જમ્મુ-કાશ્મીર:સીમાંકનના વિરોધમાં જાન્યુઆરીથી મોરચાબંધી

જમ્મુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વર્ષે ગુપકાર દેખાવો કરશે
  • પ્રવક્તાએ કહ્યું- અમે કોઇ પણ સંજોગોમાં ઘર્ષણ નથી ઇચ્છતા ​​​​​​​

જમ્મુ-કાશ્મીરમાં રાજકીય અસ્તિત્વ બચાવવા મથતા પીપલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન (પીએજીડી)ના નેતાઓ નવા વર્ષની શરૂઆત શ્રીનગરમાં ધરણા-દેખાવોથી કરશે. ગુપકારે જમ્મુ વિભાગમાં 6 અને કાશ્મીર વિભાગમાં 1 વિધાનસભા બેઠક વધારવાના સીમાંકન પંચના પ્રસ્તાવના વિરોધમાં આ જાહેરાત કરી છે.

સીમાંકનથી સર્જાનારી સ્થિતિમાં રાજકીય વ્યૂહ ઘડવા મંગળવારે જમ્મુમાં ડૉ. ફારુક અબ્દુલ્લાના નિવાસે ગઠબંધનની બેઠક મળી, જેમાં પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી, આવામી નેશનલ કોન્ફરન્સના નેતા મુઝફ્ફર અહેમદ શાહ, સીપીએમના મોહમ્મદ યુસુફ તારિગામી, નેશનલ કોન્ફરન્સના સાંસદ હસનૈન મસૂદી અને પીડીપીના ડૉ. મહેબૂબ બેગ સહિતના નેતાઓ હાજર હતા.

બેઠક બાદ ગઠબંધનના પ્રવક્તા તારિગામીએ જણાવ્યું કે અમે નક્કી કર્યું છે કે સીમાંકન પંચના પ્રસ્તાવના વિરોધમાં 1 જાન્યુ.એ સવારે શ્રીનગરમાં શાંતિપૂર્ણ દેખાવો કરીશું. કોઇ પણ સંજોગોમાં ઘર્ષણ નથી ઇચ્છતા. અમે જનતાના મૂળભૂત અધિકારો માટે અવાજ ઊઠાવતા રહીશું.સીમાંકન પંચની બેઠકમાં ભાગ લીધા બાદ નેશનલ કોન્ફરન્સના 3 સભ્યએ સ્પષ્ટ કર્યું કે તેઓ સીમાંકન પંચના પ્રસ્તાવ અને તૈયાર કરાયેલા ડ્રાફ્ટ રિપોર્ટ પર કોઇ પણ સંજોગોમાં સહી નહીં કરે.

પ્રસ્તાવને સદંતર ફગાવતાં પક્ષના નેતા, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમના પક્ષને સીમાંકન પંચનો પ્રસ્તાવ સ્વીકાર્ય નથી. મહેબૂબાએ કહ્યું કે સીમાંકન પંચ માત્ર ભાજપના રાજકીય હિતો માટે કામ કરી રહ્યું છે.

પ્રસ્તાવ વિભાજનકારી, કેમ કે તે 2011ની વસતીગણતરીના આધારે તૈયાર નથી થયો
તારિગામીએ સીમાંકન પંચના પ્રસ્તાવને વિભાજનકારી ગણાવતાં કહ્યું કે ગુપકાર અલાયન્સને તે સ્વીકાર્ય નથી. આવો પ્રસ્તાવ જમ્મુ, કાશ્મીર કે લદાખના લોકોના હિતમાં નથી. શું ગુપકાર નેતાઓ જમ્મુ વિભાગમાં 6 બેઠક વધારવાના પ્રસ્તાવની વિરુદ્ધ છે? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે જમ્મુ અમારું છે. અમે જમ્મુના લોકોના પણ પ્રતિનિધિ છીએ પરંતુ બેઠક વધારવાના પ્રસ્તાવ પાછળ કોઇ માપદંડ તો હોવો જોઇએ. સીમાંકન પંચે 2011ના વસતીગણતરીના આંકડાના હિસાબથી લેવાનો હતો પણ તેવું નથી થયું. જો 2011ના આંકડા સામે વાંધો હતો તો અમારું એમ પણ કહેવું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આ પ્રક્રિયા શરૂ કરતા પહેલાં દેશભરમાં થનારી વસતીગણતરીની રાહ જોવો. તારિગામીએ ભાજપ પર નિશાન તાકતાં કહ્યું કે કેન્દ્ર સરકારે અમારી અપીલ પર કેમ ધ્યાન ન આપ્યું? સરકાર આટલી ઉતાવળ કેમ કરે છે?

ભાજપે કહ્યું- જમ્મુનું રાજકીય કદ વધશે
​​​​​​​ભાજપે સીમાંકન પંચનો પ્રસ્તાવ આવકારતાં કહ્યું કે પંચના પ્રસ્તાવ પ્રમાણે બેઠકોની વહેંચણી થશે તો જમ્મુ વિભાગનું રાજકીય કદ વધશે. પહેલીવાર 9 બેઠક અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત રહેશે. તેનાથી એક તરફ એસટી વર્ગના લોકોને પ્રતિનિધિત્વ મળશે અને બીજી તરફ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા ચૂંટણીમાં નસીબ અજમાવશે. 9 બેઠકમાંથી ઓછામાં ઓછી 5 જમ્મુમાં અને 4 કાશ્મીર ખીણમાં અનામત રહેવાની અટકળો છે. તેમાંથી 2-2 બેઠક રાજૌરી અને પૂંચ તથા એક બેઠક રિયાસી માટે અનામત રખાઇ શકે છે.


અન્ય સમાચારો પણ છે...