મિઝોરમના હનથિયાલ જિલ્લામાં સોમવારે એક પથ્થરની ખાણ ધરાશાયી થઈ હતી. દુર્ઘટનામાં 12 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. આ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ મોદઢ વિસ્તારમાં બની હતી. રેસ્ક્યૂ ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તમામ મજૂરો બિહારના હોવાનું કહેવાય છે.
SP વિનીત કુમારે જણાવ્યું કે દુર્ઘટના સમયે ABCIL ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના 13 કામદારો ખાણમાં કામ કરી રહ્યા હતા. એક મજૂર ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો, પરંતુ 12 મજૂરો ત્યાંથી નીકળી નહીં શક્યા. તેઓ કાટમાળમાં ફસાઈ ગયા. SPએ કહ્યું કે સાંજે 7.30 વાગ્યા સુધી કોઈ મજૂરને બહાર કાઢવામાં સફળતા મળી નથી.
મશીનો પણ કાટમાળ નીચે દટાઈ ગઈ
આ ખાણ છેલ્લા અઢી વર્ષથી કાર્યરત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કામદારો બપોરનું ભોજન કરીને પરત ફર્યા હતા ત્યારે ખાણ ધરાશાયી થઈ અને તેઓ નીચે ફસાઈ ગયા હતા. ખાણમાં મજૂરોની સાથે 5 મશીન અને અનેક ડ્રિલિંગ મશીન પણ દટાઈ ગયા છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને આસામ રાઈફલ્સ બચાવ કામગીરીમાં લાગી છે. નજીકના લેઈતે ગામ અને હનથિયાલ શહેરના લોકો બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યા છે.
નજીકના વોલેન્ટિયર્સ પણ બચાવ કાર્યમાં જોતરાયા મેડિકલ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્તારથી પરિચિત લોકોએ જણાવ્યું કે ખાણ ત્યારે પડી જ્યારે મજૂરો તેને તોડ્યા પછી પથ્થરો એકઠા કરી રહ્યા હતા. યંગ મિઝો એસોસિએશનના સ્વયંસેવકો નજીકના ગામોમાંથી ત્યાં પહોંચ્યા અને બચાવ કામગીરીમાં મદદ કરી.
પહાડને ખૂબ ઉંડાણ સુધી તોડી નાખ્યો હતો
સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે મજૂરોએ પહાડને ખૂબ ઉંડાણ સુધી તોડી નાખ્યો હતો, જેના કારણે પહાડી તેમના પર પડી હતી. એક વોલેન્ટિયર વાનલાલજુઈયાએ જણાવ્યું કે શરૂઆતમાં એક કે બે પથ્થર પડ્યા હતા. આ પછી કેટલાક મજૂરો ત્યાંથી ભાગ્યા, પરંતુ બાકીના બધા ત્યાં જ ફસાઈ ગયા. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા મુશ્કેલ બની રહ્યું છે કારણ કે આખી ટેકરીની માટી તે મજૂરો પર આવી ગઈ છે. તંત્રએ હનથિયાલની હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરી લીધી છે. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.