મોદીભક્ત હવે મમતાના પક્ષમાં:બંગાળના રાજકારણમાં ઊથલપાથલ, બાબુલ સુપ્રિયો તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ; 48 દિવસ પહેલાં જ BJPમાંથી રાજીનામું આપ્યું હતું

3 મહિનો પહેલા
  • 19 દિવસમાં 4 બીજેપી નેતા ટીએમસીમાં જોડાયા

પશ્ચિમ બંગાળમાં બીજેપીને વધુ એક ઝટકો લાગ્યો છે. મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા સાંસદ બાબુલ સુપ્રિયોએ ટીએમસી જોઈન કરી લીધી છે. થોડા દિવસ પહેલાં જ બાબુલ સુપ્રિયોએ બીજેપીમાંથી રાજીનામું આપ્યું હતું. ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી અને ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં તેમણે તૃણમૂલ કોંગ્રેસની સભ્યતા ગ્રહણ કરી છે.

બાબુલ સુપ્રિયો પાર્ટીમાં સામેલ થયા પછી ટીએમસી તરફથી નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ બાબુલ સુપ્રિયો ટીએમસીમાં સામેલ થઈ ગયા છે. અમે પાર્ટીમાં તેમનું સ્વાગત કરીએ છીએ.

ટીએમસી નેતાનો દાવો, સંપર્કમાં છે અન્ય બીજેપી નેતા
બાબુલ સુપ્રિયો ટીએમસીમાં સામેલ થયા પછી પાર્ટી નેતા કૃષાલ ઘોષનું કહેવું છે કે બીજેપીના અન્ય નેતાઓ પણ ટીએમસી નેતૃત્વના સંપર્કમાં છે. તે લોકો બીજેપીથી સંતુષ્ટ નથી. એકે તો આજે ટીએમસી જોઈન કરી જ લીધી છે અને અન્ય નેતા પણ ટીએમસીમાં આવવા માગે છે. આ પ્રક્રિયા ચાલતી રહેશે. રાહ જુઓ અને જોતા રહો.

મમતા હિસાબ સરભર કરવા માંગે છે

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હતી તે પહેલાં TMCના 13 ધારાસભ્યો BJPમાં જોડાઈ ગયા હતા. તેમ છતાં મમતા બેનર્જી જ મુખ્યમંત્રી બન્યા હતા અને તેમનો દબદબો જળવાઈ રહ્યો હતો. એ પછી ધીમે ધીમે ભાજપ છોડીને TMCમાં પરત આવવાની ઘટમાળ શરુ થઇ હતી. એક જ સપ્તાહમાં 6 ધારાસભ્યો ભાજપ છોડીને TMCમાં જોડાઈ ગયા. આજે ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયો પણ TMCમાં જોડાતાં 6 ધારાસભ્યો અને 1 સાંસદ મળીને 7ની TMCમાં વાપસી થઇ છે. 13માંથી અડધા તો પરત ફરી ગયા છે. ધીમેધીમે મોટી સંખ્યામાં ભાજપના ધારાસભ્યો TMCમાં વાપસી કરવાના વાવડ છે. આ જોતાં એવું લાગે છે કે મમતા બેનર્જી ભાજપ સાથેનો હિસાબ કિતાબ સરભર કરી રહ્યા છે.

જુલાઈમાં રાજનીતિમાં સન્યાસની જાહેરાત કરી હતી
નોંધનીય છે કે આ વર્ષે જુલાઈ મહિનામાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બંગાળમાં બીજેપીમાં મોટા નેતામાં સામેલ બાબુલ સુપ્રિયોએ રાજનીતિને અલવિદા કહ્યું હતું. તેમણે સોશિયલ મીડિયામાં આ વિશે એક પોસ્ટ લખીને કહ્યું હતું કે રાજનીતિમાં માત્ર સમાજસેવા માટે આવ્યા હતા. હવે તેમણે તેમનો રસ્તો બદલવાનો નિર્ણય કર્યો છે.

પહેલાં કહ્યું હતું- કોઈ પાર્ટીમાં સામેલ નથી થવાના
નોંધનીય છે કે જુલાઈ મહિનામાં જ્યારે બાબુલ સુપ્રિયોએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી ત્યારે કહ્યું હતું કે તેમને લોકોની સેવા કરવા માટે રાજકારણમાં રહેવાની જરૂર નથી. તેઓ રાજનીતિથી અલગ થઈને પણ તેમનો ઉદ્દેશ પૂરો કરી શકે છે. તેમની તરફથી પોસ્ટમાં પહેલાં આ વાત પર જોર આપવામાં આવ્યું હતું કે તેઓ હંમેશાં બીજેપીનો હિસ્સો રહ્યા છે અને રહેશે. તેમણે એટલે સુધી કહ્યું હતું કે તેઓ ટીએમસી અથવા અન્ય કોઈ પાર્ટીમાં સામેલ થવાના નથી, પરંતુ હવે તેમની તરફથી પોસ્ટ અપડેટ કરવામાં આવી છે અને એમાં તેમણે આ લાઈન હટાવી દીધી છે. ત્યાર પછીથી અટકળો વધી ગઈ હતી અને હવે લગભગ દોઢ મહિના પછી તેઓ ટીએમસીમાં જોડાઈ ગયા છે.

બાબુલ સુપ્રિયોએ ભાજપ છોડી ત્યારે જે ફેસબુક પોસ્ટ કરી હતી એ

19 દિવસમાં 4 બીજેપી નેતા ટીએમસીમાં જોડાયા
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની આગેવાનીમાં તૃણમૂલ કોંગ્રેસ સતત બીજેપીને ઝટકો આપી રહી છે. છેલ્લાં 19 દિવસમાં ચાર બીજેપી નેતા ટીએમસીમાં જોડાયા છે. 4 સપ્ટેમ્બરે કાલિયાગંજથી બીજેપીના ધારાસભ્ય સૌમેન કોય કોલકાતામાં રાજ્યમંત્રી અને પાર્ટી નેતા પાર્થ ચેટરજીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતા. આ પહેલાં 31 ઓગસ્ટના રોજ બીજેપી ધારાસભ્ય વિશ્વજીત દાસ તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા હતા. આ ઉપરાંત 30 ઓગસ્ટે ધારાસભ્ય તન્મય ઘોષે પણ તૃણમૂલ કોંગ્રેસની સભ્યતા ગ્રહણ કરી છે. અને હવે આજે 18 સપ્ટેમ્બરે એક સમયે બીજેપીના ખાસ નેતા બાબુલ સુપ્રિયો ટીએમસીમાં જોડાઈ ગયા છે. જોકે બીજેપીએ પક્ષ પલટો કરનાર ધારાસભ્યો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપી છે.

અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…

અન્ય સમાચારો પણ છે...