મોંઘવારીના મોરચે આમ આદમીને જબરદસ્ત ઝાટકો લાગ્યો છે. ખાણી-પીણીની વસ્તુઓ અને ઇંધણોના ભાવ વધતા આ વર્ષે એપ્રિલમાં રિટેલ ફુગાવો વધીને 7.79%ની 8 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. આ અગાઉ મે, 2014માં રિટેલ ફુગાવો 8.33% નોંધાયો હતો જ્યારે ચાલુ વર્ષે માર્ચમાં 6.95% અને એપ્રિલ, 2021માં 4.23% હતો.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા ગુરુવારે જારી કરાયેલા રિટેલ ફુગાવાના માસિક આંકડાથી આ માહિતી સામે આવી, જે મુજબ એપ્રિલમાં ખાણી-પીણીની વસ્તુઓના ભાવ સરેરાશ 8.38% અને માર્ચમાં 7.68% વધ્યા જ્યારે ગત વર્ષે એપ્રિલમાં 1.96% વધ્યા હતા. સતત ચોથા મહિને રિટેલ ફુગાવાનો દર રિઝર્વ બેન્કની સંતોષકારક સપાટીથી ઉપર છે. રિઝર્વ બેન્ક નાણાકીય નીતિની સમીક્ષામાં મુખ્યત્વે રિટેલ ફુગાવાના આંકડા પર જ ધ્યાન આપે છે. સરકારે રિઝર્વ બેન્કને ફુગાવાનો દર 2% વધ-ઘટની શક્યતા સાથે 4%ની આસપાસ રાખવાનો લક્ષ્યાંક તો આપી દીધો છે પણ બેકાબૂ ફુગાવાએ રિઝર્વ બેન્કનું આખું ગણિત બગાડી નાખ્યું છે.
ખાદ્ય તેલ 17.28%, શાકભાજી 15.41%મોંઘા થયા
ખાદ્ય તેલ 17.28%, શાકભાજી 15.41%, મસાલા10.56%, ઇંધણ/વીજળી 10.80%, ટ્રાન્સપોર્ટ 10.91%, ઘરેલુ સામાન 7.97%
ઇંધણની મોંઘવારી ઘટાડવા ટેક્સ/ડ્યૂટી ઘટાડવાની જરૂર
એપ્રિલમાં રિટેલ ફુગાવાનો દર 7.2%ની આસપાસ રહેવાની ધારણાથી વધુ છે. એપ્રિલમાં ઇંધણો અને વીજળીની મોંઘવારી એપ્રિલમાં 10.8% વધી છે, જે ઘટાડવાની જરૂર છે. સરકારે ટેક્સ/ડ્યૂટીમાં ઘટાડો કરવો પડશે. ઉત્પાદકોએ ઊંચી પડતર કિંમતનો બોજ ગ્રાહકો પર નાખતા પર્સનલ કેર, ઘરેલુ સામાન સહિત મેન્યુફેક્ચર્ડ ગૂડ્સના ભાવ વધ્યા છે, જે ઘટવાની શક્યતા નથી, કેમ કે એકવાર એમઆરપી વધી ગયા પછી ઘટવાની શક્યતા ઓછી હોય છે. - મદન સબનવીસ, ચીફ ઇકોનોમિસ્ટ, બેન્ક આૅફ બરોડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.