• Gujarati News
  • National
  • Former Maharashtra Home Minister Anil Deshmukh Arrested Late Last Night In ED's Biggest Operation

100 કરોડનો ખંડણીકેસ:EDની સૌથી મોટી કાર્યવાહી, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મોડી રાત્રે ધરપકડ

એક મહિનો પહેલા
  • દેશમુખને ED દ્વારા 5 વખત પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા

100 કરોડોની ખંડણીના આરોપી મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની આખરે ગઈ રાત્રે 1 વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. ઘણા દિવસો ગુમ રહ્યા પછી સોમવારે સવારે અચાનક તેઓ 11 વાગે 55 મિનિટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસે પહોંચ્યા હતા. દેશમુખને ED દ્વારા 5 વખત પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ દરેક વખતે માત્ર તેમના વકીલ ઈન્દરપાલ સિંહ ED ઓફિસ પહોંચ્યા હતા. તેમની દલીલ હતી કે દેશમુખ 75 વર્ષના છે અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે તેઓ હાજર થઈ શકતા નથી.

13 કલાકની પુછપરછ પછી EDને લાગ્યું કે દેશમુખ કોઈપણ સવાલનો સંતોષકારક જવાબ આપતા નથી, આથી તેમની ધરપકડ કરાઈ અને હવે કસ્ટડી માટે કોર્ટમાં રજૂ કરાશે. EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તાસીન સુલ્તાન અને તેમની ટીમે દેશમુખની સતત પૂછપરછ કરી હતી. હવે આ કેસમાં વધુ લોકોની ધરપકડ થાય એવી શક્યતા છે. ગત સપ્તાહે EDના સમન્સને રદ કરવાની દેશમુખની અરજીને બોમ્બે કોર્ટે ફગાવી દીધી હતી.

ED 100 કરોડના ખંડણી કેસમાં મની લોન્ડરિંગ એંગલની તપાસ કરી રહ્યું છે. દેશમુખ સાથે તેના પુત્ર ઋષિકેશ દેશમુખ અને પત્નીને બેવાર પૂછપરછ માટે બોલાવાયાં હતાં, પરંતુ તેઓ ED ઓફિસ આવ્યાં ન હતાં. માનવામાં આવી રહ્યું છે કે એક કે બે દિવસમાં તેનો પુત્ર અને પત્ની ED સામે હાજર થશે.

હાજર થયા બાદ દેશમુખે વીડિયો મેસેજ જાહેર કર્યો
EDની સમક્ષ હાજર થયા બાદ દેશમુખે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરાયો હતો. એમાં દેશમુખે કહ્યું હતું કે જ્યારે પણ EDએ સમન્સ પાઠવ્યું છે ત્યારે મેં તેમને સહકાર આપ્યો છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે મારી અરજીઓ હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં પેન્ડિંગ છે. એના નિકાલ બાદ હું ED ઓફિસ આવીશ. બે વખત સીબીઆઈએ મારા સ્થાને દરોડા પાડ્યા, એમાં પણ મેં પૂરો સહકાર આપ્યો હતો.

હજુ સુપ્રીમકોર્ટમાં મારો નિર્ણય આવ્યો નથી, પરંતુ હું પોતે ED ઓફિસમાં આવ્યો છું. પરમબીર સિંહે મારા પર ખોટા આરોપો લગાવ્યા હતા. આજે એ જ પરમબીર સિંહ વિદેશ ભાગી ગયા છે, એવા સમાચાર મીડિયા દ્વારા મળી રહ્યા છે. આ જ પરમબીર સિંહ વિરુદ્ધ પોલીસ વિભાગમાં અનેક ફરિયાદો નોંધાઈ છે.

સુપ્રીમકોર્ટમાં અરજીનો ઉલ્લેખ કરાયો
આ પહેલાં વકીલ દ્વારા મોકલવામાં આવેલા એક પત્રમાં દેશમુખે તેમના કેસની સુનાવણી સુપ્રીમકોર્ટમાં પેન્ડિંગ હોવાની વાત કરી છે. અનિલ દેશમુખે ઈડીને લખેલા પત્રમાં તપાસ એજન્સી દ્વારા તેમની તાકાત અને અધિકારનોનો ખોટો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતં કે હજી સુધી મને ECIRની કોપી અથવા અન્ય કોઈ દસ્તાવેજ ઈડી તરફથી મળ્યા નથી, જેનાથી સ્પષ્ટ થાય કે આ સમન્સ માત્ર મીડિયામાં સનસનાટી ફેલાવવા માટે મોકલવામાં આવ્યો છે.

CBIએ પણ દેશમુખની તપાસ શરૂ કરી
મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ અધિકારી અને વર્તમાનમાં હોમ ગાર્ડ DG પરમબીર સિંહે અનિલ દેશમુખ પર રૂ. 100 કરોડની ખંડણીનો આરોપ લગાવ્યો છે. એ માટે જ અનિલ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહમંત્રીપદથી રાજીનામું આપવું પડ્યું છે.

આ કેસમાં દેશમુખ સામે પહેલા CBIએ કેસ નોંધ્યો હતો અને પછી એમાં મની ટ્રેલની માહિતી મળતાં ઈડીની એન્ટ્રી થઈ છે. ઈડીએ અનિલ દેશમુખ સામે મની લોન્ડરિંગનો કેસ પણ દાખલ કર્યો છે. CBI બે વખત દેશમુખના ઘરે દરોડા પણ પાડી ચૂકી છે.

દેશમુખના PA-PSની પણ ધરપકડ કરાઈ
આ કેસમાં દેશમુખના PA સંજીવ પલાંડે અને PS કુંદન શિંદેની ધરપકડ કરવામાં આવી છે. બંને હાલ કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં છે. તેમના પર આરોપ છે કે તેમણે મની લોન્ડરિંગમાં દેશમુખની મદદ કરી હતી. બીજી બાજુ દેશમુખે ઈડીની પૂછપરછમાંથી બચવા માટે એક પત્ર પણ લખ્યો હતો.

ઈડીએ જપ્ત કરી દેશમુખની બે પ્રોપર્ટી
આ કેસમાં 15 દિવસ પહેલાં દેશમુખ અને તેમના પરિવારની 4.2 કરોડ સંપત્તિને જપ્ત કરવામાં આવી છે. એમાં નાગપુરનો એક ફ્લેટ અને પનવેલની એક જમીન સામેલ છે. આ કેસમાં દેશમુખના PA સંજીવ પલાંડે અને PS કુંદન શિંદેની ધરપકડ કરવામાં આવી છે. બંને હાલ કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં છે.

એક દિવસ પહેલાં જ દેશમુખનો મિડલમેન અરેસ્ટ કરાયો
આની સાથે જોડાયેલા કેસમાં CBIએ રવિવારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ એજન્સીએ થાણેથી સંતોષ શંકર જગતાપ નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે. હાલ તે ચાર દિવસની કસ્ટડીમાં છે. જગતાપને અનિલ દેશમુખનો મિડલ મેન માનવામાં આવે છે. CBIએ થોડા દિવસ પહેલાં જ અમુક કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ લીક કેસમાં અનિલ દેશમુખના ઘણાં સ્થળ પર દરોડા પાડ્યા હતા. બે સપ્ટેમ્બરે તપાસ એજન્સીએ દેશણુખના વકીલ આનંદ દાગા અને તેમના જ સબ-ઈન્સ્પેક્ટર અભિષેક તિવારીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...