• Gujarati News
  • National
  • From Natwar Singh, Sanjay Baru To Manishi Tiwari Attacked From Behind The Congress Party, Always Relying On Books

મનીષ તિવારીનો 'બુક-બૉમ્બ':26-11ના હુમલા પછી પાક. સામે કાર્યવાહી જરૂરી હતી; નટવર સિંહથી ખુરશીદ સુધીના કોંગ્રેસનેતાઓએ જ પુસ્તકોમાં પાર્ટીની પોલ ખોલી

4 દિવસ પહેલા
  • સલમાન ખુરશીદના પુસ્તકનો વિવાદ શમ્યો નથી ત્યાં મનીષ તિવારીના પુસ્તકે નવો વિવાદ ઊભો કર્યો

કોંગ્રેસમાં ફરી પુસ્તકિયો-બોમ્બ ફૂટ્યો છે. સલમાન ખુરશીદના પુસ્તક 'સનરાઈઝ ઓવર અયોધ્યા'નો વિવાદ તો હજી શમ્યો પણ નહોતો અને કોંગ્રેસનેતા મનીષ તિવારીએ વધુ એક બોમ્બ ફોડ્યો છે. કોંગ્રેસના શાસનકાળમાં મુંબઈમાં થયેલા હુમલા હજી તેમનો પીછો છોડી રહ્યા નથી. મુંબઈ હુમલાને કારણે બીજેપીથી લઈને કોંગ્રેસ પાર્ટીના જ સિનિયર નેતાઓએ પક્ષ પર ઘણીવાર આકરા પ્રહાર કર્યા છે. આ વખતે કોંગ્રેસના સિનિયર નેતા મનીષ તિવારીએ જ તેમના પુસ્તક '10 ફ્લેશ પોઈન્ટ: 20 ઈયર્સ- નેશનલ સિક્યોરિટી ધેટ ઈમ્પેક્ટ ઈન્ડિયા'માં મનમોહન સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મનીષ તિવારીએ તેમના મુંબઈમાં થયેલા 26/11ના હુમલા પછી પાકિસ્તાન પર કોઈ એક્શન ન લેવાની વાતને કોંગ્રેસની નબળાઈ ગણાવી છે.

કોંગ્રેસનેતા મનીષ તિવારીએ તેમના પુસ્તકમાં મુંબઈ હુમલા પછી કોઈ કાર્યવાહી ના કરવાના મુદ્દે મનમોહન સરકારની નિંદા કરી છે. મનીષ તિવારીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે મુંબઈ હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની જરૂર હતી. તેમણે એવું પણ પુસ્તકમાં લખ્યું છે કે કોંગ્રેસે કાર્યવાહી ના કરીને તેમની નબળાઈ દર્શાવી છે.

મનીષ તિવારીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે કોઈ દેશ (પાકિસ્તાન)ને નિર્દોષ લોકોની હત્યા કરવામાં કોઈ દુઃખ નથી તો તેમની સામે ધીરજ રાખવી એ નબળાઈની નિશાની છે. 26/11 એવી ઘટના છે, જ્યારે શબ્દો કરતાં વધારે જવાબી કાર્યવાહી કરવાની જરૂર હતી. મનીષ તિવારીએ મુંબઈ હુમલાની સરખામણી 9/11 સાથે કરતાં કહ્યું હતું કે ભારતે એ જ સમયે તીવ્ર જવાબી કાર્યવાહી કરવાની જરૂર હતી.

મનીષ તિવારીના પુસ્તકે કોંગ્રેસને નબળી ગણાવી.
મનીષ તિવારીના પુસ્તકે કોંગ્રેસને નબળી ગણાવી.

આ પહેલાં પણ મનીષ તિવારીએ પાર્ટી પર કર્યા હતા પ્રહાર
આ પહેલી વખત નથી, જ્યારે મનીષ તિવારીએ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હોય. આ પહેલાં પણ પંજાબની રાજકીય અસ્થિરતા વિશે કહ્યું હતું કે તેમને પંજાબની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે હકીકતમાં તેમને એ વિશેની સમજણ જ નથી. એ ઉપરાંત તેમણે કોંગ્રેસમાં કન્હૈયા કુમારની એન્ટ્રી સામે પણ સવાલ ઊભા કર્યા હતા.

સલમાન ખુરશીદના પુસ્તકે પણ સર્જ્યો હતો વિવાદ
કોંગ્રેસ સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદના નવા પુસ્તક 'સનરાઈઝ ઓવર અયોધ્યા' બજારમાં લોન્ચ થયા પછી વિવાદ અટકવાનું નામ જ નથી લેતો અને હવે આ મુદ્દો કોર્ટ સુધી પણ પહોંચી ગયો છે. હિન્દુ સેના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા તરફથી પટિયાલા હાઉસ કોર્ટમાં કેસ દાખલ કરીને સલમાન ખુરશીદના પુસ્તકના પ્રકાશન, વેચાણ, પ્રસાર અને વિતરણ પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી છે.

સલમાન ખુરશીદના ઘણા ઘટસ્ફોટ પછી પણ આ પુસ્તકનો વિવાદ હજી પૂરો થયો નથી
સલમાન ખુરશીદના ઘણા ઘટસ્ફોટ પછી પણ આ પુસ્તકનો વિવાદ હજી પૂરો થયો નથી

કઈ વાતે થયો વિવાદ
સલમાને તેમના પુસ્તકના પેજ નંબર 113 પર લખ્યું છે કે સાધુ-સંત જે સનાતન ધર્મ અને ક્લાસિકલ હિન્દુઈઝમને જાણે છે, તેને સાઈડમાં રાખીને હિન્દુત્વના એવા વર્ઝનને આગળ વધારવામાં આવી રહ્યું છે, એ આઈએસઆઈએસ અને બોકોહરામ જેવાં જેહાદી ઈસ્લામી સંગઠનોના રાજનૈતિક રૂપ જેવું છે. તેમણે દાવો કર્યો છે કે હિન્દુત્વનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી રેલીઓમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ, આ લખાણથી એવો વિવાદ થયો છે કે ખુરશીદે હિન્દુત્વની સરખામણી આઈએસઆઈએસ અને બોકોહરામ સાથે કરી છે.
વિવાદ વધતાં કોંગ્રેસનેતાએ કહ્યું હતું કે મેં મારા પુસ્તકમાં હિન્દુત્વને ક્યારેય આતંકી સંગઠન નથી કહ્યું. આ પુસ્તક લખવા માટે મેં સુપ્રીમકોર્ટના ઓર્ડરની રાહ પણ જોઈ છે. મેં આ પુસ્તકમાં હિન્દુત્વનાં વખાણ કર્યાં છે અને એ વાત પર પણ ભાર આપ્યો છે કે હિન્દુત્વને આગળ વધારવું જોઈએ.

સંજય બારુ: ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર
મનમોહન સિંહના વડાપ્રધાન સમયના કાર્યકાળમાં તેમના સલાહકાર રહેલા સંજય બારુએ તેમના પર 'ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક એપ્રિલ 2014માં લોન્ચ કરાયું હતું અને એ જ સમયે એપ્રિલ-મે 2014માં લોકસભાની ચૂંટણી હતી, તેથી આ પુસ્તક આ સમયે જ કેમ લોન્ચ કરવામાં આવ્યું એ વિશે પણ વિવાદ થયો હતો. ઉપરાંત તેમાં મનમોહન સિંહની સરકાર વિશે પણ ઘણા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા.

સંજય બારુએ આ પુસ્તક 2014માં લોકસભા ચૂંટણી પહેલાં જ લોન્ચ કર્યું હતું.
સંજય બારુએ આ પુસ્તક 2014માં લોકસભા ચૂંટણી પહેલાં જ લોન્ચ કર્યું હતું.

સંજય બારુ 2004થી ઓગસ્ટ 2008 સુધી એ સમયના વડાપ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહ્યા હતા. પેંહુઈન ઈન્ડિયા દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પોતાની કેબિનેટ અને ત્યાં સુધી કે પીએમઓ સુધી સિંહનું કોઈ નિયંત્રણ નહોતું. મનમોહન સિંહ કરતાં સોનિયા ગાંધી પાસે વધારે તાકાત હતી અને સિંહ તેમના સહાયક હતા. આ પુસ્તકમાં મનમોહન સિંહની સરકારને કથપૂતળીની સરકાર પણ ગણાવવામાં આવી હતી. આ પુસ્તક પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. જોકે આ ફિલ્મ પણ 2019માં બની હતી અને ત્યારે પણ લોકસભા ચૂંટણી આવતી હતી. તેથી એવું પણ માનવામાં આવે છે કે બીજેપીએ ચૂંટણીમાં લાભ લેવા માટે આ ફિલ્મ બનાવડાવી હતી.

નટવર સિંહે ખોલ્યા હતા નેહરુ-ગાંધી પરિવારનાં રહસ્યો
કોંગ્રેસનેતા નટવર સિંહે તેમની આત્મકથા 'વન લાઈફ ઈઝ નોટ ઈનફ'માં નટવર સિંહે નેહરુ-ગાંધી પરિવાર સાથેની તેમની નીકટતા સહિત સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવાનો કેમ ઈનકાર કર્યો? રાહુલ ગાંધીએ માતાને શું ધમકી આપી હતી, એ દરેક વિશે ઘટસ્ફોટ કરતાં વિવાદ સર્જાયો હતો. આ પુસ્તક ઓગસ્ટ 2014માં બજારમાં આવ્યું હતું. જોકે એ સમયે એપ્રિલ-મે 2014માં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ હતી અને વડાપ્રધાનપદ તરીકે મોદી આવી ગયા હતા. તેથી આ પુસ્તકની અસર ચૂંટણી પર થાય એવી નહોતી, પરંતુ આ પુસ્તકને કારણે કોંગ્રેસ પાર્ટી પર ચોક્કસથી છાંટા ઊડ્યા હતા.

ઓગસ્ટ 2014માં નટવર સિંહનું આ પુસ્તક લોન્ચ થયું હતું.
ઓગસ્ટ 2014માં નટવર સિંહનું આ પુસ્તક લોન્ચ થયું હતું.

આ પુસ્તકમાં એક યુવા નેતા તરીકે રાજીવ ગાંધીનો વિકાસ અને તેમનો ઓસરતો જતો કરિશમા તેમના અનુભવનો અભાવ વગેરે વિશે લખવામાં આવ્યું હતું. એ ઉપરાંત સોનિયા ગાંધીએ વડાપ્રધાન બનવાની એટલા માટે ના પાડી હતી, કારણ કે રાહુલ ગાંધીએ તેમને ચેતવણી આપી હતી. રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને ચેતવણી આપી હતી કે જો તેઓ વડાપ્રધાન બનશે તો તેમને રોકવા માટે રાહુલ ગાંધીને જે કરવું પડશે એ તેઓ કરશે. રાહુલ ગાંધીએ તેમની માતાને નિર્ણય બદલવા માટે 24 કલાકનો સમય પણ આપ્યો હતો. આ ચેતવણીના કારણે સોનિયા ગાંધી રડી પણ પડ્યાં હતાં. આ ઉપરાંત પણ આ પુસ્તકમાં કોંગ્રેસ પાર્ટીને લગતા ઘણા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...