• Gujarati News
  • National
  • Farmers Protest: Kisan Andolan Delhi Burari LIVE Update | Haryana Punjab Farmers Delhi Chalo March Latest News Today 12 December

ખેડૂત બિલના વિરોધનો 17મો દિવસ:ખેડૂત આંદોલનનો 18મો દિવસ, 14 ડિસેમ્બરે અન્નદાતાઓ ભૂખ્યા રહેશે; ગુરુ તેગબહાદુરના શહીદ દિવસથી આમરણ ઉપવાસ કરશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા

કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ શનિવારે પોતાનું આંદોલન તેજ કરી દીધું હતું. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ટોલ પ્લાઝા આંદોલનકારી ખેડૂતોએ ફ્રી કરાવ્યા હતા. ખેડૂતોએ ધરણા કરીને ટોલ વસૂલવા દીધો હતો. અગાઉ શનિવારે પણ ખેડૂતોએ જાહેરાત કરીને પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ટોલ પ્લાઝા પર કબજો કરીને તેને ફ્રી કરી દીધા હતા. ખેડૂત નેતાઓએ જાહેરાત કરી છે કે, 14 ડિસેમ્બરે ખેડૂતો દેશભરમાં જિલ્લા મુખ્યાલયો પર ધરણાં કરશે અને સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી ભૂખ હડતાળ પર રહેશે. હરિયાણાના ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ મંચ પરથી એલાન કર્યું હતું કે,19 ડિસેમ્બરે ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસે ખેડૂતો આમરણ ઉપવાસ પર બેસશે.

ખેડૂતો - અમે વાતચીત માટે તૈયાર, પણ ત્રણ કાયદા પાછા લો
બીજી તરફ, દિલ્હી જયપુર હાઈ વે બંધ કરવાની યોજના એક દિવસ ટાળી દેવાઈ છે. હવે આ હાઈ વે રવિવારે બંધ કરાશે. ખેડૂતો એ જ દિવસે સવારે 11 વાગ્યે રાજસ્થાનની શાહજહાંપુર સરહદથી ‘દિલ્હી ચલો’ માર્ચ શરૂ કરશે. સિંઘુ સરહદથી સંયુક્ત ખેડૂત આંદોલનના નેતા કમલ પ્રીત સિંહ પન્નુએ કહ્યું કે, શાહજહાંપુરથી જયપુર-દિલ્હી રોડ બ્લોક કરવા હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કરશે. ખેડૂત નેતાઓએ કહ્યું કે, સરકાર સાથે વાતચીત માટે અમે તૈયાર છીએ, પરંતુ પહેલા ત્રણેય કાયદા પાછા લેવા મુદ્દે વાત થશે. આ દરમિયાન એનડીએમાં સાથી પત્ર રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ હનુમાન બેનીવાલ કોટપૂતળીમાં ખેડૂતોના ધરણા સ્થળે જશે. તેમણે પણ દિલ્હી સરહદ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે.

ભાસ્કર ઇનસાઇડ: એમએસપી મુદ્દે સરકાર કાયદો લાવી શકે છે, સુધારા હજુ વધારવા વિચારણા
હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ જલદી સમાધાન અંગે કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર અને પીયૂષ ગોયલ સાથે ચર્ચા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથેની મુલાકાતમાં તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે ગ્રાઉન્ડ પર વિરોધ વધી રહ્યો છે અને તેમના પક્ષ પર પણ હરિયાણા સરકારને ટેકો પાછો ખેંચવા ભારે દબાણ છે. રાજ્ય સરકારને સ્થિર રાખવા અને બરાબર ચલાવવા જલદી ઉકેલ લાવવો પડશે. તેમણે રાજનાથને આ મામલે હસ્તક્ષેપની અપીલ કરતા કહ્યું કે ખેડૂતોને સૌથી વધુ ચિંતા એમએસપીની છે. આપણે આ અંગે કાયદો લાવવો જોઇએ.

નવા કાયદામાં સુધારણા કરવા વિચારણા
અમિત શાહ અને કૃષિ મંત્રી તોમરની બેઠકમાં પણ આ અંગે ચર્ચા થઇ. ખેડૂતોને આગામી વાતચીતનો પ્રસ્તાવ મોકલવાનું નક્કી થયું છે. સરકાર ટૂંક સમયમાં પ્રસ્તાવ મોકલશે, જેમાં એમએસપી અંગે કાયદો લાવવાનું આશ્વાસન આપી શકે છે. નવા કાયદાઓમાં બીજા 3-4 સુધારા લાવવા પણ વિચારણા છે. દરમિયાન, કુંડલી બોર્ડર પર પંજાબના ખેડૂત આગેવાનોની બેઠક બપોરે 2 વાગ્યે શરૂ થઇ અને મોડી રાત સુધી ચાલી. બેઠક મોડી સાંજે પૂરી થવાની હતી અને ખેડૂત આગેવાનો ત્યારે પ્રેસ કોન્ફરન્સ યોજવાના હતા પરંતુ ત્યારે જ એક અધિકારીએ ફોન પર ખેડૂત આગેવાનો સાથે સરકારના આગામી પ્રસ્તાવ અંગે ચર્ચા કરી. આગેવાનોએ તે અંગે કહ્યું કે કોઇ લેખિત પ્રસ્તાવ આવશે ત્યારે જ મંત્રણા ફાઇનલ થશે. ત્યાર બાદ ખેડૂતો ટૂંક સમયમાં થનારી આગામી વાતચીતની વ્યૂહરચના ઘડવા લાગતાં તેમની બેઠક લંબાઇ.

અમિત શાહ-તોમર, રાજનાથ-ચૌટાલાની બેઠક
ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શનિવારે બેઠક યોજી હતી. હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવેમંત્રી પીયુષ ગોયલ સાથે મુલાકાત કરી ખેડૂતો મુદ્દે ચર્ચા કરી હતી. તેના પછી તેમણે કહ્યું કે આગામી 28થી 40 કલાકમાં 7માં તબક્કાની મંત્રણા યોજાઈ શકે છે અને 40 કલાકમાં કોઈ સમાધાન નીકળી શકે છે. કૃષિમંત્રી તોમરે સાંજે કૃષિ ભવનમાં અમુક ખેડૂત સંગઠનો સાથે પણ ચર્ચા કરી હતી.

નીતિ અને નિયત બંનેથી ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિક્કીની 93મી વાર્ષિક બેઠકને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધતાં કહ્યું કે ખેડૂતોને જેટલું સમર્થન મળશે, અમે જેટલું રોકાણ કરીશું, એટલાં જ ખેડૂતો અને દેશ મજબૂત થશે. સરકાર નિયત અને નીતિથી ખેડૂતોનું હિત ઈચ્છે છે. વડાપ્રધાને કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં સુધારાથી સૌથી વધુ ફાયદો ખેડૂતોને થવાનો છે. ખેતી અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રો ભલે ફ્રૂડ પ્રોસેસિંગ સેન્ટર હોય, કોલ્ડ ચેઈન હોય, તેમની વચ્ચે દીવાલો હતી. હવે અડચણો હટાવાઈ રહી છે. હવે ખેડૂતોને નવા બજાર અને નવા વિકલ્પ મળશે. જેટલું આપણા દેશમાં ખેતીમાં ખાનગી ક્ષેત્રે રોકાણ કરવાની જરૂર હતી કમનસીબે એટલું થયું નથી. આપણે ત્યાં કોલ્ડ સ્ટૉરેજની સમસ્યા છે. ખાતરની તકલીફ રહે છે. તેની આયાત કરાય છે. તેના માટે મોટા વેપારીઓએ આગળ આવવાની જરૂર છે.

ખેડૂતોએ અંબાલા અને કરનાલમાં ટોલ ફ્રી કર્યો; દિલ્હી-જયપુર હાઈવે આવતીકાલે જામ કરશે
કૃષિ કાજાહેરાત મુજબ ખેડૂતોએ ટોલ પ્લાઝા ફ્રી કરવાની શરૂઆત કરી દીધી છે. અંબાલાના શંભૂ ટોલ પ્લાઝા પર વાહનો ટોલ ચૂકવ્યા વગર પસાર થઈ રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે, સરકાર સાથે વાતચીતના દરવાજા ખૂલ્યા છે, નિમંત્રણ આવશે તો જરૂર વાત કરીશું.ખેડૂતો આજે દિલ્હી-જયપુર હાઈવે પણ જામ કરવાના હતા, પણ આ આવતીકાલ સુધી ટળી ગયું છે. ખેડૂતોના પ્રદર્શનમાં સોશિયલ એક્ટિવિસ્ટ યોગેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

જયપુર દિલ્હી હાઈવે પર ખેડૂતોની ‘દિલ્હી માર્ચ‘ આજે નહીં, આવતીકાલે 13 ડિસેમ્બરે શાહજહાંપુર બોર્ડરથી શરૂ થશે. આજે રાજસ્થાન અને હરિયાણાના ખેડૂત કોટપુતલી અને બહરોડમાં ભેગા થશે

અપડેટ્સ

હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ ખેડૂત આંદોલન વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી છે. ખેડૂતોની વધી રહેલી નારાજગી અને સરકાર સાથે સમજૂતી ન થવાના કારણે હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારને સમર્થન કરનાર જનનાયક જનતા પાર્ટીની ચિંતાઓ વધી રહી છે. જેજેપીએ ખેડૂત મુદ્દા પર હવે ભાજપ પર દબાણ કરવાનું શરૂ કરી દીધું છે. દુષ્યંત ચૌટાલાએ તાજેતરમાં જ ખેડૂત મુદ્દા પર પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં પાર્ટીના ધારાસભ્યો સાથે ખેડૂત આંદોલનની તેમના ક્ષેત્રમાં અસર, રાજ્યોના લોકોનું વલણ વગરે વિશે ફીડબેક લેવામાં આવ્યો.

પંજાબઃ ખેડૂતોએ પંજાબમાં પણ ટોલ પ્લાઝા ફ્રી કરી દીધા છે. જો કે, ત્યાં ખેડૂત પહેલાથી આંદોલન કરી રહ્યાં છે. એટલા માટે ઘણા ટોલ પ્લાઝા પર 1લી ઓક્ટોબરથી જ ફી નથી લેવામાં આવી રહી. પંજાબમાં નેશનલ હાઈવે પર 25 ટોલ છે. ટોલ બંધ થવાથી સરકારને દરરોજ 3 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

દિલ્હીઃ ખેડૂતોના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા પોલીસે બોર્ડર પર ટોલ પ્લાઝા પર સુરક્ષા વધારી દીધી છે. પોલીસનું કહેવું છે કે દિલ્હી-ગુડગાંવ બોર્ડર પર કોઈ પ્રદર્શન નથી થઈ રહ્યું. ટ્રાફિક મૂવમેન્ટ પણ નોર્મલ છે.

ઉત્તરપ્રદેશઃઆગરાના ટોલ પ્લાઝા પર સ્થિતિ સામાન્ય છે. આગરાના એએસપી સત્યજીત ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, 5 મુખ્ય ટોલ પ્લાઝામાંથી કોઈના પણ બંધ થવાની માહિતી નથી.

‘આંદોલનમાં દેશ વિરોધી ઘુસશે તો ઈન્ટેલિજેન્સ તેમને પકડશે’
ખેડૂત આંદોલનમાં દેશ વિરોધી લોકોને ઘુસવાના આરોપો અંગે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ઈન્ટેલિજેન્સે તેમને પકડવા જોઈએ. જો બેન ઓર્ગેનાઈઝેશન્સના લોકો આપણી વચ્ચે ફરી રહ્યાં છે તો તેમને જેલમાં નાંખી દેવા જોઈએ. અમને આવું કોઈ મળ્યું નથી, જો જોવા મળશે તો બહાર કાઢી દઈશું.

દિલ્હી-હરિયાણાના 5 ટોલ પર 3500 પોલીસકર્મી
ખેડૂતોના ટોલ ફ્રી કરવાની ચેતવણીને ધ્યાનમાં રાખતા ફરીદાબાદ પોલીસ દિલ્હી-હરિયાણાના રસ્તામાં આવતા 5 ટોલ પ્લાઝા પર 3500 પોલીસકર્મી તહેનાત કરશે. બદરપુર, ગુરુગ્રામ-ફરીદાબાદ, કુંડલી-ગાઝિયાબાદ-પલવલ, પાલી ક્રશન ઝોન અને ધૌન ટોલ પ્લાઝા પર પ્રદર્શનકારીઓ પર વોચ રાખવામાં આવશે. પોલીસનું કહેવું છે કે દરેકનું સન્માન કરીએ છીએ, પણ કાયદો વ્યવસ્થા બગડશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે.

પંજાબથી 50 હજાર ખેડૂત આજે દિલ્હી પહોંચશે
આંદોલનમાં સામેલ થવા માટે પંજાબના અલગ અલગ જિલ્લાના 50 હજાર ખેડૂત શુક્રવારે દિલ્હી માટે રવાના થયા હતા. તેઓ આજે સાંજ સુધીમાં કુંડલી બોર્ડર પહોંચશે. ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલા આ લોકો અમૃતસર, તરનતારન, ગુરદાસપુર, જલંધર, કપૂરથલા અને મોગા જિલ્લાના છે.

અત્યારસુધીમાં 11 ખેડૂતનાં મોત
શિયાળા અને કોરોના છતાં ખેડૂત 17 દિવસથી દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે. ટીકરી અને સિંધુ બોર્ડર પર એક એક કરીને અત્યારસુધી 11 ખેડૂતનાં મોત થઈ ચૂક્યા છે. તેમનાં મોત પેટ કે છાતીમાં દુખાવાને કારણે થઈ રહ્યાં છે. શિયાળામાં આકાશ નીચે બેઠેલા ખેડૂતો સતત બીમાર પડી રહ્યા છે.

ખેડૂત કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
ખેડૂતોએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે નવા કાયદા તેમને કોર્પોરેટના વિશ્વાસે મૂકી દેશે. આ કાયદા ઉતાવળમાં લેવાયા છે. આ ગેરકાયદે અને મનમાની પ્રમાણેના છે, એટલા માટે એને રદ કરી દેવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...