પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારી અને તેના ભાઈ સોમેન્દુ સામે FIR નોંધાઈ છે. તેમના પર નગરપાલિકામાંથી રાહત સામગ્રી ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કાંઠી નગરપાલિકા વહીવટી બોર્ડના સભ્ય રત્નદીપ મન્નાએ 1 જૂને બીજેપી નેતા અને તેના ભાઈ સામે કાંઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સોમેન્દુ કાંતિ નગરપાલિકાના પૂર્વ પાલિકા પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સનો પણ ઉપયોગ કર્યો
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 29 મેના રોજ બપોરે 12.30 વાગ્યે શુભેન્દુ અને તેના ભાઈના કહેવા પર પાલિકા કચેરીના વેરહાઉસનું તાળુ બળજબરી પૂર્વક ખોલવામાં આવ્યું હતું અને અહીંથી સરકારી ત્રિપાલને લઈ ગયા હતા. તેની કિંમત આશરે એક લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, ભાજપના નેતાઓએ ચોરી દરમિયાન સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સનો પણ ઉપયોગ પણ કર્યો હતો.
છેતરપિંડીના કેસમાં શુભેન્દુના નજીકના સાથીની ધરપકડ
કોલકાતા પોલીસે શુભેન્દુના એક નજીકના સાથીની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી તે દિવસે આ કેસ નોંધવામાં આવ્યો હતો. રાખલ બેરાને 2019માં સિંચાઈ અને જળમાર્ગ મંત્રાલયમાં નોકરીની લાલચ આપીને એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે તેણે બે લાખ રૂપિયા ચૂકવ્યા છે, તેમ છતાં તેને નોકરી મળી નથી.
શુભેન્દુએ ચૂંટણીમાં મમતાને હરાવ્યા હતા
શુભેન્દુએ વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ સીટ પરથી મુખ્યમંત્રી મમતા બેનર્જીને 1956 મતોથી હરાવ્યા હતા. ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપ મુખ્ય વિરોધી પક્ષ તરીકે ઉભરી આવ્યો. કુલ 292 બેઠકોમાંથી તૃણમૂલે 213 બેઠકો જીતી હતી. ભાજપને તેના ખાતામાં 77 બેઠકો મળી હતી. અન્યએ બાકીની બે બેઠકો જીતી. જ્યારે, કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધનનું ખાતું પણ ખૂલ્યું ન હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.