NGTને દિવાળીમાં જ પ્રદૂષણની ચિંતા!:અમદાવાદ, સુરત, વડોદરા સહિત 122 શહેરોમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવા કહ્યું

નવી દિલ્હીએક વર્ષ પહેલા
NGTએ કહ્યું,ફટાકડાનાં વેચાણ-ઉપયોગ પર પ્રતિબંધનો આદેશ દેશનાં એ તમામ વિસ્તારો અને શહેરોમાં પણ લાગુ થશે, જ્યાંની હવાની ક્વોલિટી ખરાબ છે (ફાઈલ તસવીર). - Divya Bhaskar
NGTએ કહ્યું,ફટાકડાનાં વેચાણ-ઉપયોગ પર પ્રતિબંધનો આદેશ દેશનાં એ તમામ વિસ્તારો અને શહેરોમાં પણ લાગુ થશે, જ્યાંની હવાની ક્વોલિટી ખરાબ છે (ફાઈલ તસવીર).

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને દેશના સૌથી પ્રદૂષિત 122 શહેરના નામ આપીને ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની સિફારિશ કરી હતી. આ પ્રદૂષિત શહેરોની યાદીમાં ગુજરાતનાં અમદાવાદ, વડોદરા અને સુરત પણ સામેલ હતાં. આ દરમિયાન એનજીટીએ દિવાળીમાં પ્રદૂષિત હવાને નિયંત્રિત કરવા સોમવારે એક કડક નિર્ણય લીધો હતો. તેણે 10થી 30 નવેમ્બર સુધી દિલ્હી-એનસીઆર સાથે એ તમામ શહેરો-ઉપનગરોમાં ફટાકડા વેચવા અને ફોડવા પર રોક લગાવી દીધી છે, જ્યાં ગયા વર્ષે નવેમ્બરમાં વાયુ પ્રદૂષણ વધારે હતું.

  • આપણા દેશમાં ખુશી જાહેર કરવા ફટાકડા ફોડાય છે. કોઈના મોત કે બીમારીની ઉજવણી માટે નહીં. કોરોના કાળમાં ફટાકડા ફોડવાથી પ્રદૂષણ વધશે તો સંક્રમણનો ખતરો પણ વધશે. એવામાં જો લોકોના હિતમાં ફટાકડા કંપનીએ નુકસાન પણ સહન કરવું પડે તો વ્યાજબી છે. - જસ્ટિસ એ.કે. ગોયલ, એનજીટી પ્રમુખ

પ્રદૂષણની સાથે સંક્રમણનો ખતરો વધે
આ નિર્ણય પછી એનજીટીના ચેરમેન જસ્ટિસ એ. કે. ગોયલે કહ્યું કે, આપણા દેશમાં આનંદ વ્યક્ત કરવા ફટાકડા ફોડાય છે, નહીં કે કોઈના મોત કે બીમારીઓનો ઉત્સવ મનાવવા માટે. કોરોના કાળમાં ફટાકડા ફોડવાથી પ્રદૂષણની સાથે કોરોના વાઈરસના સંક્રમણનો ખતરો પણ વધશે. આપણે તેની અવગણના ના કરી શકીએ. આ સંજોગોમાં લોકહિતમાં ફટાકડા કંપનીઓએ નુકસાન ભોગવવું પડે, તો તેની પણ અવગણના કરવી જોઈએ.

વાયુ પ્રદૂષણ રોકડા કડકાઈ જરૂરી: આયોગ
પ્રદૂષણ નિયંત્રણ માટે રચાયેલા આયોગે કહ્યું કે, દિલ્હી-એનસીઆરમાં હાલના કાયદા અને પ્રદૂષણ રોકવાના નિર્દેશ સાથે માપદંડની પ્રક્રિયાને કડકાઈથી લાગુ કરવાની જરૂર છે. આવું કરીને જ પ્રદૂષણને ઓછું કરી શકાશે. દિલ્હી હંમેશા સ્મોગના ભરડામાં હોય છે. અહીં સતત પાંચમા દિવસે સ્થિતિ ખતરનાક છે અને અનેક વિસ્તારોમાં તો દૃશ્યતા ઘટીને માંડ 400 મીટર થઈ ગઈ છે.

લોકોને તાજી હવામાં શ્વાસ લેવાનો હક છે, રાજ્યને એનજીટીની નોટિસ
વાયુ પ્રદૂષણને લઈને ફટાકડાના વેચાણ પર રોક લગાવવાની માંગને લઈને દાખલ અરજી મુદ્દે એનજીટીએ સુનાવણી શરૂ કરી છે. જસ્ટિસ ગોયલે કહ્યું છે કે, દેશના તમામ નાગરિકોને તાજી હવામાં શ્વાસ લેવાનો હક છે. વ્યવસાયિક ગતિવિધિ બંધ થવાના ડરે લોકોને તાજી હવામાં શ્વાસ લેવાના અધિકારથી વંચિત ના કરી શકાય. આ મુદ્દે જો અધિકારીઓ કાર્યવાહી નહીં કરે, તો અદાલતોએ પોતાના અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરવો જ પડશે. એનજીટીએ તમામ રાજ્યોને કહ્યું છે કે, પ્રદૂષણનો મુકાબલો કરવા તમામ અભિયાન શરૂ કરે. રાજ્યોના પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ એર ક્વૉલિટીનું ધ્યાન રાખે અને તેના રિપોર્ટ એનજીટીને મોકલે.

વાયુ પ્રદૂષણ મધ્યમ સ્તરનું હશે, ત્યાં ગ્રીન ફટાકડા વેચી શકાશે
એનજીટીએ એવું પણ કહ્યું છે કે, જે શહેરોમાં વાયુ પ્રદૂષણ મધ્યમ સ્તરનું હશે, ત્યાં ગ્રીન ફટાકડા વેચી શકાશે. આવા શહેરોમાં દિવાળી અને ગુરુનાનક જયંતીની રાત્રે આઠથી દસ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત છઠના રોજ સવારે છથી રાતે આઠ વાગ્યા સુધી, નાતાલ અને નવા વર્ષ નિમિત્તે રાતે 11:54થી રાતે 12:30 વાગ્યા સુધી ગ્રીન ફટાકડા ફોડી શકાશે.

NGTનો હુકમ ગુજરાતને ખાસ અસર કરે તેમ નથી: નીતિન પટેલ
NGTનો હુકમ ગુજરાતને ખાસ અસરકર્તા નહીં રહે. ગુજરાતમાં દિવાળીના પર્વ દરમિયાન ફટાકડાં ઉપર સદંતર પ્રતિબંધ તો નહીં જ રહે. જે શહેરો પ્રદૂષણના મામલે રેડ ઇન્ડેક્સમાં આવે છે તેવાં જ શહેરોમાં ફટાકડાં પર પ્રતિબંધ છે, જ્યારે બાકીના શહેરોમાં પ્રતિબંધ હળવો છે. તે મુજબ ગુજરાતમાં પણ હળવા નિયમો સાથે જ ફટાકડાં પ્રતિબંધિત રહેશે. - નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી

જે શહેરોમાં એર ક્વોલિટી સારી ત્યાં પ્રદૂષણરહિત ફટાકડાઓ માટે છૂટ
NGTના આદેશ પ્રમાણે, જે શહેરો-વિસ્તારોમાં હવાની ક્વોલિટી મોડરેટ અથવા એનાથી નીચેના લેવલ પર છે ત્યાં પ્રદૂષણરહિત ફટાકડા વેચવાની છૂટ અપાઈ છે, પરંતુ દિવાળી, છઠ, ક્રિસમસ, નવા વર્ષ જેવા અવસરો પર માત્ર 2 કલાક ફટાકડા ફોડવાની છૂટ હશે. આ 2 કલાક રાજ્ય સરકાર તરફથી નક્કી કરેલા સમય પ્રમાણે હશે. જો રાજ્ય તરફથી કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નહીં હોય તો દિવાળી અને ગુરુપર્વ પર રાતે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી અને છઠ પર સવારે 6થી 8 વાગ્યા સુધીનો રહેશે.

NGTના નિર્ણયને પાંચ સવાલમાં સમજીએ
NGTએ એવું જ કહ્યું છે. આદેશ પ્રમાણે તમામ પ્રકારના ફટાકડા વેચવા અને ફોડવા પર સોમવારે રાતે 12 વાગ્યાથી 30 નવેમ્બરની રાત 12 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે

શું દિલ્હી-NCRને બાદ કરતાં દેશનાં અન્ય શહેરોમાં છૂટછાટ છે?
ના. ફટાકડા પર પ્રતિબંધ દેશના એ તમામ વિસ્તારો અને શહેરોમાં લાગુ થશે જ્યાં ગત વર્ષે નવેમ્બરમાં હવાની ક્વોલિટીનું લેવલ પૂઅર અથવા એની ઉપરની કેટેગરીમાં પહોંચી ગયું હતું.

શું મારા શહેરમાં છૂટ મળશે?
જો તમારા શહેરમાં નવેમ્બર 2019માં હવાની ક્વોલિટી મોડરેટ અથવા નીચેના લેવલ પર હતી, તો પ્રદૂષણરહિત ફટાકડા વેચી અને ફોડી શકાય છે, પરંતુ દિવાળી અને છઠ પર માત્ર 2 કલાક જ છૂટ મળશે.

2 કલાકનો સમય કયો હશે?
આ 2 કલાક રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા સમય પ્રમાણે હશે. જો રાજ્યો તરફથી કોઈ સમય નક્કી કરવામાં આવ્યો હોય તો દિવાળી પર રાતે 8થી 10 વાગ્યા સુધી અને છઠ પર સવારે 6થી 8 વાગ્યા સુધી છૂટ રહેશે.

જે શહેરોમાં હવા ખરાબ નથી ત્યાં શું થશે?
જે શહેરો-વિસ્તારમાં હવાની ક્વોલિટી સારી છે ત્યાં ફટાકડા પર પ્રતિબંધ ઓપ્શનલ હશે. લોકલ ઓથોરિટી ઈચ્છે તો તેમના હિસાબથી ગાઈડલાઈન્સ નક્કી કરીને પ્રતિબંધ લગાવી શકે છે. કોરોનાના કેસ વધવાની આશંકાને ધ્યાનમાં રાખતા NGTએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું હતું કે કોઈપણ સોર્સથી થતા પ્રદૂષણને અટકાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવો.

અન્ય સમાચારો પણ છે...