સવાલ જવાબ:અમારી નીતિથી ચાલીએ છીએઃ ટ્વિટર દેશનો કાયદો સર્વોપરીઃ સંસદીય સમિતિ

નવી દિલ્હી4 મહિનો પહેલાલેખક: મુકેશ કૌશિક
 • કૉપી લિંક
 • સંસદીય સમિતિનો ટ્વિટર ઇન્ડિયાને સવાલ- તમારી નીતિ મહત્ત્વની કે દેશનો કાયદો?
 • ટ્વિટરના બે પ્રતિનિધિને 130 મિનિટમાં 40થી વધુ સવાલ પૂછાયા

નવા આઈટી (ઈન્ફર્મેશન ટેક્નોલોજી) નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ વધતો જ જઈ રહ્યો છે. દરમિયાન શુક્રવારે ટ્વિટર ઇન્ડિયાના પબ્લિક પોલિસી મેનેજર શગુફ્તા કામરાન અને કાનૂની સલાહકાર આયુષી કપૂર સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા હતા. સમિતિએ 130 મિનિટમાં 40થી વધુ સવાલ પૂછ્યા હતા. તેમણે સોશિયલ મીડિયાના દુરુપયોગ, નાગરિકોના અધિકારોની સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર તેમનું નિવેદન રજૂ કર્યું. તેમણે કહ્યું કે અમારી કંપની પોલિસી પર ચાલે છે જે સૌના માટે એકસમાન છે. તેના પર સમિતિએ આકરો વિરોધ નોંધાવતા કહ્યું કે તમારી નીતિ નહીં, દેશનો કાયદો સર્વોપરિ છે. દેશના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ટ્વિટરને દંડ કેમ ન ફટકારી શકાય?

કોંગ્રેસ સાંસદ શશિ થરુરના વડપણ હેઠળની આઈટી બાબતોની સંસદીય સમિતિએ એક અઠવાડિયા પહેલા ટ્વિટરને નોટિસ મોકલી હતી. તેના પ્રતિનિધિઓને હાજર થવા નિર્દેશ આપ્યો હતો. આ મામલે શુક્રવારે સાંજે 4 વાગ્યે તેઓ હાજર થયા અને દરમિયાન સમિતિના સભ્યોએ અધિકારીઓએ પૂછ્યું કે ટ્વિટર ઈન્ડિયામાં તમારી નિમણૂક કેવી રીતે થઈ છે? મહત્ત્વપૂર્ણ નીતિગત નિર્ણય લેવા માટે તમારી પાસે કેટલા કાર્યકારી અધિકાર છે? સમિતિએ તેનો લેખિત જવાબ આપવા કહ્યું છે. સમિતિના સભ્યોએ ટ્વિટરના અધિકારીઓને અમુક કપરાં સવાલ કર્યા હતા જેના તેઓ સ્પષ્ટ જવાબ ન આપી શક્યા.

સમિતિએ કહ્યું - તમે દૂધના ધોયેલા નથી, તમારા માટે ભારતનો કાયદો સર્વોપરી છે કે તમારી નીતિ?
ઉલ્લેખનીય છે કે ગત અમુક દિવસોથી સરકાર સાથે ખેંચતાણને કારણે ટ્વિટર સતત વિવાદોમાં છે. તેણે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને આરએસએસના વડા મોહન ભાગવત સહિત સંગઠનના અનેક વરિષ્ઠ પદાધિકારીઓના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવી દીધી હતી. પછી થોડા સમય બાદ બહાલ કરી હતી.

 • ભારતનો કાયદો સર્વોપરી કે તમારી નીતિ?

અમે જે દેશમાં ઓપરેટ કરીએ છીએ ત્યાંના કાયદાનું સન્માન કરીએ છીએ પરંતુ વ્યાપક હિતમાં અમારી પોલિસી પર ચાલીએ છીએ.

 • તમે કન્ટેન્ટને કેવી રીતે પ્રભાવિત કરો છો?

અમે હેલ્ધી ટ્વિટ્સને પ્રોત્સાહન આપીએ છીએ.

 • હેલ્ધી ટ્વિટ નક્કી કરવાનો માપદંડ શું?

એ ટ્વિટરના એલ્ગોરિધમથી નક્કી થાય છે.

 • કન્ટેન્ટની પ્રાથમિકતા નક્કી કરવા તમે ઇન્ટરમીડિયરી નથી રહેતા, તમે પબ્લિશર થઈ જાવ છો?

આ અંગે ટ્વિટરના પ્રતિનિધિ ગૂંચવાયા અને કહ્યું- અમે તેનો જવાબ પછીથી આપીશું.

 • તમે આટલી મોટી કંપની છો, પહેલા નથી વિચાર્યું કે ફરિયાદના ઉકેલ માટે અધિકારી હોવો જોઈએ? સરકારે કહ્યું ત્યારે પણ વિરોધ કર્યો?

અમે ભારતમાં વચગાળાના ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરી છે.

 • પૂર્ણસમયના અધિકારીની નિમણૂક કેમ ના કરી, શું આ આદેશોનું ઉલ્લંઘન નથી?

અમે નિર્દેશના પાલનની પ્રક્રિયામાં છીએ અને તેને પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

 • યુરોપમાં તમને સાડા ચાર લાખ યુરોનો દંડ થયો, નાઇજિરિયામાં પ્રતિબંધ છે એટલે કે તમે દૂધે ધોયેલા નથી. ભારતમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તમને દંડ કેમ ન કરાય?

અમે સમિતિને તેનો લેખિતમાં જવાબ આપીશું.

 • અમેરિકામાં એક પીડિતે વાંધો લીધો પછી કંપનીએ ચાઇલ્ડ પોર્ન કન્ટેન્ટ હટાવી? ભારતમાં તમે પોસ્કો કાયદાનું પાલન કરો છો?

અમે અમેરિકી એજન્સીને આ અંગે અમારું વલણ જણાવી દીધું છે.

 • જો તમે ભારતીય એજન્સીને આ અંગે જવાબ નથી આપતા તો તમે ગુનેગાર છો?

અમે તેનો લેખિતમાં જવાબ આપીશું.

 • કેપિટલ હિલ્સના દેખાવો કાયદાનું ઉલ્લંઘન ગણાવી હટાવી દીધા પણ લાલ કિલ્લાના દેખાવોને અભિવ્યક્તિની આઝાદી ગણાવ્યા, કેમ?

પ્રતિનિધિએ તેનો જવાબ આપ્યો નહીં.

યુપી પોલીસે ટ્વિટર ઈન્ડિયાના એમડીને નોટિસ મોકલી
યુપીની ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર(એમડી) મનીષ માહેશ્વરીને નોટિસ મોકલી છે. પોલીસે એક અઠવાડિયામાં લોની બોર્ડર પોલીસ સ્ટેશને આવીને નિવેદન નોંધાવવા કહ્યું છે. આ કાર્યવાહી અમુક દિવસ પહેલા એક મુસ્લિમ વ્યક્તિના મારપીટ મામલે કરાયેલી તપાસના સંબંધમાં છે. ખરેખર ગાઝિયાબાદમાં એક વૃદ્ધ મુસ્લિમ સાથે મારપીટનો વીડિયો વાઈરલ થવા મામલે પોલીસે 15 જૂને એફઆઈઆર નોંધી હતી. તેમાં ટ્વિટર, ટ્વિટર કમ્યુનિકેશન ઈન્ડિયા, એક ન્યૂઝ વેબસાઇટ ઉપરાંત પત્રકાર મોહમ્મદ ઝુબૈર અને રાણા અય્યુબને આરોપી બનાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...