દુનિયાના ત્રીજા અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રશંસા થઈ રહી છે. આ પ્રશંસા તેમની કોઈ ડીલ કે પછી નવી સિદ્ધી મેળવવા બદલ નહીં પરંતુ તેમની દરિયાદિલી માટે થઇ રહી છે. ખરેખર આર્થિક તંગીને કારણે જીવન-મૃત્યુ સાથે લડી રહેલી એક માસૂમ બાળકી માટે ગૌતમ અદાણી એક ફરિશ્તાની જેમ સામે આવ્યા અને તેની સંપૂર્ણ સારવારનો ખર્ચ ઊઠાવવાનો વાયદો કરી દીધો.
અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ લખનઉમાં રહેતી જે 4 વર્ષની બાળકીની મદદ માટે મદદનો હાથ લંબાવ્યો હતો તે જન્મની સાથે જ તેના હૃદયમાં કાણાં સાથે જન્મી હતી અને સારવાર ન મળી શકવાને કારણે તે જીવન અને મૃત્યુ સામે લડી રહી છે. લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડૉક્ટરોએ તેની સારવાર માટેનો ખર્ચ 1.25 લાખ રૂપિયા જણાવ્યો હતો. તેના પરિવાર સામે આર્થિક તંગી હોવાથી આ રકમ એકઠી કરવી મુશ્કેલ હતી. તેના પછી અમુક લોકોએ તેની મદદ માટે સોશિયલ મીડિયા પર મદદ માગી અને લોકોને અપીલ કરી હતી.
જોકે આ મેસેજ ગૌતમ અદાણી સુધી પહોંચી ગયો અને તેમણે આ મામલે બાળકીની મદદ કરવા હાથ આગળ વધારી દીધો. તેમણે મનુશ્રીની સારવારનો સંપૂર્ણ ખર્ચ ચૂકવવાનો વાયદો કર્યો છે. ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને લખ્યું કે મનુશ્રી જલદી જ ઠીક થઈ જશે, મેં અદાણી ફાઉન્ડેશનને માસૂમ બાળકીના પરિવારનો સંપર્ક સાધવા અને તેમની દરેક સંભવ મદદ કરવા કહ્યું છે. મનુશ્રી જલદી જ સ્કૂલે પાછી ફરી શકશે અને તેના મિત્રો સાથે રમી શકશે.
ચાલુ અઠવાડિયે મનુશ્રીનું ઓપરેશન થશે
લખનઉના સરોજની નગર વિસ્તારમાં રહેતી બાળકી મનુશ્રીની સારવાર હવે ગૌતમ અદાણીના વાયદાની સાથે શરૂ થવા જઈ રહી છે. તેનું ઓપરેશન સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝમાં આ અઠવાડિયે જ થશે. લોકો હવે ગૌતમ અદાણીની પ્રશંસા કરવાની સાથે સાથે બાળકીના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.