મહામારીની અસર:ડિસે.માં 85 લાખે નોકરી શોધી, મળી 40 લાખને

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં ડિસેમ્બરમાં બેરોજગારીનો દર 7.91% સાથે 4 મહિનાની ટોચે, શહેરોમાં સ્થિતિ વધુ ગંભીર
  • ઓક્ટોબરમાં 7.75%, નવેમ્બરમાં 7% બેરોજગારી દર હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 7.28% હતો

દેશમાં ડિસેમ્બર મહિનામાં બેરોજગારી દર ચાર મહિનાના સર્વોચ્ચ 7.91 %ના સ્તરે પહોંચી ગયો છે. બેરોજગારીના મામલામાં સ્વાભાવિક રીતે જ શહેરોની સ્થિતિ વધુ ખરાબ છે. શહેરી વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ 9.30 % છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો 7.28 % છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના આંકડામાં આ માહિતી સામે આવી છે.

સીએમઆઈઈના અહેવાલ પ્રમાણે ડિસેમ્બરમાં બેરોજગારી દર વધીને 7.91 % થઈ ગયો છે, જે ઓગસ્ટના 8.3 % પછી સૌથી વધારે છે. ગયા ઓક્ટોબરમાં 7.75 % અને નવેમ્બરમાં બેરોજગારી દર 7% હતો, જ્યારે મે 2021માં ભારતમાં સૌથી વધુ 11.84 % બેરોજગારી દર નોંધાયો હતો. વર્ષ 2021માં ઓક્ટોબર મહિનાને છોડી દઈએ તો અન્ય તમામ મહિનામાં શહેરી બેરોજગારી દર ગ્રામીણ બેરોજગારીથી વધુ હતો. તેનું કારણ એ છે કે, સારા ચોમાસાના કારણે'' ગ્રામીણ અર્થતંત્રમાં તેજીનો માહોલ છે. આ ઉપરાંત મનરેગા હેઠળ લોકોને મળતી રોજગારીમાં પણ વધારો થયો છે.

ડિસેમ્બરમાં વધેલા બેરોજગારી દર મુદ્દે સીએમઆઈઈના સીઈઓ ડૉ. મહેશ વ્યાસ કહે છે કે ડિસેમ્બરમાં મોટા પાયે નવા લોકો રોજગારી માટે શ્રમબજારમાં પ્રવેશ્યા છે. આ લોકોની સંખ્યા આશરે 85 લાખ છે. તેમાં 40 લાખ લોકોને નોકરી મળી છે, જે સારી વાત છે, પરંતુ 45 લાખ લોકો હજુ નોકરી માટે વલખાં મારી રહ્યાં છે. આ કારણસર બેરોજગારી દર વધ્યો છે.

કર્ણાટકમાં સૌથી ઓછી બેકારી, હરિયાણામાં સૌથી વધારે
દેશનો સરેરાશ બેરોજગારી દર વધ્યો છે, પરંતુ વિવિધ રાજ્યોની રીતે જોઈએ તો નવ મોટાં રાજ્યોમાં બેરોજગારી દર 3 %થી પણ ઓછો છે. ગુજરાતમાં પણ બેરોજગારી દર ફક્ત 1.6 % છે. જોકે, 1.4 % સાથે સૌથી ઓછો બેરોજગારી દર કર્ણાટકમાં છે. આ ઉપરાંત પાંચ રાજ્ય એવાં છે જ્યાં બેરોજગારી દર 15 %થી પણ વધુ છે. આવાં રાજ્યોમાં હરિયાણા 34.1 % સાથે પહેલા નંબરે છે.

અન્ય સમાચારો પણ છે...