યુપીએ સરકારમાં કાયદા મંત્રી રહી ચૂકેલા કોંગ્રેસ નેતા અશ્વની કુમારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ 40 કરતા વધુ વર્ષોથી કોંગ્રેસમાં હતા. રાજીનામું આપતા તેમણે કહ્યું હતું કે એક સમય એવો આવે છે જ્યારે તમે વધુ સહન નથી કરી શકતાં. તેમણે એમપણ કહ્યું હતું કે આવનારા દિવસોમાં કોંગ્રેસ વધુ નીચે આવશે.
તેમણે કહ્યું હતું કે પાર્ટી લોકોનો મિજાજ પારખવામાં નિષ્ફળ નિવડી છે. રાહુલ ગાંધીના નામના ઉલ્લેખ વિના તેમણે કહ્યું હતું કે પાર્ટી દ્વારા આપવામાં આવેલા નેતા લોકોમાં સ્વીકાર્ય નથી. અશ્વની કુમારે જો કે ભાજપમાં સામેલ થવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હું ભાજપના કોઈ નેતાને મળ્યો નથી. અત્યારે કોઈ નિર્ણય લીધો નથી. શક્ય છે કે હું કોઈપણ પાર્ટીમાં સામેલ થાઉ નહીં.
તેમણે કહ્યું હતું કે શક્ય છે કે હું ખોટો પુરવાર થઈશ પણ નજીકના ભાવિમાં કોંગ્રેસની સ્થિતિમાં સુધાર થવાની શક્યતા નહીવત છે. તેમણે કહ્યું હતું કે જે રીતે કેપ્ટન અમરિન્દર સિંહને અપમાનિત કરવામાં આવ્યા, તેમને રાજીનામુ આપવા માટે મજબૂર કરવામાં આવ્યા તેનાથી કોંગ્રેસની ઇમેજ ખરડાઈ છે. હું તેનાથી દુ:ખી થયો છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.