• Gujarati News
  • National
  • For The Second Day In A Row In Kashmir, Militants Shot Dead 3 Civilians In Bihar, Killing 2 People

કાશ્મીરમાં બિહારના 2 લોકોની હત્યા:આતંકવાદી હુમલા બાદ બિન કાશ્મીરી લોકોને આર્મી કેમ્પમાં લાવવાની એડવાઈઝરી સામે આવી, IGએ તેને ફેક ગણાવી

2 મહિનો પહેલા
  • મૃતકોમાં રાજા ઋષિ દેવ અને જોગિંદર ઋષિ દેવ તરીકે ઓળખ કરવામાં આવી છે

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સતત બીજા દિવસે બિન કાશ્મીરી લોકોને નિશાન બનાવ્યા છે. રવિવારે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના કુલગામમાં બિહારના 3 લોકોને ગોળી મારી દીધી હતી. આ પૈકી 2 લોકોના મોત થયા છે. જ્યારે એક ઈજાગ્રસ્ત નાગરિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

રવિવારે કુલગામના લારન ગાંજીપોરા વિસ્તારમાં જેમને ગોળી મારવામાં આવી હતી તે સૌ શ્રમિકો હતા. ઈજાગ્રસ્તની ઓળખ ચુનચુન રિષિ દેવ તરીકે ઓળખ કરવામાં આવી છે. તેને અનંતનાગના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં રાજા ઋષિ દેવ અને જોગિંદર ઋષિ દેવ તરીકે ઓળખ કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત રિષિ દેવ સાથે આવેલા મોહમ્મદ ઝુલ્ફકારે જણાવ્યું કે તે જ્યારે પોતાના સાથીઓ સાથે રૂમમાં બેઠો હતો ત્યારે તે સમયે આતંકવાદીએ 3 લોકોને ગોળી મારી હતી.

પરપ્રાંતીય મજૂરોને તાત્કાલિક સુરક્ષા શિબિરોમાં લઈ જવા માગ
રાજ્ય પોલીસે પોતાના જિલ્લા પ્રમુખોને પરપ્રાંતીય મજૂરોને તાત્કાલિક નજીકની સુરક્ષા શિબિરોમાં લઈ જવાનું કહ્યું છે. આઈજી પોલીસ વિજય કુમારે આ શ્રમિકોને ભેગા કરીને પોલીસ કે સીઆરપીએફ કે સેનાની શિબિરોમાં લઈ જઈને તેમને સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં લોકોના પાકિસ્તાન વિરોધી દેખાવો
આતંકી હુમલામાં નાગરિકો મોત અને સુરક્ષા દળોના જવાનોની શહીદી પછી જમ્મુમાં અનેક સ્થળે પાકિસ્તાન વિરોધી દેખાવો થયા હતા. નાગરિકોમાં પાકિસ્તાનના પૂતળા પણ બાળ્યા હતા. બાદમાં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

ઈમર્જન્સી એડવાઈઝરી સામે આવી, IGએ ફેક ગણાવી
રવિવારે 2 શ્રમિકોના મોત બાદ એવી માહિતી સામે આવી હતી કે પોલીસે ઈમર્જન્સી એડવાઈઝરી જાહેર કરી તમામ કાશ્મીરી શ્રમિકોને સેના અને પોલીસના કેમ્પમાં લાવવાની વાત કહી છે. આ અંગેની એક તસવીર પણ સામે આવી. જેમાં કાશ્મીર પોલીસના IG તરફથી પ્રદેશના તમામ જિલ્લાના અધિકારીઓને મોકલવામાં આવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે તેમના વિસ્તારમાં રહેતા તમામ બિન- કાશ્મીરી શ્રમિકોને નજીકના પોલીસ, CRPF અથવા સેનાના કેમ્પમાં લાવવામાં આવે. આ અંગે અમલ કરવામાં આવે. બાદમાં કાશ્મીરના IGએ આવી કોઈપણ પ્રકારની એડવાઈઝરીને ફેક ગણાવી છે.

સર્ચ ઓપરેશનમાં માતા-પુત્ર સહિત 3ની અટકાયત
કાશ્મીરમાં આતંકી હુમલામાં નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોના મોત પછી પૂંછ અને રાજૌરી જિલ્લાના જંગલ વિસ્તારોમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. આ દરમિયાન માતા-પુત્ર સહિત ત્રણ લોકોને અટકાયતમાં પણ લેવાયા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કહ્યું કે, આ મહિલા (45) અને તેનો પુત્ર આતંકીઓને વિવિધ ચીજવસ્તુઓ પહોંચાડતા હતા. જોકે, તેઓ ડરના માર્યા આતંકીઓને સાથ આપતા હતા.

આ અગાઉ શનિવારે આતંકવાદીઓએ બિહારના ફેરિયા અને ઉત્તર પ્રદેશના કારપેન્ટરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકીઓએ શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં બિહારના એક ફેરિયાને ગોળી મારી હતી. ગંભીર સ્થિતિમાં તેને શ્રીનગરના SMHS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલ વ્યક્તિનું નામ અરવિંદ કુમાર સાહ હતું.

તે બિહારના બાંકા જિલ્લાનો રહેવાસી હતો અને પકોડી વેચતો હતો. બીજી ઘટનામાં આતંકિઓએ શનિવારે જ પુલવામામાં સગીર અહમદ નામના વ્યક્તિને ગોળી મારી હતી જેનાથી તે વ્યકિતનું મોત થયું હતું. યૂપીનો રહેવાસી કારપેન્ટરનું કામ કરતો હતો.

પોલીસ અને સેના દ્વારા વિસ્તારની ઘેરાબંધી
ઘટના બાદ સમગ્ર વિસ્તારને પોલીસ અને સેનાએ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશનની શરુઆત કરી છે. સેના અને સ્થાનીય પોલીસ આતંકવાદીઓની શોધખોળમાં લાગી ગઈ છે. આ મહિનાની શરુઆતથી જ આતંકવાદીઓ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સામાન્ય નાગરિકોને નિશાનો બનાવાનું શરુ કર્યું છે. જેમાં UP, બિહાર સહિત કાશ્મીરી પંડિતોની પણ હત્યા કરવામાં આવી છે.

કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યુ
કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું કુલગામના વાનપોહમાં મજૂરો પર આતંકવાદીઓએ ફાયરિંગ કરી. આ આતંકવાદી ઘટનામાં 2 મજૂરના મોત થયા છે અને એક ઈજાગ્રસ્ત થયો છે. પોલીસ અને એસએફે વિસ્તારની ઘેરાબંધી કરી છે.

ઘટનાથી દેશમાં રોષ
કાશ્મીરમાં સતત સામાન્ય નાગરિકોની હત્યાઓ મામલે દેશમાં રોષની લાગણી છે. જમ્મુ-કાશ્મીર સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી આ આતંકવાદીઓનો સામનો કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સામાન્ય નાગરિકોને નિશાનો બનાવ્યા બાદ સેનાએ આતંકવાદીઓના એન્કાઉન્ટર્સમાં વધારો કર્યો છે.

છેલ્લા 14 દિવસમાં 4 મોટા હુમલા....

5 ઓક્ટોબરઃ જાણીતા ફાર્માસિસ્ટને ગોળી મારી, શ્રીનગરના ઈકબાલ પાર્ક ક્ષેત્રમાં પ્રસિદ્ધ ફાર્માસિસ્ટ માખનલાલ બિંદુને આતંકવાદીઓએ તેમના મેડિકલ સ્ટોરમાં ઘુસીને ગોળી મારી હતી. 68 વર્ષિય બિંદુ એવા લોકો પૈકી હતા કે જેમણે 90ના દાયકામાં કાશ્મીર છોડ્યું ન હતું. આતંકવાદીઓએ બહારના લોકોને ધમકી આપી છે કે તેઓ કાશ્મીર આવી સ્થાનિક લોકોની રોજગારી છીનવી રહ્યા છે.

5 ઓક્ટોબરઃ બિહારના નાગરિકને ગોળી મારી, બિંદ્રુ પર હુમલો થયો તેના એક કલાક બાદ અવંતીપોર વિસ્તારમાં આતંકવાદીઓએ બિહારના વીરેન્દ્ર પાસવાનની હત્યા કરી હતી. વીરેન્દ્ર ભેળપુરી અને પાણીપુરી વેચતા હતા. તેઓ ભાગલપુરના રહેવાસી હતા. આ ઘટનાની થોડી મિનિટ બાદ મો.શફી લોનની ગોળી મારી હત્યા કરવામાં આવી.

7 ઓક્ટોબર, શાળાના શિક્ષક અને આચાર્યની હત્યાઃ શ્રીનગરમાં આતંકવાદીઓએ ઈદગાહ વિસ્તારમાં એક શાળામાં ઘુસીને બે શિક્ષકની હત્યા કરી હતી. આ પૈકી એક પ્રિન્સિપલ સુપિંદર કૌર અને શિક્ષક દીપક ચાંદનો સમાવેશ થતો હતો. સુપિંદર શીખ સમુદાયમાંથી અને દીપક ચાંદ કાશ્મીરી પંડિત હતા. બન્ને શ્રીનગરના અલોચીબાગના રહેવાસી હતા. આતંકવાદીઓએ બન્નેની આઈડી કાર્ડ તપાસીને બાદમાં ગોળી મારી હતી.

16 ઓક્ટોબરના રોજ બિહાર અને ઉત્તર પ્રદેશના નાગરિકની હત્યાઃ આતંકવાદીઓએ શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં બિહારના એક નાગરિકની અને ઉત્તર પ્રદેશના નાગરિકની હત્યા કરી હતી.

કાશ્મીરમાં આતંકવાદીઓનો ટાર્ગેટ, 200 બિન મુસ્લિમોની હત્યાઃ કાશ્મીરમાં આતંકવાદીઓના નિશાન પર 200 જેટલા બિનમુસ્લિમો છે. જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમો પર હુમલો કરવાનું ષડયંત્ર પાક અધિકૃત કાશ્મીર (POK)માં રચવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેલા આતંકવાદીઓ વચ્ચે એક ગુપ્ત બેઠક યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...