તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Coro's Positive Father in law Was Carried On His Back And Walked 2 Km, No One Came Forward To Help

પુત્રવધૂ હોય તો નિહારિકા જેવી:કોરોના સંક્રમિત સસરાને પીઠ પર ઉઠાવીને હોસ્પિટલ પહોંચી પુત્રવધૂ, લોકો માત્ર ફોટો જ ખેંચતા રહ્યાં

7 દિવસ પહેલા
  • આસામની આ કહાનીથી ગામમાં સ્વાસ્થ્ય સંબંધિત સેવાની શી સ્થિતિ છે એની પોલ ખૂલી ગઈ

આસામના નગાંવમાં રહેતી 24 વર્ષની નિહારિકા દાસની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. એમાં તે પોતાના કોરોના પોઝિટિવ સસરાને પીઠ પર ઉઠાવી લઈ જતી દેખાય છે. નિહારિકા સસરાને ઉઠાવી આશરે 2 કિ.મી ચાલી હતી. એ સમયે લોકોએ તેની તસવીરો લીધી હતી. જોકે કોઈ વ્યક્તિ તેની મદદ માટે આગળ આવી ન હતી. ફોટો વાઈરલ થયા બાદ હવે લોકો નિહારિકાને આદર્શ પુત્રવધૂ કહી રહ્યા છે.

હકીકતમાં 2 જૂનના રોજ નિહારિકાના સસરા થુલેશ્વર દાસમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં હતાં. થુલેશ્વર રાહા ક્ષેત્રના ભાટિગાંવમાં સોપારીના વિક્રેતા છે. સ્વાસ્થ્ય ખરાબ થવાને પગલે 2 કિમી દૂર રહેલા સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવા માટે પુત્રવધૂ નિહારિકાએ રિક્ષાની રાહ જોઈ હતી.

સસરાને ઓટોરિક્ષા સ્ટેન્ડ સુધી પીઠ પર લઈ ગયા
નિહારિકાએ કહ્યું હતું કે તેના ઘર સુધી ઓટોરિક્ષા આવી શકે એવો માર્ગ નથી. સસરા ચાલીને જઈ શકે એવી સ્થિતિમાં ન હતા. મારા પતિ કામ માટે સિલીગુડીમાં રહે છે. આ સંજોગોમાં સસરાને પીઠ પર લઈ જવા સિવાય મારી પાસે અન્ય કોઈ જ વિકલ્પ ન હતો. હું સસરાને ઓટો સ્ટેન્ડ સુધી લઈ ગઈ હતી. નિહારિકાને એક 6 વર્ષનો દીકરો પણ છે.

શહેરમાં લઈ જવા ખાનગી વાહન સુધી સસરાને પીઠ પર લઈ જવા પડ્યા
પુત્રવધૂના જણાવ્યા પ્રમાણે, મુશ્કેલી અહીંથી સમાપ્ત થઈ ન હતી. સ્વાસ્થ્ય કેન્દ્રમાં સસરાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરે સસરાની સ્થિતિ ગંભીર ગણાવી તેમને 21 કિ.મી દૂર નગાંવની કોવિડ હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું. સ્વાસ્થ્ય કેન્દ્રથી તેમણે એમ્બ્યુલન્સ અથવા સ્ટ્રેચર પણ આપવામાં આવ્યું ન હતું. ત્યાર બાદ પુત્રવધૂએ એક પ્રાઈવેટ કારની વ્યવસ્થા કરી. આ માટે પણ તેણે સસરાને પીઠ પર ઉઠાવી ઘણા દૂર સુધી ચાલવું પડ્યું હતું. લોકો જોઈ રહ્યા હતા, પણ કોઈ મદદ માટે આગળ આવતા ન હતા. સસરા લગભગ બેભાનની સ્થિતિમાં હતા. તેમને ઉઠાવવા માટે મારે માનસિક અને શારીરિક રીતે ઘણી મહેનત કરવી પડી હતી.

સસરાને પીઠ પર ઉઠાવી સીડીઓ ચડવી પડી
નિહારિકાએ કહ્યું હતું કે નગાંવ પહોંચીને પણ મારે કોવિડ હોસ્પિટલમાં સસરાને પીઠ પર ઉઠાવીને સીડીઓ ચડવી પડી હતી. ત્યાં મેં મદદ માટે કહ્યું, પણ કોઈ વ્યક્તિ આગળ આવી નહીં. એ દિવસે હું સસરાને પીઠ પર ઉઠાવી આશરે 2 કિમી ચાલી હતી. એ સમયે કોઈએ નિહારિકાની તસવીરો લીધી હતી.

સસરાને બચાવી શકી નહીં
આસામની આ કહાનીથી ગામમાં સ્વાસ્થ્ય સંબંધિત સેવાની શી સ્થિતિ છે એની પોલ ખૂલી ગઈ છે. નિહારિકાનું કહેવું છે કે તેને ગામમાં એમ્બ્યુલન્સ પણ મળી શકી ન હતી. નાની વાનમાં શહેર લાવવા પડ્યા હતા. સારી વાત એ હતી કે માર્ગમાં ઓક્સિજનની જરૂર પડી ન હતી. જોકે 5 જૂનના રોજ ગુવાહાટીની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે થુલેશ્વર દાસનું અવસાન થઈ ગયું.