ટીમ ઈન્ડિયા અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ફાસ્ટ બોલર દીપક ચાહર આજે 1 જૂને પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આગ્રાના વાયુ વિહારમાં રહેનાર ચાહર અને જયા ફતેહાબાદ રોડ સ્થિત જેપી પેલેસમાં ફેરા ફરશે. મંગળવારે મેહંદી રસમ અને સંગીત સમારંભનું પણ આયોજન કરાયું છે.
રાતે નવ વાગ્યે લગ્ન સમારંભ શરૂ થશે
મેહંદી અને સંગીત સેરેમનીમાં કપલનો દેશી અંદાજ ફેન્સને ઘણો પસંદ આવ્યો છે. સંગીત સેરેમનીમાં 'અકેલા હૈ મિસ્ટર ખિલાડી મિસ ખિલાડી ચાહીએ...' ગીત પર દીપક ચાહર, જયા ભારદ્વાજ અને માલતી ચાહરે શાનદાર ડાન્સ કર્યો. બુધવારે દસ વાગ્યે હલ્દીની રસમ શરૂ થઈ, જ્યારે રાતના નવ વાગ્યે લગ્ન સમારંભ શરૂ થશે. લગ્ન સમારંભમાં દીપક ચાહર અને જયાના પરિવારના લોકો તથા અન્ય નજીકના મિત્રો સામેલ થશે.
જાણીતા સુધીર બેન્ડને બુક કરવામાં આવ્યું
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને વિરાટ કોહલી પણ આ લગ્ન સમારંભમાં ભાગ લઈ શકે છે. દીપકની જાન હોટલ પરિસરમાં સાજે સાત વાગ્યાની આસપાસ નીકળશે. તેમની જાન માટે શહેરના જાણીતા સુધીર બેન્ડને બુક કરવામાં આવ્યું છે. ચાહરના લગ્ન માટે શાહી દાવતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જમવામાં સ્પેશિયલ ચાટ સિવાય હાથરસની ખડી પણ હશે. આ સિવાય અવધિ, મુગલઈ, પંજાબી, દક્ષિણ ભારતીય વાનગીઓ ઉપરાંત મહેમાનો થાઈ, ઈટાલિયન સહિત અન્ય વાનગીઓની પણ મજા માણી શકશે.
જયા એક કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે
દીપક ચાહરે ગત વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) મેચ દરમિયાન જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું હતું. જયાં એક કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. દીપક ચાહરના પિતા લોકેન્દ્ર સિંહ ચાહરે કહ્યું હતું કે દીપક ઘણા સમયથી પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા માગતો હતો. દીપક ચાહરે આઈપીએલ 2021ના પ્લેઓફ સ્ટેજ દરમિયાન આમ કરવાની યોજના બનાવી હતી. જોકે સીએસકેના કેપ્ટન એમએસ ધોનીની સલાહ પર તેમણે પંજાબ કિંગ્સની સામે સીએસકેની અંતિમ લીગ મેચ દરમિયાન પ્રપોઝ કરવાની યોજના બનાવી હતી.
દીપક ચાહરને ચેન્નઈ સુપર કિંગ્સે(CSK) આઈપીએલ 2022ની મેગા હરાજી દરમિયાન 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે ચાહરને પીઠમાં ઈજા થતાં તે આખી આઈપીએલ સીઝનમાંથી બહાર થઈ ગયો હતો. દીપક ચાહરની ટીમ પણ આઈપીએલ 2022માં કંઈ જ ખાસ કરી શકી નહોતી અને તે 14માંથી માત્ર ચાર મેચમાં જ જીત પ્રાપ્ત કરી શકી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.