- Gujarati News
- National
- First Snow And Now Melting In Germany: New York Devastated By Snow; Vintage Car Rally In Kolkata
વિશ્વભરના સમાચારો તસવીરોમાં:આકાશનો રંગ વાદળી હોય કે નારંગી?: બરફ ઓગળતાં જર્મનીમાં હાલાકી; ખેતરમાં પાક વધારવા ડાન્સિંગ LED લગાવો
આફ્રિકાના સહરાના રણમાંથી ઊડેલી ધૂળ અને ધૂળની ડમરીઓ 3000 કિ.મી. દૂર યુરોપ પહોંચી ગઈ. તેના લીધે આલ્પ્સ પર્વત પર આવેલા રિસોર્ટના બરફ અને ત્યાંનું આકાશ નારંગી રંગના થઈ ગયા હતા. આ મામલે હવામાન વિજ્ઞાનીઓએ કહ્યું કે હવાની ઝડપ તુલનાત્મક રીતે વધારે હતી એટલા માટે તે પોતાની સાથે ધૂળના વધારે કણ લઈ આવી.
યુરોપમાં આકાશ નારંગી રંગનું જોવા મળ્યું
આફ્રિકાના સહરાના રણમાંથી ઊડેલી ધૂળની ડમરીઓનાં લીધે યુરોપમાં અનેક સ્થળે આકાશનો તેમજ વિવિધ સ્થળે પડેલા બરફનો રંગ જ સમૂળગો બદલાઈ ગયો. જેના કારણે એક મનોરમ દૃશ્ય જોવા મળ્યું હતું.
ભારે વરસાદ અને ઓગળતા બરફથી જર્મનીમાં પૂર
પશ્ચિમ જર્મનીમાં ભારે વરસાદ અને બરફ પીગળવાને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ફ્રેન્કફર્ટ ખાતે રેલવેલાઈન અને રોડના ક્રોસિંગ પરથી પસાર થતી ટ્રેન આસપાસ પાણી જ પાણી જોવા મળ્યું હતું.
ફ્રેન્કફર્ટ ખાતે મેઈન નદીના કિનારે પૂરનું પાણી જોવા મળી રહ્યું છે, જ્યાં બેસવા માટેના બાંકડા આસપાસ પાણી જ પાણી દેખાય છે.
જર્મનીની રાઈન નદીમાં જળસ્તર ભારે વરસાદને કારણે વધી ગયો છે. નદીની આસપાસનાં ગામોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે તો શહેરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યાં.
ન્યૂઝીલેન્ડમાં પતંગોત્સવ પર કોરોનાનું લંગસ
ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેરના ઓટકી બીચ પર આ શનિ-રવિ દરમિયાન યોજાયેલા 9મા ઓટકી કાઇટ ફેસ્ટિવલમાં રંગબેરંગી ચાઇનીઝ પતંગોએ ધૂમ મચાવી.
આ પતંગો સ્થાનિક ડિઝાઇનર્સે વેલિંગ્ટનસ્થિત ચાઇના કલ્ચરલ સેન્ટરની પહેલ હેઠળ તૈયાર કર્યા હતા. જોકે આ વર્ષે કોરોના મહામારીને કારણે ફેસ્ટિવલમાં પ્રોફેશનલ પતંગબાજો, પતંગપ્રેમીઓ તેમ જ મુલાકાતીઓ પ્રમાણમાં થોડી ઓછી સંખ્યામાં જોવા મળ્યા.
ખેતરમાં પાક વધારવા ડાન્સિંગ LED લગાવો
નેધરલેન્ડમાં સ્ટુડિયો રોસેગાર્દે ફર્મે એક અનોખો પ્રયોગ કર્યો છે. રાતના સમયે ખેતરોમાં ડાન્સિંગ એલઈડી લાઈટ લગાવાય છે. આ લાઈટને કારણે પાકના વિકાસમાં મદદ મળે છે. વાસ્તવમાં, નેધરલેન્ડમાં બર્ફીલું વાતાવરણ અને ધુમ્મસને કારણે સૂર્યપ્રકાશ મળતો નથી, પણ ડાન્સિંગ લાઈટને કારણે પાકનો વિકાસ થાય છે, જેને કારણે રાતે આગિયાની જેમ ખેતરો ઝગમગી ઊઠે છે.
ન્યૂયોર્કમાં સતત ભારે હિમવર્ષા
એક પાર્કમાં બરફના ઢગમાંથી બનેલા ઓક્ટોપસ પાસેથી પસાર થતું બાળક. ન્યૂયોર્કમાં સતત હિમવર્ષાએ હાલાકી સર્જી છે.
કોલકાતામાં વિન્ટેજ કાર રેલી
પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં રવિવારે વિન્ટેજ/ક્લાસિક કાર રેલી યોજાઇ હતી. એ અંતર્ગત શહેરના માર્ગો પર મોટી સંખ્યામાં વિન્ટેજ/ક્લાસિક કારનો કાફલો નીકળ્યો હતો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું.
વિન્ટેજ કાર રેલીનું આયોજન ઓટોમોબાઇલ એસોસિયેશન દ્વારા કરાયું હતું. ઇ.સ. 1939 પહેલાં બનેલી કાર વિન્ટેજ કાર ગણાય છે, જ્યારે 1940 બાદ બનેલી કાર ક્લાસિક કાર કહેવાય છે.