• Gujarati News
  • National
  • For The First Time In The Population Of The Country 1020 Females Per Thousand Males, Sex Ratio At Birth Improved Compared To 2015 16

નેશનલ ફેમિલી હેલ્થ સરવે-5માં સુખદ સમાચાર...:દેશની વસતીમાં પહેલીવાર દર હજાર પુરુષ સામે 1020 મહિલા, જન્મ સમયનો સેક્સ રેશિયો 2015-16ની સરખામણીમાં સુધર્યો

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

પહેલીવાર ભારતની વસતીમાં દર 1000 પુરુષ દીઠ મહિલાઓની સંખ્યા 1020 થઇ ગઇ છે. બુધવારે જારી નેશનલ ફેમિલી હેલ્થ સરવે-5ના આંકડા આમ દર્શાવે છે. અગાઉ 2015-16માં કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સરવે-4માં આ રેશિયો દર 1000 પુરુષ દીઠ 991 મહિલાનો હતો. જન્મ સમયનો સેક્સ રેશિયો પણ સુધર્યો છે. 2015-16માં તે દર 1000 બાળકે 919 બાળકીનો હતો. તાજેતરના સરવેમાં આ આંકડો દર 1000 બાળકે 929 બાળકી પર પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે કુલ વસતીમાં સેક્સ રેશિયો શહેરોમાં નહીં પણ ગામડાંમાં બહેતર છે. ગામડાંમાં દર 1000 પુરુષે 1037 મહિલા છે જ્યારે શહેરોમાં 985 મહિલા જ છે.

અફસોસની વાત... 41 % મહિલાઓને જ 10 વર્ષથી વધુ શિક્ષણ મળ્યું, જ્યારે 33 % એ ભાગ્યે જ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે
વસતીમાં મહિલાઓનો રેશિયો ભલે વધ્યો છે પણ હજુ તેમની સ્થિતિ બહુ સારી નથી. આજે પણ દેશમાં 41 % જ મહિલાઓ એવી છે કે જેમને 10 વર્ષથી વધુ સ્કૂલ એજ્યુકેશન મળ્યું છે. 59 % મહિલાઓ 10મા ધોરણથી આગળ ભણી શકી નથી. ગ્રામીણ વિસ્તારોમાં તો માત્ર 33.7 % જ મહિલાઓ 10માથી આગળ ભણી શકી છે. 5Gના જમાનામાં પણ ઇન્ટરનેટનો વ્યાપ દેશની માત્ર 33.3 % મહિલાઓ સુધી જ છે.

પોતાનું બેન્ક એકાઉન્ટ ધરાવતી મહિલાઓ 25% વધી, પોતાની પ્રોપર્ટી ધરાવતી મહિલાઓમાં 5% વૃદ્ધિ
78.6 % મહિલાઓ બેન્ક એકાઉન્ટ ધરાવે છે. 2015-16માં આ આંકડો 53 % જ હતો. 43.3 % મહિલાઓના નામે કોઇ ને કોઇ પ્રોપર્ટી છે. 2015-16માં આ આંકડો 38.4 % જ હતો. પિરિયડમાં સુરક્ષિત સેનિટેશનના ઉપાય અપનાવતી મહિલાઓ 57.6 %થી વધીને 77.3 % થઇ છે. જોકે, બાળકો-મહિલાઓમાં કુપોષણ ભારે ચિંતાજનક બન્યું છે. 67.1 % બાળકો અને 15થી 49 વર્ષની 57 % મહિલાઓ કુપોષણથી પીડિત છે.

30 % વસતી પાસે આધુનિક ટોઇલેટ નહીં...3.2 % ઘરોમાં વીજળી નહીં | 2015-16માં આધુનિક ટોઇલેટવાળાં ઘર 48.5 % હતાં. 2019-20માં આ આંકડો 70.2ં% થઇ ગયો છે પણ 30 % હજુ વંચિત છે. દેશનાં 96.8% ઘરોમાં વીજળી પહોંચી ચૂકી છે.​​​​​​​

દેશનાં 14 રાજ્યની અડધી મહિલા-બાળકોમાં લોહીની ઊણપ | આ સરવે પ્રમાણે દેશના 14 રાજ્યમાં અડધી મહિલાઓ અને બાળકો લોહીની ઉણપથી પીડાઈ રહ્યા છે. આ મહિલાઓમાં ગર્ભવતીઓ પણ સામેલ છે, જેમને ગર્ભાવસ્થા વખતે પૂરતું પોષણ મળતું નથી. જોકે, આ 14 રાજ્યોના બાળકોમાં કુપોષણનો દર 38%થી ઘટીને 36% થયો છે, જ્યારે સરેરાશથી ઓછું વજન ધરાવતા બાળકો પણ 36% હતા, જે હવે 32% છે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...