તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંગદિલી:1962ના યુદ્ધ પછી પ્રથમવાર લદાખમાં આપણા 2 લાખ સૈનિક

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીન પાછા હટવાને બદલે યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે
  • ચીનને જવાબ આપવા ભારતે 2020ની સરખામણીએ 40% વધુ સૈનિક તહેનાત કર્યાં

ભારતે છેલ્લાં કેટલાક સમયથી ચીન સરહદे 50 હજાર વધારાના સૈનિક તહેનાત કર્યાં છે. 1962ના યુદ્ધ પછી પહેલીવાર એલએસી પર ભારતીય સૈનિકોની સંખ્યા 2 લાખને નજીક પહોંચી છે. આવું એટલા માટે કે ચીને છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય સરહદની આસપાસ 2 લાખ સૈનિક તહેનાત કર્યા છે. આ બાજુ બ્લુમબર્ગે 4 અલગ-અલગ સૂત્રોના હવાલાથી કહ્યું છે કે ભારતે ચીનને લગતી સરહદે ત્રણ અલગ-અલગ વિસ્તારમાં સૈન્ય ટુકડીઓ ઉપરાંત યુદ્ધ વિમાનોની સ્ક્વોડ્રન તૈયાર કરી છે. એલએસી પર ભારતીય જવાનોની તહેનાતી પાછળ છેલ્લા 1 વર્ષની સરખામણીએ 40%નો વધારો થયો છે.

એક ખીણથી બીજી ખીણમાં સૈનિકોને એરલિફ્ટ કરવા વધુ માત્રામાં હેલિકોપ્ટર તહેનાત કરાયા છે. આ હેલિકોપ્ટરો દ્વારા એમ777 હોવિત્ઝર જેવી ટેન્ક પર એરલિફ્ટ કરી શકાય છે. ભારતના આ પગલાં પાછળ ચીનની વધતી ગતિવિધિ છે. ફેબ્રુઆરીમાં સમજૂતી થઈ હતી કે બંને પક્ષો જવાનોની સંખ્યા ઘટાડશે પરંતુ ચીને એવું કર્યું નહીં. ઉલટું સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો. આ વચન ભંગને ધ્યાનમાં લઈ ભારતે પણ આર્મી વધારી છે. બીજીબાજુ ચીને તિબેટની વિવાદી સરહદે નવો રન-વે, ઇમારત, યુદ્ધ વિમાન રાખવા માટે બોમ વિરોધી બન્કર અને નવી એરફિલ્ડ બનાવવાનું શરૂ કર્યું છે. સાથે જ લાંબા અંતર સુધી હુમલો કરી શકવા સક્ષમ હથિયાર, ટેન્ક, રોકેટ, રેજિમેન્ટ અને બે એન્જિનવાળા ફાઈટરજેટ તહેનાત કર્યા છે.

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે લેહથી પરત આવી મંગળવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપીન રાવત અને ટોચના અધિકારીઓ સાથે બેઠકો કરી હતી. સૂત્રોએ કહ્યું કે આ બેઠકમાં પૂર્વ લદાખની વ્યૂહરચના અંગે ચર્ચા થઈ હતી.

આ વખતે ભારતીય સેનાની આક્રમક મોરચાબંધી, ચીન અડપલું કરશે તો તેના જ ક્ષેત્રમાં ઓપરેશન થઈ શકે છે

  • એલએસી પર સેના વધારવાનો હેતુ શું છે?

આપણો હેતુ પોતાની તૈયારી મજબૂત કરવાનો છે. કારણ કે ચીને લદાખથી અરુણાચલ સુધી સૈન્ય વધાર્યું છે. લદાખમાં સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. તેને જોતા આપણે રક્ષાત્મક તૈયારીની નવેસરથી સમીક્ષા કરી કમાન્ડર કોન્ફરન્સમાં જણાવ્યું કે ઉત્તર અને દક્ષિણ પેંગોંગથી બંને આર્મીની વાપસી છતાં ચીને તહેનાતી ઓછી કરી નથી. બલ્કે આ વર્ષે તેને પોતાની સંપૂર્ણ એર ડિફેન્સ મિકેનિઝમને ત્યાં મકી દીધી છે.

  • ભારતે શું રણનીતિ અપનાવી?

આપણે મિરર ડિપ્લોયમેન્ટની નીતિ અપનાવી. એટલે કે જેટલું લશ્કર દુશ્મનનું એટલું જ આપણું. હકીકતમાં ચીને ગયા વર્ષે વાર્ષિક સૈન્ય અભ્યાસ પછી તરત પોતાની મુવમેન્ટ ઉત્તર પેંગોંગ અને ગલવાન ઘાટીમાં વધારી હતી. આથી ચાર જગ્યાએ લશ્કર સામ-સામે આવી ગયું હતું.

  • મિરર ડિપ્લોયમેન્ટથી શું ફાયદો થશે?

અત્યાર સુધી ભારતીય લશ્કરની હાજરીનો હેતુ ચીનની ગતિવિધિ રોકવાનો હતો પરંતુ નવી તહેનાતી પછી હવે ભારતીય કમાન્ડરો પાસે હુમલો કરવાની અને જરૂર પડે ચીની ક્ષેત્રમાં ઘૂસી જઈ કબજો કરવાનો પણ વિકલ્પ હશે. આ રણનીતિ આક્રમક મોરચાબંધી કહેવાય છે.

  • લદાખમાં સૌથી વધુ તંગદિલી ક્યાં અને કેમ?

લદાખના ઉત્તર ક્ષેત્રમાં વધુ તંગદિલી છે. આ એ ક્ષેત્ર છે કે જ્યાં ગયા વર્ષે ભારત-ચીન વચ્ચે ઘણીવાર અથડામણ થઈ ચૂકી છે. ભારતે અહીં પહેલા કરતા લગભગ 20 હજાર સૈનિક વધાર્યા છે. આ સૈનિક અત્યાર સુધી પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી વિરોધી અભિયાન હેઠળ કાશ્મીરમાં તહેનાત હતા.

  • સૈન્ય વધારવાથી ચીન કાબૂમાં આવશે?

એવું લાગતું તો નથી પણ આપણે તૈયાર રહેવું પડશે. આથી એલએસીની આસપાસ તહેનાત સૈનિકોને સામાન સપ્લાય કરવા માટે 74 સ્થાયી, 33 બેલી બ્રિજના માધ્યમથી નવા રસ્તા હમણા જ બનાવાયા છે.

  • ચીની વાયુસેનાની ગતિવિધિ પણ વધી છે? તેના જવાબમાં આપણી શું તૈયારી છે?

અંબાલામાં રફાલની ગોલ્ડન એરો સ્ક્વોડ્રન પૂર્વ લદાખને હવાઈ તાકાત આપવા માટે તહેનાત કરાઈ છે. માઉન્ટેન સ્ટ્રાઇક કોર સક્રિય થઈ ચૂકી છે. તેના એર એરિમેન્ટમાં આ વર્ષે રફાલની પ્રથમ સ્ક્વોડ્રન બનશે. જે હાશીમારાથી ઓપરેટ થશે. સિક્કિમ, ભૂતાન અને તિબેટના ત્રિકોણ પાસે હાશીમારા-એરબેઝ પર રફાલની તહેનાતીથી આપણે 700થી લઈ 1600 કિમી ઓપરેટિંગ એર રેન્જ પર સક્રિય રહી શકીશું.

  • સૈન્ય વધારવાથી વિવાદનો ઉકેલ કેવી રીતે આવશે?

વિવાદનો બે રીતે ઉકેલ આવે- પ્રથમ સૈન્ય કમાન્ડરોની વાટાઘાટો જે નક્કી સમય પર થઈ રહી છે. બીજું રાજદ્વારી વાતચીત. તેની 22માં દોરની બેઠક 25 જૂને થઈ છે. તેમાં ચીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ સૈન્ય વધારશે તો અમે પણ વધારીશું. તેઓ ઘટાડશે તો અમે પણ ઘટાડીશું. આપણે જાણીએ છીએ કે સૈનિકોની મોટી માત્રામાં તહેનાતી જોખમભરી છે. ખાસ કરીને બંને સૈન્ય વિવાદી ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હોય ત્યારે ખાસ જોખમ હોય છે. એવામાં નાની ઘટના પણ મોટા સંઘર્ષમાં બદલાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...