તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2 કરોડની ખંડણી માટે અપહરણ કરી હત્યા:વ્યાપારીના એકના એક દિકરાનું મિત્રોએ સાથે મળી અપહરણ કર્યું, કારમાં હત્યા કર્યાં બાદ PPE કિટ પહેરી મૃતદેહ સળગાવી દીધો

આગ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PPE કિટને લીધે લોકો તેમને ઓળખી શક્યા ન હતા, કોરોનાનું નામ સાંભળતા કોઈ મૃતદેહને જોવા પાસે આવ્યું નહીં

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક આઘાતજનક ઘટના બની છે. અહીં 8 દિવસ અગાઉ અપહરણ કરાયેલા કોલ્ડ સ્ટોરેજ માલિકના એકના એક દિકરાની હત્યા કરી નાંખવામાં આવી છે. પોતાના જ મિત્રોએ બે કરોડની ખંડણી માટે આ કૃત્ય કર્યું છે. અપહરણ કર્યાના કેટલાક કલાકો બાદ આરોપીઓએ કારની અંદર તેની હત્યા કરી નાંખી હતી, મૃતદેહને એક બેગમાં બંધ કરી કોરોના મૃતક ગણાવી સ્મશાન ઘાટ પર PPE કિટ પહેરી સળગાવી પણ દીધો હતો. પોલીસે આ પાંચ આરોપીની ધરપકડ કરી લીધી છે.

21 જૂનના રોજ ગુમ થયો હતો
આગ્રાના દયાલબાગ વિસ્તારમાં રહેતો સુરેશ ચૌહાણ એક અગ્રણી કારોબારી છે. તેમનો દિકરો સચિન (25) 21 જૂનની રાત્રે લોઅર ટી-શર્ટ પહેરીને ફરવા નિકળ્યો હતો. ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો. ઘણી રાહ જોયા બાદ પરિવારે આજુબાજુમાં તપાસ કરી. સચિનના મિત્રોને ફર્યો, પણ કોઈ જ માહિતી મળી ન હતી. ન્યૂ આગ્રામાં તે ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

બે કરોડની ખંડણી માગવામાં આવી
સચિન એકનો એક દિકરો હતો અને પિતા મોટા કારોબારી હતી. આ સંજોગોમાં પોલીસે અપહરણના એંગલથી તપાસ શરૂ કરી. તે સમયે સચિનના પિતા પાસેથી બે કરોડની ખંડણી માગવામાં આવી હતી. હત્યારાઓ આ ખંડણી કેવી રીતે માગી તે અંગે પોલીસે ખુલાસો કર્યો નથી. ખંડણીની માગથી અપહરણનો કેસ સ્પષ્ટ થઈ ગયો હતો. પોલીસ સાથે STF પણ આ કેસમાં તપાસ માટે જોડાઈ ગઈ હતી.

અપહરણ કરવામાં તકલીફ ન પડી, કારણ કે સચિન આરોપીઓને ઓળખતો હતો
STF પ્રભારી હુકુમ સિંહે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે સચિનનું અપહરણ કરવાના કેસમાં કમલાનગરમાં રહેતા હેપ્પી ખન્નાની ધરપકડ કરવામાં આવી. તેની પૂછપરછ કરતા તેને ગુનો કબૂલી લીધો હતો. હેપ્પીએ જણાવ્યું કે તેણે સુમિત અસવાની, મનોજ બંસલ અને રિંકૂ સાથે મળી રિંકુની કારમાં સચિનના ઘર પાસેથી જ અપહરણ કરી લીધુ હતું. સચિન તેમને ઓળખતો હતો માટે કોઈ બૂમાબૂમનો અવકાશ ન હતો. કારમાં જ તેનું ગળુ દબાવી હત્યા કરી નાંખવામાં આવી હતી.

કોરોના મહામારીનો લાભ લીધો હતો
હત્યા બાદ મૃતદેહ ઠેકાણે લગાવવા માટે આરોપીઓએ કોરોનાનો લાભ લીધો. તે કિટ બેગમાં લાશને પેક કરી PPE કિટ પહેરી બલ્કેશ્વર સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો અને ત્યા કોવિડથી મોત અને મૃતકનું નામ રવિ વર્મા ગણાવી મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાંખવામાં આવ્યા હતા. PPE કિટને લીધે લોકો તેમને ઓળખી શક્યા ન હતા અને કોરોનાનું નામ સાંભળતા કોઈ મૃતદેહને જોવા પાસે આવ્યું ન હતું.

બિઝનેસ પાર્ટનર હતો માસ્ટરમાઈન્ડ
​​​​​​​
પોલીસે જણાવ્યું હતું કે દયાલબાગ નિવાસી હર્ષ ચૌહાણ, સચિન અને તેમના પિતા સુરેશ ચૌહાણ સાથે પાર્ટનરશિપમાં કોન્ટ્રેક્ટનું કામ કરતા હતા. બીજી બાજુ, કોરોનામાં તેમને ઘણું નુકસાન ગયું હતું. સચિનના કોન્ટ્રેક્ટર મિત્ર સુમિત અસવાની સચિન પાસે રૂપિયા 40 લાખ બાકી લેણાના નિકળતા હતા અને લાંબા સમયથી માગવા છતા પરત મળી રહ્યા ન હતા.

હર્ષે સુમિતને આ ષડયંત્રમાં સામેલ કર્યો અને ખાતરી આપી હતી કે અહરણ કર્યાં બાદ તે મધ્યસ્થતા કરાવી રૂપિયા બે કરોડની ખંડણી અપાવી દેશે. આ પૈકી રૂપિયા એક કરોડ તેના હશે અને એક કરોડ રૂપિયા તેને આપી દેશે. કોઈ કારણથી જો ખંડણી નહીં મળે તો તે સુમિતને તેના સચિન પાસે લેવાના બાકી રૂપિયા 40 લાખ આપી દેશે. ત્યારબાદ સુમિતે તેના સાથીઓ રિંકૂ, મનોજ અને હેપ્પી સાથે મળી ઘટનાને અંજામ આપ્યો.

સચિનના પિતાએ કહ્યું લેવડ-દેવડ અંગે જાણકારી નથી
સચિનના પિતા સુરેશ ચૌહાણે જણાવ્યું કે તેમને લેવડ-દેવડ અંગે કોઈ જાણકારી નથી. પોલીસ તપાસ કરી રહી છે. મારા પરિવારનો એકમાત્ર ચિરાગ બુઝાવનારને સજા ચોક્કસ અપાવીશ. સુરેશ ચૌહાણનું બરહનમાં કોલ્ડ સ્ટેરેજ છે. આ ઉપરાંત તે જિલ્લા પંચાયતનો સરકારી કોન્ટ્રેક્ટર છે. સચિન તેમની સાથે કામ કરતો હતો.