ચાર રાજ્યની 16 રાજ્યસભા બેઠક માટે શુક્રવારે વોટિંગ થયું. ત્યારબાદ મત ગણતરી કરવામાં આવી. અત્યાર સુધીના પરિણામોમાં રાજસ્થાનમાં કોંગ્રેસને ત્રણ બેઠક મળી છે, ભાજપને એક બેઠક મળી છે. અહીં કુલ 4 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાને જીત મળી નથી. કર્ણાટકમાં કુલ 4 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 3 બેઠક પર ભાજપ તથા એક બેઠક પર કોંગ્રેસને જીત મળી છે. ભાજપના નિર્મલા સીતારણ અને કોંગ્રેસના જયરામ રમેશને જીત મળી છે. આ ઉપરાંત હરિયાણાની 2, મહારાષ્ટ્રની 6 અને કર્ણાટકની 4 બેઠક માટે મતદાન થયું છે. હકીકતમાં રાજ્યસભાની 57 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી. પણ 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચાર રાજ્યોમાં મતદાનને લઈ ભારે અફરા-તફરી જોવા મળી હતી.
રાજ્યસભા ચૂંટણીના મતદાન સંબંધિત અપડેટ્સ
ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં રાજસ્થાનમાં 4, હરિયાણામાં 2, મહારાષ્ટ્રમાં 6 અને કર્ણાટકની 4 સીટો સામેલ છે. ખરેખર, આજે રાજ્યસભાની 57 બેઠકો પર ચૂંટણી થવાની હતી, પરંતુ 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.
આ રાજ્યોમાં 16 બેઠકો માટે પક્ષ અને વિપક્ષ વચ્ચે જંગ છે. ક્રોસ વોટિંગના ભયને જોતા તમામ પક્ષોએ તેમના સંબંધિત ધારાસભ્યોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા, જેમને પાછા બોલાવવામાં આવ્યા છે. આ ધારાસભ્યો મતદાન કરવા આજે વાડાબંધામાંથી બહાર નીકળ્યા છે. ચૂંટણી રસપ્રદ બને તેવી શક્યતા છે અને સમગ્ર દેશની નજર તેના પરિણામો પર પણ રહેશે.
બીજી તરફ, રાજસ્થાનમાં ધારાસભ્યોના હોર્સ-ટ્રેડિંગની આશંકાને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે 12 કલાક માટે ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. ચાલો તમને જણાવીએ દરેક રાજ્યના ચૂંટણી સમીકરણ...
રાજસ્થાન: અપક્ષને જીતવા માટે 8 મતની જરૂર છે, આટલા જ અપક્ષ ધારાસભ્યો ગેહલોતથી નારાજ છે
રાજસ્થાનમાં રાજ્યસભાની ચાર બેઠકોમાંથી બે કોંગ્રેસને અને એક ભાજપને મળવાનું નક્કી છે. ચોથી બેઠક પર કોંગ્રેસના પ્રમોદ તિવારી અને અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રા વચ્ચે જંગ છે. જો કે રાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોતની સરકાર છે. ગેહલોત ધારાસભ્યો પર મજબૂત પકડ ધરાવતા નેતા છે. તેમની પહોંચ માત્ર કોંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યોમાં જ નહીં પરંતુ એવું પણ કહેવાય છે કે જરૂર પડ્યે તેઓ ભાજપના ધારાસભ્યોને તોડવાની પણ તાકાત ધરાવે છે.
જ્યારે, અપક્ષ ઉમેદવાર તરીકે, સુભાષ ચંદ્રાએ નારાજ ધારાસભ્યોને પોતાની તરફ લાવવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. ભાજપ દ્વારા પણ તેમને સંપૂર્ણ મદદ કરવામાં આવી રહી છે.
ક્રોસ વોટિંગની સંભાવનાને ધ્યાનમાં રાખીને, સીએમ અશોક ગેહલોતે દરેક ધારાસભ્યોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. આ સંદર્ભે, તેમણે ભૂતકાળમાં આદેશો પણ જારી કર્યા હતા.
આ છે જીતનું ગણિતઃ રાજસ્થાનમાં એક ઉમેદવારને જીતવા માટે 41 ધારાસભ્યોના મત જરૂરી છે. કોંગ્રેસના ત્રણ ઉમેદવારો મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાનમાં છે. ત્રણેય ઉમેદવારો માટે 123 ધારાસભ્યોના મત જરૂરી છે. જ્યારે સરકાર પાસે હાલમાં 126 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાંથી 107 કોંગ્રેસના છે. જ્યાં સુધી નારાજ કે અપક્ષ ધારાસભ્ય આમ-તેમ ન જાય, ત્યાં સુધી કોંગ્રેસની જીત નિશ્ચિત છે.
આઠ અપક્ષ ધારાસભ્યો નારાજ હોવાનું માનવામાં આવે છે, જેમના નુકસાનથી ત્રીજા ઉમેદવારની હાર નિશ્ચિત છે.
બીજી તરફ ભાજપના ઉમેદવાર ઘનશ્યામ તિવારીની જીત પણ નિશ્ચિત છે, કારણ કે ભાજપ પાસે 71 ધારાસભ્યો છે. તિવારીને 41 મત મળતા જ જીતી જશે, જ્યારે ભાજપના 30 ધારાસભ્યો અપક્ષ સુભાષ ચંદ્રાને મત આપશે. ચંદ્રાને RLPના 3 ધારાસભ્યોનું પણ સમર્થન મળેલું છે. તેમને માત્ર 8 ધારાસભ્યોની જરૂર છે. જયપુરમાં પડાવ નાખીને તેઓ ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં વ્યસ્ત છે.
હરિયાણાઃ કોંગ્રેસમાં જૂથવાદને કારણે હારનો ખતરો
હરિયાણામાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અહીં એક સીટ પર ભાજપની જીત નિશ્ચિત છે, જ્યારે બીજી સીટ પર કોંગ્રેસના ઉમેદવાર અજય માકન અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા વચ્ચે મુકાબલો છે.
રાજસ્થાનની જેમ શર્માને પણ ભાજપનું સમર્થન મળેલું છે. તેને જીતવા માટે 31 મતની જરૂર છે. તેઓ આશા રાખે છે કે કોંગ્રેસથી નારાજ ધારાસભ્યો તેમના પક્ષમાં મતદાન કરશે. કાર્તિકેય શર્માની તરફેણમાં બીજી એક વાત એ છે કે તેના પિતા વિનોદ શર્માનો હરિયાણામાં ભારે અસર રહી છે. તેઓ કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ રહ્યા હતા.
બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અજય માકનને કોંગ્રેસના 31 ધારાસભ્યોમાંથી 30 મત મળે તો જ તેઓ જીતી શકે છે. પરંતુ કોંગ્રેસમાં જે પ્રકારનો જૂથવાદ પ્રવર્તે છે, માકન માટે રસ્તો સરળ લાગતો નથી.
જ્યારે અપક્ષ ઉમેદવાર કાર્તિકેયને દુષ્યંત ચૌટાલાની JJPના 10 અને બીજેપીના બાકીના 10 ધારાસભ્યોના મત મળવાની પુરી શક્યતા છે. 7 અપક્ષ અને કોંગ્રેસના નારાજ ધારાસભ્યોની મદદથી કાર્તિકેય બાજી પલટાવી શકે છે.
મહારાષ્ટ્ર: એક સીટ માટે શિવસેના-ભાજપ વચ્ચે ઘમાસાણ
જો કે મહારાષ્ટ્રમાં 6 સીટો પર ચૂંટણી થવાની છે, પરંતુ માત્ર એક સીટ પર જબરદસ્ત ટક્કર જોવા મળશે. રાજ્યસભાની બેઠકની ચૂંટણી જીતવા માટે દરેક ઉમેદવારને કુલ 42 મતની જરૂર પડશે.
ભાજપ પાસે 106 ધારાસભ્યો છે, જેના બળ પર પાર્ટી સરળતાથી બે સાંસદોને જીતાડી લેશે. જ્યારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસનાં એક સાંસદ જીતશે.
આ પછી મહાવિકાસ અઘાડી (મહારાષ્ટ્ર સરકારનું ગઠબંધન) અને ભાજપ પાસે થોડા વધારાના મતો બચશે, પરંતુ આ મતો એટલા વધારે નહીં હોય કે રાજ્યસભાના છઠ્ઠા સદસ્યની ચૂંટણી સરળતાથી થઈ શકે. ગઠબંધન સિવાય શિવસેનાના ઉમેદવારને વધારાના મત મળવાનું નક્કી છે. શિવસેનાએ કોલ્હાપુર જિલ્લા અધ્યક્ષ સંજય પવારને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે.
જ્યારે, ભાજપે કોલ્હાપુરના ધનંજય મહાદિકને ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. મહાદિકની તરફેણમાં 7 અપક્ષ ધારાસભ્યો પણ હશે. બે સીટો પર ઉમેદવારો જીત્યા બાદ પાર્ટી પાસે 29 મત બાકી રહેશે. મહાદિક પાસે હાલમાં 36 મત છે (7 અપક્ષો સહિત) જ્યારે 6 મત ઓછા પડી રહ્યા છે.
જ્યારે મહાવિકાસ આઘાડી સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે તે તેમની પાસે 41 મત છે અને માત્ર એક જ મત મેનેજ કરવો પડશે, જે મોટી વાત નથી.
કર્ણાટક: કોંગ્રેસ-ભાજપ વચ્ચે ટક્કર
કર્ણાટકમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 6 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ અને ભાજપ પાસે એક-એક વધારાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે ચોથી બેઠક પરની હરીફાઈ રસપ્રદ બની છે.
કોંગ્રેસે પૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશ, લઘુમતી નેતા મન્સૂર અલી ખાનને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, અભિનેતા જગેશ અને કર્ણાટકના MLC લહર સિંહ સિરોયાને મેદાનમાં ઉતાર્યા છે.
રિયલ એસ્ટેટ બિઝનેસમેન ડી કુપેન્દ્ર રેડ્ડી જનાલ દળ (સેક્યુલર) એટલે કે જેડીએસ તરફથી ઉમેદવાર છે.
224 સીટોવાળી કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ પાસે 70 ધારાસભ્યો છે, જ્યારે ભાજપ પાસે 121 અને જેડીએસ પાસે 32 ધારાસભ્યો છે.
કર્ણાટકમાં દરેક ઉમેદવારને જીતવા માટે 45 ધારાસભ્યોના મતની જરૂર છે. આવી સ્થિતિમાં સત્તાધારી ભાજપ સરળતાથી ચારમાંથી બે બેઠકો જીતી શકે છે, જ્યારે કોંગ્રેસ એક બેઠક જીતી શકે છે.
32 ધારાસભ્યો સાથે, જેડીએસ પાસે રાજ્યસભા બેઠક જીતવા માટે સંખ્યા નથી. તો ચોથી સીટ માટે પણ કર્ણાટકમાં રસપ્રદ પરિણામો આવવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.