાવેશ થતો હતો.
ભારતની પરંપરાગત ધૂનોને લશ્કરી પરેડમાં સ્થાન આપવાના ભાગરૂપે 2020માં મિલિટરી બેન્ડનું 'પ્લે લિસ્ટ' અપડેટ થયું હતું અને પહેલી વખત 'વંદે માતરમ્' અને 'શંખનાદ'ને પરેડની ધૂનમાં સ્થાન મળ્યું હતું. ધૂનને ડ્રોપ કર્યા પછી વિવાદ થતાં 2021 અને 2022માં ફરીથી એનો સમાવેશ થયો હતો, પરંતુ આ વર્ષે ફરીથી આ વિખ્યાત ધૂનને લિસ્ટ સામેલ કરવામાં આવી નથી. આ વર્ષે બીટિંગ રીટ્રિટ સેરેમની 'અબાઈડ વિથ મી' જેવી અંગ્રેજી પ્રાર્થનાને બદલે 'સારે જહાઁ સે અચ્છા'થી સમાપ્ત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.