તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Forced To Sell Alcohol Despite Fears Of Transition, 15% Of Revenue In The Coffers Of 29 States Of The Country Comes From The Sale Of Alcohol

છૂટછાટ:સંક્રમણના ભય છતાં શરાબ વેચવાની મજબૂરી, દેશના 29 રાજ્યોની તિજોરીમાં 15% આવક શરાબના વેચાણથી થાય છે

અમદાવાદ:એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરપ્રદેશને શરાબના ઉત્પાદન તેમજ વેચાણના કરવેરામાંથી મહિને સરેરાશ રૂ. 2500થી 3000 કરોડની આવક થાય છે
  • લોકડાઉનમાં અર્થતંત્ર ઠપ્પ છે અને ખર્ચ વધી રહ્યો છે ત્યારે શરાબના વેચાણમાં છૂટ આપવી રાજ્યોની મજબૂરી

દેશભરમાં લોકડાઉન.3 લાગુ થયા પછી અપાયેલી છૂટછાટોમાં શરાબની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય સૌથી વધુ વિવાદાસ્પદ ગણાઈ રહ્યો છે. શરાબની દુકાનો પર ઉમટેલી ભીડને લીધે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થતું એવી દલીલ સાથે થયેલી જાહેરહિતની અરજી શુક્રવારે સર્વોચ્ચ અદાલતે ખારિજ કરી દીધી છે અને શરાબની દુકાનો પુનઃ બંધ કરાવવા અંગે હુકમ કરવાનો ઈનકાર કરી દીધો છે. ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યો પણ આ નિર્ણયથી હાશકારો અનુભવી શકે છે. કારણ કે, કોરોના મહામારી સામે મહેસુલની તમામ આવક બંધ છે અને ખર્ચ સતત વધી રહ્યો છે એવા વિકટ સંજોગોમાં શરાબ વેચાણથી થતી આવક દેશના 29 રાજ્યો માટે બહુ મોટો હાશકારો બની શકે છે.

શરાબની આવક સીધી રાજ્યોને જ મળે છે
શરાબના વેચાણમાંથી થતી આવક અનેક રાજ્યો માટે બહુ જ મહત્વપૂર્ણ છે. એ કારણથી જ જ્યારે GST વિશે વિચારણા થઈ રહી હતી ત્યારે મોટાભાગના રાજ્યોએ તેનો વિરોધ કર્યો હતો. આખરે કેન્દ્ર સરકારે શરાબના વેચાણ પર ટેક્સ લગાવવાથી થતી આવકને GSTના દાયરાથી બહાર રાખી ત્યારે જ કેટલાંક રાજ્યોએ સ્વીકાર કર્યો હતો. હાલ શરાબ પરના ટેક્સની આવક રાજ્યોની સુવાંગ ગણાય છે.

29 રાજ્યોની કુલ આવકમાં શરાબનો હિસ્સો મહત્વનો
શરાબ ઉત્પાદન અને વેચાણ પર વિવિધ કરવેરા નાંખીને દેશના કુલ 29 રાજ્યો એવાં છે જેમની આવકનો 10થી 15 ટકા હિસ્સો મેળવે છે. ગોવા, આસામ જેવા કેટલાંક રાજ્યોની કુલ આવક પૈકી 30 ટકા જેટલી આવક શરાબ પરના કરવેરામાંથી આવે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, વર્ષ 2018-19માં દેશના 29 રાજ્યોને માત્ર શરાબ પરના કરવેરામાંથી થયેલી આવક રૂ. 1.5 લાખ કરોડ જેટલી હતી. મતલબ કે, રાજ્યોની પ્રતિમાસ આવક રૂ. 13,000 કરોડ જેટલી હતી. પછીના વર્ષે એ આવક વધીને રૂ. 1.75 લાખ કરોડ જેટલી એટલે કે પ્રતિમાસ રૂ. 15,000 કરોડ જેટલી હતી. સ્વાભાવિક છે કે, કોઈપણ રાજ્યને આટલી આવક ગુમાવવી પોસાય નહિ.

ઉત્તરપ્રદેશ સૌથી અવ્વલ
શરાબ ઉત્પાદન અને વેચાણના કરવેરામાંથી આવક મેળવનારા રાજ્યો પૈકી ઉત્તરપ્રદેશ સૌથી મોખરે છે. ઉત્તરપ્રદેશને પ્રતિ માસ સરેરાશ 2500થી 3000 કરોડ રૂપિયા જેટલી આવક થાય છે. પછીના ક્રમે કર્ણાટક અને મહારાષ્ટ્ર છે. આ બંને રાજ્યોની સરેરાશ માસિક આવક અનુક્રમે રૂ. 1600 કરોડ અને રૂ. 1400 કરોડ જેટલી છે. પ. બંગાળ અને તેલંગણા પણ આશરે રૂ. 1000 કરોડ જેટલી માસિક આવક સાથે ટોપ-5 સ્ટેટમાં સ્થાન પામે છે.

લોકડાઉન પછી હવે શરાબ પર જ મદાર
દેશભરમાં કુલ ત્રણ તબક્કામાં લાગુ કરાયેલ લોકડાઉનની અવધિ 55 દિવસ થશે, જે પૈકી હવે 9 દિવસ બાકી છે. આ સમય દરમિયાન અર્થતંત્ર પૂરી રીતે ઠપ્પ થયેલું છે. પરિણામે રાજ્યોની આવકમાં 90 ટકા સુધીનો ઘટાડો થયો છે. તેની સામે કોરોના જેવી મહામારીનો સામનો કરવા પાછળ બહુ મોટો ખર્ચ થઈ રહ્યો છે. એવા સમયે લોકડાઉન રહે પરંતુ જો શરાબનું વેચાણ કરવાની છૂટ આપવામાં આવે તો રાજ્યોને ખાસ્સી મોટી રકમની આવક થઈ શકે છે. આથી જ સંક્રમણના ભય છતાં વિવિધ રાજ્યો શરાબનું વેચાણ જારી રાખવાનો મત ધરાવે છે. 

અન્ય સમાચારો પણ છે...