તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદા સામે દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ સોમવારથી રિલે ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. તેમાં ખેડૂતો 24-24 કલાકના ઉપવાસ પર એક પછી એક બેસશે. આ સાથે જ ખેડૂતોએ કાયદા વિરુદ્ધ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની પણ જાહેરાત કરી છે. આ સાથે જ વાટાઘાટો માટે કેન્દ્ર સરકાર દ્વારા આવેલી દરખાસ્ત અંગે નિર્ણય લેવા ખેડૂત નેતાઓ મંગળવારે બેઠક યોજશે તેમાં પંજાબ અને રાષ્ટ્રીય ખેડૂત સંગઠનોના નેતા સામેલ થશે.
આંદોલન દબાવશો તેટલું મજબૂત થશેઃ ખેડૂત
ભારતીય કિસાન યુનિયન દુઆબાના વડા અને પંજાબના ખેડૂત નેતા મનજિતસિંહે કહ્યું કે સરકાર વારંવાર વાતચીતનું કહીને ખેડૂતોની માંગણી ટાળી રહી છે. સરકાર તાકીદે કૃષિકાયદા રદ કરે. તેમણે કહ્યું કે મંગળવારની બેઠક પછી નક્કી થશે કે સરકાર સાથે વાત કરવી છે કે નહીં. ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ છ મહિના ત્યાં બેસી રહેશે. આડતિયા અને ખેડૂતો પર આવકવેરા વિભાગના દરોડા અંગે મનજિતસિંહે કહ્યું કે સરકાર આંદોલન દબાવવાનો જેટલો પ્રયત્ન કરશે એટલું જ તે વધુ મજબૂત બનશે. ખેડૂતોએ 25થી 27 ડિસેમ્બર સુધી ટૉલ પ્લાઝા પર કબજો કરી તેને ટોલ ફ્રી કરવાની જાહેરાત કરી છે તો બીજીબાજુ આંદોલનકારી ખેડૂતોને ધાબળા વહેંચી રહેલી એક વ્યક્તિના વાહનમાં અસામાજિક તત્ત્વોએ ઘી નાંખીને આગ લગાડી હતી.
પંજાબના ખેડૂતનો ઝેર ખાઈને આત્મહત્યાનો પ્રયાસ, પીજીઆઈમાં દાખલ
સોમવારે સિંઘુ બોર્ડર પર પંજાબના તરનતારણ જિલ્લાના ભટ્ટલ ગામના 75 વર્ષના ખેડૂત નિરંજનસિંહે ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં પીજીઆઈ રોહતક લઈ જવાયા હતા. હોસ્પિટલમાં ખેડૂતે કહ્યું કે તેઓ કૃષિકાયદા સામે આંદોલન કરી રહેલા અને ઠંડીમાં ઠૂંઠવાતા ખેડૂતોને જુએ છે તો તેમને રડવું આવે છે. સરકાર સાંભળતી નથી. ખેડૂતોના મોત થઈ રહ્યા છે તેઓ પણ કુરબાની આપવા માંગે છે. બીજીબાજુ પંજાબના ફિરોઝપુરમાં ખેડૂત કુલબીરસિંહે સોમવારે આપઘાત કર્યો હતો. તે દિલ્હી આંદોલનમાં સામેલ થઈ પરત ફર્યા હતા. પંજાબના ભટિન્ડા જિલ્લામાં પણ 22 વર્ષના એક યુવાન ખેડૂતે આંદોલનમાંથી પરત આવ્યા પછી આપઘાત કર્યો હતો.
સરકાર ટેકનોલોજી પર જોર આપે છેઃ નરેન્દ્રસિંહ તોમર
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકાર ખેતીવાડીમાં ટેકનોલોજીના ઉપયોગ પર જોર આપવા માંગે છે અને આગામી 10 વર્ષમાં ફાર્મ મિકેનાઈઝને બમણું કરવા ધારે છે. તેમણે કૃષિ ટેકનિક સંબંધિત ઉદ્યોગોને ખેડૂતો માટે નાના મશીન અને સાધનો ઉપલબ્ધ કરાવવા પણ અનુરોધ કર્યો હતો. ટ્રેક્ટર એન્ડ મેકિનાઈઝેશન એસોસિયેશનની વાર્ષિક બેઠકમાં બોલતાં તોમરે કહ્યું કે ઉદ્યોગોના સહયોગથી જ ખેતીને મિકેનાઈઝ કરી શકાશે.
ખેડૂતોના આરોપ અંગે ફેસબુકની સ્પષ્ટતા
ફેસબુક પર ખેડૂતોના પેજ બ્લોક કરવાના આરોપ અંગે ફેસબુકે સોમવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ફેસબુક પેજ ‘કિસાન એકતા મોર્ચા’પર અચાનક વધેલી એક્ટિવીટીના કારણે અમારા ઓટોમેટેડ સિસ્ટમે તેને સ્પેમ કરી દીધી હતું, કારણ કે તે અમારા માપદંડ પર યોગ્ય નહોતું ઉતરી રહ્યું. જો કે, મામલાને સમજ્યા પછી અમે 3 કલાકની અંદર જ પેજને રિસ્ટોર કરી દીધું.
તેમણે જણાવ્યું કે, સ્પેમ વિરુદ્ધ લડાઈમાં અમારું મુખ્ય કામ ઓટોમેટિક સિસ્ટમથી થાય છે. જો કોઈ એકાઉન્ટથી ઓછા સમયમાં ઘણી એક્ટિવિટી રેકોર્ડ થાય, તો તેને ડાઉટ જાય છે કે અહીં કંઈક ખોટું થઈ રહ્યું છે. ઓટોમેટેડ સિસ્ટમ સિવાય જ્યાં જરૂર હોય ત્યાં હ્યૂમન એક્સરસાઈઝનો પણ ઉપયોગ કરીએ છીએ. આ પહેલા રવિવારે કિસાન એકતા મોર્ચાએ ફેસબુક પર કેન્દ્ર સરકારના દબાણમાં આવીને તેમનું પેજ બ્લોક કરવાનો આરોપ લગાવ્યો હતો.
કૃષિમંત્રીની ખેડૂતો સાથે આજે મીટિંગ થઈ શકે છે
કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે રવિવારે બંગાળમાં કહ્યું હતું કે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને ખેડૂતો વચ્ચે એક-બે દિવસમાં બેઠક યોજાઈ શકે છે. બીજી બાજુ, ખેડૂત નેતાઓએ રવિવારે કુંડલી બોર્ડર પર બેઠક પછી એલાન કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બરે જ્યાં સુધી મન કી વાત ચાલુ રાખશે ત્યાં સુધી ખેડૂતો થાળીઓ વગાડશે.
NDAમાં સામેલ તમામ પક્ષો સાથે મુલાકાત કરશે ખેડૂત નેતા
23 ડિસેમ્બરે ખેડૂત દિવસ છે. ખેડૂત સંગઠનોએ અપીલ કરી છે આ દિવસે દેશભરના લોકો એક દિવસનો ઉપવાસ રાખે. 26 અને 27 ડિસેમ્બરે ખેડૂત NDAમાં સામેલ પક્ષોના નેતાઓને મળીને તેમને અપીલ કરશે કે તે સરકાર પર દબાણ કરે અને ત્રણ કાયદા પાછા લેવડાવે. આવું નહીં થાય તો તેમના વિરુદ્ધ પણ પ્રદર્શન શરૂ કરી દેવાશે. અદાણી-અંબાણીનો બોયકોટ ચાલુ રહેશે. આડતિયાઓ પર દરોડાના વિરોધમાં ખેડૂત ઈન્કમટેક્સ ઓફિસની બહાર પણ પ્રદર્શન કરશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.