ફંગસના નવા સ્ટ્રેનથી ડોક્ટરને પણ આશ્ચર્ય:દેશમાં પ્રથમ વખત જોવા મળ્યો દવા-સારવારને ટક્કર આપનાર ફંગસ, દિલ્હી AIIMSમાં 2 દર્દીના મોત

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ-19 સંક્રમણથી ઉભરી રહેલા અનેક દર્દી ફંગલ ઈન્ફેક્શનનો શિકાર થયા છે

દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં ફંગસનો એક નવા સ્ટ્રેનની ઓળખ થઈ છે. એસ્પરગિલસ લેટુલસ નામની આ ફંગસે AIIMSના ડોક્ટરો વચ્ચે પણ ભારે આશ્ચર્ય સર્જ્યું છે. કારણ કે દેશમાં પ્રથમ વખત તેને ડિટેક્ટ કર્યા છે. તે દવાની અસરને સંપૂર્ણપણે બિનઅસરકારક કરી દે છે.

દિલ્હી AIIMSમાં આ નવા સ્ટ્રેન સામે જંગ લડી રહેલા 2 દર્દીના તાજેતરમાં જ મોત નિપજ્યા છે. બન્ને દર્દી ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પ્લમોનરી ડિસિસ (COPD)ની તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ફેફસાં સંબંધિત બીમારી છે, જેમાં શરીરની અંદર જતી હવાનો ફ્લો ઓછો થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ બીમારી થયા બાદ દર્દીનું મૃત્યુ થવાની સંભાવના ઘણી વધી જાય છે.

વર્ષ 2005માં સામે આવ્યો હતો પ્રથમ કેસ
વિશ્વમાં એસ્પરગિલસ લેન્ટૂલસનો પ્રથમ કેસ વર્ષ 2005માં સામે આવ્યો હતો. ત્યારબાદ અનેક દેશોના ડોક્ટર્સે પોતાને ત્યાં દર્દીઓમાં તેની પુષ્ટી કરી હતી. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ માઈક્રોબાયોલોજી (IJMM)માં પબ્લિશ અહેવાલ પ્રમાણે દિલ્હી AIIMSમાં મૃત્યુ પામનાર દર્દીની ઉંમર 50 વર્ષ તો અન્યની 40 વર્ષની હતી.

એક મહિના સારવાર થયા બાદ મૃત્યુ થયું
પહેલા દર્દીને પ્રાઈવેટ હોસ્પિટલે સંક્રમણ ઓછું ન થવાને લીધે બાદમાં AIIMSમાં રિફર કરવામાં આવ્યા હતા. AIIMSમાં તેમણે એમ્ફોટેરિસિન બી અને ઓરલ વોરિકોનાઝોલ નામની એન્ટી ફંગલ દવા આપી હતી. એક મહિના સુધી ચાલેલી સારવાર બાદ પણ તેમની સ્થિતિમાં કોઈ જ સુધારો આવ્યો ન હતો.

મલ્ટી ઓર્ગેન ફેલ્યોર બાદ મોત
અન્ય દર્દીને ભારે તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ પડતા AIIMSના ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રથમ દર્દીની માફક બીજા દર્દીની પણ સારવાર માટે એમ્ફોટેરિસિન બી એન્ટી ફંગલ દવા આપવામાં આવી હતી. એક સપ્તાહ સુધી ચાલેલી સારવાર બાદ દર્દીના મલ્ટી ઓર્ગેન ફેલ્યોર થઈ ગયા અને તેનું મોત થયું હતું. ત્યારબાદ AIIMSના માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ અને પલ્મોનોલોજી વિભાગના ડોક્ટરોએ IJMM જનરલમાં પોતાનું સંશોધન પ્રકાશિત કર્યું હતું.

કોરોનાના દર્દીને ફંગસનું જોખમ શા માટે છે?
કોવિડ-19 સંક્રમણથી ઉભરી રહેલા અનેક દર્દી ફંગલ ઈન્ફેક્શનનો શિકાર થયા છે. આ પૈકી મોટાભાગના એવા લોકો હોય છે કે જે અગાઉથી કોઈને કોઈ બીમારી ધરાવે છે અથવા તો એવી મેડિસિન લઈ રહ્યા હોય છે કે જે બોડીની ઈમ્યુનિટીને ઓછી કરે છે અથવા શરીરની અન્ય બીમારીઓ સામે લડવાની શક્તિ ઓછી કરે છે. તે શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે.

શરીર પર શું અસર થાય છે?
મોટાભાગે શ્વાસ મારફતે વાતાવરણમાં રહેલી પંગસ આપણા શરીરમાં પહોંચે છે. જો શરીરમાં કોઈ પ્રકારની ઈજા પહોંચે અથવા શરીરના કોઈ ભાગે દાઝી ગયા હોય તો પણ ઈન્ફેક્શન શરીરમાં ફેલાઈ શકે છે. જો તેને શરૂઆતના તબક્કે ડિટેક્ટ કરવામાં ન આવે તો વ્યક્તિ માટે તે જીવલેણ બની શકે છે.