• Gujarati News
  • National
  • G 23 Leaders Of Congress Met In Jammu Opposed For Gandhi Family Congress Finished May Give Strong Message To Gandhi Family, Rajya Sabha Seats

ડૂબતી કોંગ્રેસ ભંગાણના આરે:કોંગ્રેસના 23 મોટા નેતાઓની ગાંધી પરિવાર વિરુદ્ધની મીટિંગ એક કાવતરું? મોડી રાતે ગેહલોતની સોનિયા સાથે મુલાકાત

9 મહિનો પહેલા
  • પાર્ટીના પૂર્વ સાંસદે કહ્યું- 5 રાજ્યમાં ચૂંટણી પહેલાં નારાજ સિનિયર લીડર્સ રાજ્યસભાની ટિકિટ મેળવવા મીટિંગો કરી રહ્યા છે

135 વર્ષ જૂની કોંગ્રેસ ફરી એક વખત સંકટ સમયમાંથી પસાર થઈ રહી છે, જોકે આ કોંગ્રેસ માટે નવું નથી; પાર્ટી અત્યારસુધીમાં ઘણીવાર તૂટી છે અને ફરીવાર બેઠી પણ થઈ છે. અત્યારે કોંગ્રેસ જે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે એ જોતાં લાગે છે કે કોંગ્રેસ ભંગાણના આરે છે. કોંગ્રેસમાંથી બનેલા G-23 નેતાઓની કમિટી વધારે મજબૂત થઈ રહી છે. આ કમિટીમાં ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ જેવા સિનિયર નેતાઓ છે અને તેમણે જ હવે પાર્ટી વિરુદ્ધની કાર્યવાહી શરૂ કરી છે

કોંગ્રેસ પાર્ટીના G-23 નેતાઓનું ગ્રુપ હવે દેશવ્યાપી 'સેવ ધ આઈડિયા ઓફ ઈન્ડિયા' કેમ્પેન લોન્ચ કર્યું છે. એ માટે રેલીઓ અને જનસભાની શરૂઆત શનિવારથી જમ્મુથી કરવામાં આવી છે. ત્યાં પાર્ટીના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે દરેકને આમંત્રણ આપ્યું હતું. ગુલામ નબી આઝાદ પણ કોંગ્રેસના G-23માં સામેલ છે. હવે આ G-23 નેતાઓ શું ઈચ્છે અને કેમ ગાંધી પરિવારનો વિરોધ કરી રહ્યા છે તેવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પાર્ટીની ખરાબ સ્થિતિ માટે પણ G-23 નેતાઓને જવાબદાર ગણાવવામાં આવે તો પણ નવાઈ નહીં.

રાજ્યસભાની ટીકિટ મેળવવા માટેનું આ કાવતરું- પૂર્વ સાંસદ
સિનિયર કોંગ્રેસ લીડર અને પૂર્વ લોકસભાના સાંસદ રંજિત રંજન પાર્ટીએ G-23 નેતાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે 5 રાજ્યમાં થનારી ચૂંટણી પહેલાં સિનિયર નેતાઓનું વર્તન પાર્ટી વિરુદ્ધ કાવતરા સમાન છે. તેઓ આવું માત્ર રાજ્યસભાની સીટ મેળવવા માટે કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમુક લોકો રાજ્યસભાની સીટ માટે પાર્ટીની નિંદા કરી રહ્યા છે. જ્યારે પાર્ટીએ આ G-23ના નેતાઓને ઘણું આપ્યું છે.

પાર્ટીની ખરાબ હાલત માટે G-23 નેતાઓ જવાબદાર
તેમણે કહ્યું હતું કે આ નેતાઓ જે કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી છેલ્લાં 30 વર્ષથી સતત પતન તરફ જઈ રહી છે, તેમને એ સવાલ કરવો જોઈએ કે શું આ G-23 નેતાઓ તે માટે જવાબદાર નથી? શું આ લોકો એજ કોંગ્રેસ પાર્ટીને નબળી કરી છે? તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની નબળાઈ માટે ગાંધી પરિવાર પર આરોપ લગાવવો યોગ્ય નથી. રંજિત રંજને G-23 નેતાઓને જ પાર્ટીની આ સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા છે. કારણ કે તેઓ યુવા હતા ત્યારથી આ પાર્ટી સાથે જોડાયેલા છે અને તેમણે પાર્ટીને બચાવવા કશું જ કર્યું નથી.

કોંગ્રેસનું G-23 શું છે અને તેઓ શું ઈચ્છે છે?
કોંગ્રેસ હાઈકમાનથી નારાજ આ સિનિયર નેતાઓને G-23ના નામથી ઓળખવામાં આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સોનિયા ગાંધીને લખવામાં આવેલી ચિઠ્ઠીમાં G-23ના નેતાઓએ પાર્ટીમાં તરત સુધારાની માગણી કરી હતી. એમાં મૂળ સ્તરથી લઈને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) સુધી સંગઠનની ચૂંટણીની માગ કરવામાં આવી હતી. આજે એકવાર ફરી આ દરેક નેતા ગાંધી પરિવાર સામે એક જૂથ થઈ રહ્યા છે. નેતાઓનો વિરોધ ગાંધી પરિવારના તે ખાસ લોકો સામે પણ છે, જે પાર્ટી સંગઠન અને સંસદમાં મહત્ત્વની પોઝિશન પર બેઠા છે.

આઝાદ સાથે કરેલી ગેરવર્તણૂકનો પણ વિરોધ કર્યો
G-23 નેતાઓએ તાજેતરમાં જ રાજ્યસભાની સીટ પરથી નિવૃત્ત થયેલા ગુલામ નબી આઝાદ સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂક સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ગુલામ નબી આઝાદને કોંગ્રેસે બીજો મોકો ના આપ્યો. ગ્રુપ સાથે જોડાયેલા એક નેતાએ કહ્યું, જ્યારે બીજી પાર્ટીના નેતાઓ આઝાદ માટે સીટ છોડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની લીડરશિપે તેમના માટે કોઈ સન્માન ન દર્શાવ્યું. તેમની જગ્યાએ રોબર્ટ વાડ્રાનો કેસ લડતા વકીલને રાજ્યસભાની સીટ આપી દીધી.

શનિવારે એકસાથે આવ્યા
કોંગ્રેસ લીડરશિપથી નારાજ પાર્ટીમા સિનિયર લીડર્સ શનિવારે જમ્મુમાં ભેગા થયાહતા. કાર્યક્રમમાં પહોંચેલા કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, કોંગ્રેસ કમજોર થઈ રહી છે. અમે તેને મજબૂત કરવા ભેગા થયા છીએ. તેમણે પાર્ટી તરપતી ગુલામનબી આઝાદના અનુભવનો ફાયદો ના લેવાની વાત પણ કરી હતી. શાંતિ સંમેલનમાં સૌથી વધારે ચોંકાવનારું નિવેદન ગુલામ નબી આઝાદનું રહ્યું હતું. તેમણે કહ્યું કે, હું રાજ્યસભામાં નિવૃત્ત થયો છું, રાજકારણમાંથી નિવૃત્ત નથી થયો અને હું સંસદમાંથી પહેલીવાર નિવૃત્ત નથી થયો. તેમનું આ નિવેદન કોંગ્રેસ હાઈકમાન માટે પડકાર માનવામાં આવે છે.

શનિવારે જમ્મુમાં મળ્યા G-23 નેતાઓ.
શનિવારે જમ્મુમાં મળ્યા G-23 નેતાઓ.

રાહુલને મેસેજ- ઉત્તરથી દક્ષિણ સુધી ભારત એક છે
કોંગ્રેસના G-23 સાથે જોડાયેલા એક સિનિયર લીડરે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે જે પણ કઈ ચાલી રહ્યું છે એ ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલી પાર્ટીની વર્કિંગ કમિટીના નિર્ણયથી એકદમ ઊંધું છે. પાર્ટીમાં અત્યારસુધી કોઈ ચૂંટણી અથવા સુધારો જોવા મળ્યો નથી. એક અન્ય નેતાનું નામ ના છાપવાની શરતે કહેવામાં આવ્યું છે કે આ રાહુલ ગાંધી માટે સીધો મેસેજ છે. અમે દેશને દેખાડવા માગીએ છીએ કે ઉત્તરથી દક્ષિણ સુધીમાં ભારત એક છે.

સીએમ અશોક ગેહલોતે મોડી રાતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુલાકાત કરી
રાજસ્થાનમાં પૂર્વ ડેપ્યુટી સચિન પાઇલટ સાથે બે કિસાન સભા માટે આખો દિવસ સમય પસાર કર્યા પછી સીએમ અશોક ગેહલોતે શનિવારે મોડી સાંજે દિલ્હીમાં કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જોકે આ મુલાકાત ખૂબ ટૂંકી હતી. હકીકતમાં કોંગ્રેસમાં ચર્ચા છે કે પેટાચૂંટણી પહેલાં નારાજ પાઇલટ અને ગેહલોત વચ્ચે બધું સારું છે તેવો મેસેજ રાજ્ય પ્રભારી અજ/ માકન જનતામાં પહોંચાડવા માગે છે.

રાજસ્થાન કોંગ્રેસમાં હજી મનામણાં-રિસામણાંની સ્થિતિ.
રાજસ્થાન કોંગ્રેસમાં હજી મનામણાં-રિસામણાંની સ્થિતિ.

કોંગ્રેસમાં ટૂટ નવાઈની વાત નથી
આઝાદી પહેલાં પણ કોંગ્રેસ બે વાર ટૂટી હતી. કોંગ્રેસનં મુળ ચિન્હ બળદની જોડી હતી પરંતુ આંતરિક ઝઘડાના કારણે 12 નવેમ્બર 1969માં કોંગ્રેસે ઈન્દિરા ગાંધીને પાર્ટીમાંથી બહાર કરી દીધા હતાં. તે સમયે ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસ (આર) નામની એક નવી પાર્ટી બનાવી હતી. તે પાર્ટીનું ચિહન ગાય અને વાછરડું રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી કોંગ્રેસ આર પાર્ટીને કોંગ્રેસ આઈ નામ આપવામાં આવ્યું અને સમયાંતરે આ જ પાર્ટી કોંગ્રેસ આઈએનસી એટલે કે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ બની. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે વિપક્ષનાં સૂપડાં સાફ કરી દીધા અને એકતરફી બહુમતી મેળવી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા.

ઈન્દિરા ગાંધી અલગ થયા ત્યારે પાર્ટીનું આ ચિહન રાખવામાં આવ્યું હતું.
ઈન્દિરા ગાંધી અલગ થયા ત્યારે પાર્ટીનું આ ચિહન રાખવામાં આવ્યું હતું.

કોંગ્રેસ VS કોંગ્રેસના G-23 નેતાઓ
1. ગુલામ નબી આઝાદ
2. કપિલ સિબ્બલ
3. શશિ થરૂર
4. મનિષ તિવારી
5. આનંદ શર્મા
6. પીજે કુરિયન
7. રેણુકા ચૌધરી
8, મિલિંદ દેવડા
9. મુકુલ વાસનિક
10. જિતેન પ્રસાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી
11. ભૂપેન્દર સિંહ હુડ્ડા
12. રાજિંદર કૌર ભટ્ટલ
13. એમ વીરપ્પા મોઈલી
14. પૃથ્વીરાજ ચૌહાણ
15. અજય સિંહ
16. રાજ બબ્બર
17. અરવિંદ સિંહ લવલી
18. કૌલ સિંહ ઠાકુર
19. અખિલેશ પ્રસાદ સિંહ
20. કુલદીપ શર્મા
21. યોગનંદ શાસ્ત્રી
22. સંદીપ દીક્ષિત
23. વિવેક તન્ખા

અન્ય સમાચારો પણ છે...