• Gujarati News
  • National
  • Farmers Protest Will Launch Non Cooperation Movement, Will Stop The Supply Of Milk, Fruits And Vegetables Going From Haryana, Punjab And UP To Delhi

ખેડૂત આંદોલનનો 75મો દિવસ:PM મોદીની અપીલ બાદ ખેડૂત નેતા ફરી વાતચીત માટે તૈયાર, કહ્યું- સરકાર તારીખ નક્કી કરે

10 મહિનો પહેલા
  • કિતલાના ટોલ પર સંયુક્ત મોરચાના ખેડૂતનેતાઓ સહિત રાજ્યભરના 13થી વધારે સંગઠનના પ્રતિનિધિઓ ભેગા થયા
  • 3 રાજ્યમાંથી ફળ-શાકભાજી, દૂધનો પુરવઠો રોકવામાં આવશે, સરકારે ટ્વિટરને 1178 પાક-ખાલિસ્તાની અકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવા કહ્યું

કૃષિ કાયદા સામે 75 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂત નેતા ફરી એક વખત સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર થઈ ગયા છે. તેમણે આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ કર્યો છે.PM મોદીએ સોમવારે રાજ્યસભામાં ખેડૂત નેતાઓને અપીલ કરી હતી કે વિરોધનો અંત લાવી વાતચીત માટે આગળ આવો. આ અપીલના આશરે 5 કલાક બાદ સંયુક્ત કિસાન મોરચાના સભ્ય શિવ કુમાર કક્કાએ કહ્યું કે તેઓ આગામી તબક્કામાં વાતચીત કરવા માટે તૈયાર છે, સરકાર તેમને તેમને બેઠકનો દિવસ અને સમય જણાવી દે.

મોદીના આંદોલનજીવીવાળા નિવેદન અંગે વાધો
પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભામાં કહ્યું કે હું જોઈ રહ્યો છું કે છેલ્લા કેટલાક સમયથી આ દેશમાં નવી જમાત પેદા થઈ ગઈ છે. એક નવી બિરાદરી સામે આવી છે-આંદોલનજીવી. તમે જોશો આંદોલન વકીલોનું હોય, વિદ્યાર્થીઓનું હોય, શ્રમિકોનું હોય, દરેક આંદોલનમાં આ જમાત દેખાશે. તે આંદોલન વગર જીવી શકતા નથી. આપણે તેમને ઓળખવા પડશે. આ નિવેદન સામે ખેડૂત નેતાઓએ વાંધ દર્શાવ્યો છે.

3 મુખ્ય ખેડૂત નેતાઓનું રિએક્શન

  • મોદીના આંદોલનજીવીવાળા નિવેદન અંગે શિવ કુમાર કક્કાએ કહ્યું કે લોકશાહીમાં આંદોલનની મહત્વની ભૂમિકા હોય છે. લોકોને સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરવાનો અધિકાર છે.
  • મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) પર પ્રધાનમંત્રીના નિવેદન અંગે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું- પ્રધાનમંત્રી કહે છે કે MSP છે, હતો અને રહેશે, જોકે તેઓ એમ નથી કહ્યું કે MSP પર કાયદો બનશે. દેશ વિશ્વાસથી નથી ચાલતો. તે બંધારણ અને કાયદાથી ચાલે છે.
  • ભારતીય કિસાન યુનિયન ઉગ્રાહાં, પંજાબના મહાસચિવ સુખદેવ સિંહે પ્રશ્ન કર્યો કે સરકાર પાકોના લઘુત્તમ સપોર્ટ પ્રાઈઝ (MSP) પર કાયદાની ગેરન્ટી શા માટે આપતી નથી. તેમણે આરોપ લગાવ્યો કે મુદ્દાથી ભટકાવવાનો આ પ્રયત્ન છે.

​​​​​​​ 3 રાજ્યોથી શાકભાજી-ફળો અને દૂધનો પુરવઠો રોકશે ખેડૂતો

26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા બાદ લાગતું હતું કે ખેડૂતોનું આંદોલન હળવું થઈ જશે, પણ તેને બદલે હવે ખેડૂત નેતા આંદોલનને વધુ તેજ કરવા કામે લાગી ગયા છે. તેના ભાગરૂપે રવિવારે હરિયાણાના કિતલાના ટોલ પર મહાપંચાયત યોજાઈ હતી. તેમાં ખેડૂત નેતા દર્શનપાલે કહ્યું કે સરકારને ઝૂકાવવા માટે આંદોલન કરવું પડશે. આ સાથે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાંથી દિલ્હી જતા ફળો-શાકભાજી તથા દૂધ સહિતનો આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો અટકાવવામાં આવે. આ ઉપરાંત હરિયાણામાં અંબાણી અને અદાણીના સામાનનો બોયકોટ કરવામાં આવે.

આ દરમિયાન સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરથી 1178 પાકિસ્તાની ખાલિસ્તાનીઓનાં અકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવા કહ્યું છે. એનો હેતુ ખેડૂત આંદોલન વિશે ખોટી માહિતી ફેલાતી રોકવાનો છે.

ખેડૂતોની જીત હવે કોઈ રોકી નહીં શકે: ટિકૈત
205 મૃતક ખેડૂતના પરિવારોને એક-એક લાખ રૂપિયાની સહાયતા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતનેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આ ભૂમિ ક્રાંતિકારીઓની છે. આજે પણ અહીં પંચાયતનું એક અલગ મહત્ત્વ છે. પહેલાં પણ જ્યારે પંચાયતની બેઠક થતી હતી ત્યારે સરકાર હલી જતી હતી. રાજા હર્ષવર્ધનના સમયમાં ખાપ અને પંચાયતો સક્રિય હતી. ત્રણેય કૃષિ કાયદાને લઈને આવેલા આ કાળા અંગ્રેજોને સબક શીખવવા આ જ ધરતી પર ખાપ એકજૂથ થઈ હતી. ખેડૂતોની આ જીતને હવે કોઈ રોકી નહીં શકે.
80 વર્ષના ખેડૂતનેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું હતું કે 51 વર્ષ પહેલાં ખેડૂત સંગઠનોના ગ્રુપને એકજૂથ કરવાનું સપનું જોયું હતું. એ સમયે તો આ શક્ય થયું નહોતું, પરંતુ હવે મોદી સરકારના કાળા કાયદા વિરુદ્ધ સમગ્ર દેશનાં 500 ખેડૂત સંગઠનો એક જૂથબંદીમાં કામ કરી રહ્યાં છે. ધારાસભ્ય બલરાજ કુંડુએ કહ્યું હતું કે અહિંસાત્મક આંદોલનથી સરકાર માને એવું લાગતું નથી.

દિલ્હી બોર્ડર પર ખેડૂતનો મૃતદેહ મળ્યો
ટીકરી બોર્ડર પર રવિવારે એક ખેડૂતનો મૃતદેહ પાર્કમાં ઝાડ પર લટકતો મળ્યો. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. એમાં લખ્યું છે કે ભારતીય કિસાન યુનિયન જિંદાબાદ. મોદી સરકાર બસ તારીખો પર તારીખ આપી રહી છે. કોઈ નથી કહેતું કે કાળા કાયદા ક્યારે પરત લેવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે મૃતક ખેડૂતનું નામ કર્મવીર સિંહ છે. તેની ઉંમર 52 વર્ષ છે. તે હરિયાણાના જિંદનો છે. બીજી બાજુ, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રવિવારે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસાના આરોપી સુખદેવ સિંહની ધરપકડ કરી લીધી છે. તેની ધરપકડ પર રૂ. 50 હજારનું ઈનામ મૂકવામાં આવ્યું હતું.

NGT ઓફિસ પર પણ દોડશે ટ્રેક્ટરો
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ 10 વર્ષ જૂનાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવા કહ્યું છે અને તેમાં ટ્રેક્ટર પણ સામેલ છે. ટિકૈતે કહ્યું- ખેતરોમાં ચાલતાં ટ્રેક્ટરો હવે દિલ્હીમાં NGTની ઓફિસમાં પણ ચાલશે. અત્યારસુધી તો લોકો એવું નહોતા પૂછતા કે કઈ ગાડી 10 વર્ષ જૂની છે, હવે તેનો શું પ્લાન છે? 10 વર્ષ જૂનાં ટ્રેક્ટરોને બહાર કરો અને કોર્પોરેટ્સની મદદ કરો? પરંતુ હવે 10 વર્ષ જૂનાં ટ્રેક્ટર્સ પણ દોડશે અને આંદોલન વધારે મજબૂત બનશે.

અન્ય સમાચારો પણ છે...