• Gujarati News
  • Business
  • Forbes Report; The Total Wealth Of The Country's Top 100 Richest People Increased By Rs 58 Lakh Crore In One Year

100ના અચ્છે દિન:ફોર્બ્સ રિપોર્ટ; દેશના ટોપ 100 ધનિકોની કુલ સંપત્તિ 58 લાખ કરોડ, 1 વર્ષમાં 19 લાખ કરોડ વધ્યા

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક તરફ 100 લોકોની સંપત્તિમાં 50% વધારો જ્યારે બીજી તરફ ગુજરાતમાં પેટ્રોલ 100ને પાર

ગુરુવારે 100નો આંકડો બે કારણોસર ચર્ચામાં રહ્યો. એકતરફ ગુજરાતમાં પેટ્રોલના ભાવે પહેલીવાર 100નો આંકડો પાર કર્યો તો બીજી તરફ ફોર્બ્સ મેગેઝિને 100 સૌથી ધનિક ભારતીયોની વર્ષ 2021ની યાદી જાહેર કરી હતી. આ યાદી મુજબ દેશના 100 અમીરોની સંપત્તિમાં એક વર્ષમાં 19 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ 100 ધનિકોની કુલ સંપત્તિ 58 લાખ કરોડ રૂપિયા છે, જેમાંથી ગુજરાતી મૂળના 15 ધનિકોની કુલ સંપત્તિ 20.46 લાખ કરોડ રૂપિયા છે.

સતત 14મા વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી 6.93 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ટોચના ક્રમે છે. જ્યારે ગૌતમ અદાણી 5.59 લાખ કરોડની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે એચસીએલના શિવ નાદર છે જેમની સંપત્તિ 2.32 લાખ કરોડ રૂપિયા છે. લિસ્ટમાં છ મહિલાઓ પણ સામેલ છે, જેમાં સૌથી પહેલું નામ સાવિત્રી જિંદાલનું છે.

તેઓ 1.35 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે યાદીમાં 7મા ક્રમે છે. આ વર્ષે યાદીમાં 6 નવા ધનકુબેરોનો ઉમેરો થયો છે. જેમાં ગુજરાતના દિપક નાઇટ્રેટના પ્રમોટર દિપક મહેતા (15.3 હજાર કરોડ) પણ સામેલ છે.

યાદીમાં સૌથી યુવાન લર્નિંગ એપ બાયજૂસ સાથે જોડાયેલા 35 વર્ષીય દિવ્યા ગોકુલનાથ છે. તેઓ 30,294 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે યાદીમાં 47મા ક્રમે છે. જ્યારે સૌથી વયોવૃદ્ધ ધનિક 92 વર્ષીય પાલોનજી મિસ્ત્રી છે. તેઓ 1.22 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે યાદીમાં 9મા ક્રમે છે.

ગત નવરાત્રિથી આ નવરાત્રિ વચ્ચે ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં ~22નો વધારો થઇ ચૂક્યો છે
વધુ એક ભાવ વધારાને પગલે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઑલ ટાઇમ હાઇ થઈ ગયા છે. ગુરુવારે પેટ્રોલમાં લિટરે 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો કરાયો હતો. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 103.24 રૂપિયા જ્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ 109.25 પ્રતિ લિટર થયા હતા.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલના ભાવમાં લિટરે 85 પૈસાનો વધારો થયો છે. ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ પહેલીવાર 100 રૂપિયાને પાર થયા હતા. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 115.14 રૂપિયા પ્રતિ લિટર સાથે દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ છે. ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 81 ડૉલર થઈ જતા ઑઇલ કંપનીઓ સતત ભાવ વધારી રહી છે.

ફોર્બ્સના 2021ના રિચ લિસ્ટમાં સામેલ ગુજરાતી
રેન્ક નામ કંપની કુલ સંપત્તિ
1 મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 6.93 લાખ કરોડ
2 ગૌતમ અદાણી અદાણી પોર્ટ-સેઝ 5.59 લાખ કરોડ
8 ઉદય કોટક કોટક મહિન્દ્રા 1.23 લાખ કરોડ
9 પાલોનજી મિસ્ત્રી શાપુરજી પાલોનજી 1.22 લાખ કરોડ
14 દિલીપ સંઘવી સન ફાર્મા. 1.06 લાખ કરોડ
17 મધુકર પારેખ પિડિલાઇટ ઇન્ડ. 87.5 હજાર કરોડ
22 અશ્વિન દાણી એશિયન પેઇન્ટસ 66.5 હજાર કરોડ
26 મહેન્દ્ર ચોક્સી એશિયન પેઇન્ટ્સ 51.5 હજાર કરોડ
27 હસમુખ ચુડગર ઇન્ટાસ ફાર્મા. 49.3 હજાર કરોડ
31 અભય વકીલ એશિયન પેઇન્ટ્સ 46.7 હજાર કરોડ
32 પંકજ પટેલ કેડિલા હેલ્થકેર 46.3 હજાર કરોડ
46 કરસન પટેલ નિરમા 31.4 હજાર કરોડ
64 સંદીપ એન્જિનિયર એસ્ટ્રલ પાઇપ્સ 24 હજાર કરોડ
70 દેવેન્દ્ર જૈન ગુજરાત ફ્લોરોકેમિકલ્સ 22.4 હજાર કરોડ
97 દીપક મહેતા દીપક નાઇટ્રેટ 15.3 હજાર કરોડ

અન્ય સમાચારો પણ છે...