કાશ્મીરમાં પ્રવાસનમાં તેજી અને હિંસક ઘટનાઓમાં ઘટાડાના વચ્ચે આતંકીઓ ફરી એકવાર માથું ઉંચકવાનો પ્રયાસ કર્યો છે. આતંકીઓ 24 જ કલાકમાં બે હત્યા કરીને સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંક્યો છે. પહેલી હત્યા ગુરુવારે રાહુલ ભટ્ટ નામના કાશ્મીરી પંડિતની હત્યા થઈ. બાદમાં શુક્રવારે ઘરમાં ઘૂસીને એક કોન્સ્ટેબલની હત્યા કરી. આ દરમિયાન હજારો કાશ્મીરી પંડિતો રસ્તા પર ઉતરી આવ્યા.
ઉત્તર કાશ્મીરના બારામુલાથી દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડ સુધી અનેક સ્થળે ઉગ્ર દેખાવો થયા. દસકાઓ પછી કાશ્મીરી પંડિતો આ રીતે એકસાથે અનેક શહેરમાં રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. બડગામના શેખપોરા ટ્રાન્ઝિટ કેમ્પ બહાર ભેગા થયેલા પંડિતોને કચડવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો અને ટિયર ગેસના શેલ પણ છોડ્યા. અહીં સરકારી તંત્રમાં કામ કરતા પંડિત કર્મચારીઓનું એક મોટું જૂથ ઉપ રાજ્યપાલ મનોજ સિંહાને મળવા એરપોર્ટ રોડ તરફ આગળ વધતું હતું. બાદમાં પંડિતોએ કામ નહીં કરીને સરકારી કચેરીઓનો પણ બહિષ્કાર કર્યો હતો. બીજી તરફ, સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર માર્યા. તેમાંથી બે આતંકી રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતા.
સરકારે રાહુલ ભટ્ટના પત્નીને સરકારી નોકરી આપવાનો અને પુત્રીના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની બાંહેધરી આપી છે. તંત્રએ કાશ્મીર યુનિવર્સિટીના પ્રોફેસર અલ્તાફ હુસૈન, એક શિક્ષક મોહમ્મદ મકબૂલ હાજમ અને પોલીસ કોન્સ્ટેબલ ગુલામ રસૂલને સસ્પેન્ડ કરી દીધા છે. પ્રોફેસર પર જમાત-એ-ઈસ્લામ સાથે સંબંધ હોવાનો આરોપ છે. તંત્રનો દાવો છે કે, તેઓ આતંકી તાલીમ માટે પાકિસ્તાન પણ જઈ ચૂક્યા છે.
રાહુલની અંત્યેષ્ટિ બાદ ભાજપના નેતાઓનો ઘેરાવ
ગુરુવારે માર્યા ગયેલા કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટના પાર્થિવ શરીરને સવારે જમ્મુ લવાયો હતો. તેના અંતિમ સંસ્કાર બાદ લોકો રોષે ભરાયા હતા. આ દરમિયાન જમ્મુમાં ભાજપના નેતાઓને કાશ્મીરી પંડિત સમુદાયના લોકોએ ઘેરી લીધા હતા. ભાજપ એકમના પ્રમુખ રવિન્દર રૈના અને પૂર્વ ડેપ્યુટી સીએમ કવિન્દર ગુપ્તા સહિત ભાજપના નેતાઓનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કાશ્મીરી પંડિતોએ નારેબાજી કરી હતી કે “અમે ક્યાં સુધી બલિના બકરા બનતા રહીશું, રાહુલના હત્યારાને ફાંસી આપો.’
આતંકીઓ...
કાશ્મીરમાં વર્તમાન સમયમાં ફક્ત 175 આતંકી છે. જો વર્ષમાં એક ઘટના પણ આ પ્રકારની બને તો તે માહોલ બગાડવા માટે પૂરતી છે.
આ હુમલા એવા સમયે વધ્યા છે જ્યારે અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. તેમાં 8 લાખ શ્રદ્ધાળુઓના આગમનની આશા છે. સાથે જ રાજ્યમાં ચૂંટણી પ્રવૃત્તિઓ શરૂ થવા જઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.