તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Farmers Protest: Haryana Punjab Farmers Delhi Chalo March Latest News Today 30 December

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોની કેન્દ્ર સાથે વાતચીત:કડવાશ ખતમ, આંદોલન ચાલુ: ખેડૂતોની દિલ્હી કૂચના 35માં દિવસે મડાગાંઠ ઉકેલાવાના સુખદ સંકેત

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • ખેડૂતો માટે લંગરથી જમવાનું આવ્યું, તોમર અને ગોયલે પણ સાથે લંચ કર્યું
  • સરકાર એમએસપી કાયદાની માંગ પર ચર્ચા માટે તૈયાર, પરંતુ આંદોલન ખતમ કરવાની શરતે
  • 5 કલાકની બેઠક બાદ કૃષિ મંત્રીએ કહ્યું- 4 પૈકી 2 મુદ્દે ખેડૂતો સહમત; 4 જાન્યુઆરીના રોજ અન્ય મુદ્દે ઉકેલ મેળવવામાં આવશે

ગુજરાતીમાં કહેવત છે કે "જેમનાં અન્ન ભેગાં એમના મન ભેગાં". દિલ્હી સરહદે 35 દિવસથી ધરણાં કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે સાતમી બેઠકમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. સરકારે ખેડૂતોની બે મહત્ત્વની માંગ માની લીધી છે. હવે બાકીના મુદ્દાને લઈને ચોથી જાન્યુઆરીએ બેઠક થશે. આ બેઠક પછી મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે, તમે માની લો કે, ‘આજે ખેડૂતોની અડધી માંગ સ્વીકારી લેવાઈ છે.’ ત્યાર પછી ખેડૂત નેતાઓએ કહ્યું કે, ‘અમારી ચારમાંથી બે માંગ સ્વીકારી. એટલે અમે 31 ડિસેમ્બરે પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલી રદ કરી રહ્યા છીએ.’

જોકે, સરકારે બેઠકમાં આંદોલન ખતમ કરવાની અપીલ કરી. સરકારે જણાવ્યું છે કે, બાકીના બે મુદ્દાના ઉકેલ માટે સમિતિ બનશે. એ મુદ્દે ખેડૂતોએ કહ્યું કે, ‘ત્રણ કૃષિકાયદા રદ અને એમએસપીને લગતો કાયદો નહીં બને ત્યાં સુધી અમે આંદોલન ખતમ નહીં કરીએ.’ ખેડૂતો સાથે ભોજન લેતી વખતે તોમરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી. બાદમાં ખેડૂતોને કહ્યું કે, જો તેઓ આંદોલન ખતમ કરશે, તો એમએસપી પર કાયદો બનાવવા વિચારશે, પરંતુ ખેડૂતોએ આંદોલન ખતમ કરવાનો ઈનકાર કરી દીધો.

કેન્દ્ર સરકારે ખેડૂતોની 2 માગ સ્વીકારી
1. પરાળ બાળવા મુદ્દે ગુનાઈત કેસ દાખલ નહીં થાય : હાલના નિયમ પ્રમાણે 1 કરોડ રૂપિયા દંડ અને 5 વર્ષ કેદની જોગવાઈ છે. સરકાર જોગવાઈ હટાવવા રાજી થઈ.
2. વીજ એક્ટનો ડ્રાફ્ટ કાયદો નહીં બને : ખેડૂતોને અાશંકા છે કે પ્રસ્તાવિત વીજ કાયદાથી સબસિડી મળતી બંધ થઈ જશે. જોકે સરકાર હવે તે કાયદો નહીં બનાવવા રાજી થઈ.

આ બે માગ મુદ્દે 4 જાન્યુઆરીએ ફરી બેઠક થશે
1. ખેડૂતો ત્રણેય નવા કૃષિ કાયદાને રદ કરવાની માગ પર મક્કમ છે.
2. એમએસપીનો કાયદો બને જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે.

  • ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલે કહ્યું - મંત્રીઓએ અમને કહ્યું છે કે 4 જાન્યુઆરીએ તમને સારો સંદેશ આપીશું. એટલા માટે અમે 31 ડિસેમ્બરની ટ્રેક્ટર રેલી રદ કરી રહ્યાં છીએ.

કૃષિ મંત્રીએ ખાધું ખેડૂતોનું નમક
ખેડૂતોએ 7મી બેઠકમાં પણ સરકારી ભોજન ન લીધું. ગુરદ્વારાથી લંગર આવ્યું. મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલ પણ જાતે જ પીરસવા લાગ્યા. ખેડૂતોએ કહ્યું - સરકારનું આ વલણ પસંદ આવ્યું.

કૃષિમંત્રીએ કહ્યું- સારા માહોલમાં ચર્ચા વિચારણા થઈ
કૃષિ કાયદા અંગે ખેડૂત સંગઠનો તથા કેન્દ્ર સરકાર વચ્ચે બુધવારે વિજ્ઞાન ભવનમાં સાતમા તબક્કાની વાતચીત યોજાઈ છે. આશરે પાંચ કલાક સુધી ચાલેલી બેઠક બાદ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આજની બેઠક અગાઉની માફક સારા માહોલમાં યોજાઈ છે. ખેડૂત નેતાઓએ 4 મુદ્દા ચર્ચા માટે રજૂ કર્યા હતા, જે પૈકી 2 વિષયો પર સરકાર તથા યુનિયનો વચ્ચે પરસ્પર સહમતી થઈ છે. બીજી બાજુ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે બે મુદ્દાને લઈ સહમતિ થઈ છે. હવે અન્ય બે મુદ્દાને લઈ આગામી બેઠકમાં ચર્ચા વિચારણા યોજાશે. અલબત સંપૂર્ણ સમાધાન થયું નથી. અમારું આંદોલન આગળ યથાવત રહેશે.
તોમરે કહ્યું કે ખેડૂતોની માંગમાં પહેલી એન્વાયરમેન્ટ સંબંધિત ઓર્ડિનેન્સમાં ખેડૂત તથા પરાલીને લગતી હતી. તેમણે કહ્યું કે ખેડૂતોને તેમા સામેલ કરવા જોઈએ નહીં. સરકાર અને ખેડૂતો વચ્ચે આ મુદ્દે સહમતિ બની ગઈ છે. બીજો મુદ્દો ઈલેક્ટ્રીસિટી એક્ટ અંગે છે, જે અત્યારે આવ્યો નથી. તેમને લાગે છે કે ખેડૂતોને તેનાથી નુકસાન થશે. ખેડૂતોને સિંચાઈ માટે જે સબસિડી આપવામાં આવે છે તે યથાવત રહેશે. આ બન્ને માંગને લઈ બન્ને પક્ષો સહમત થયા છે.

ખેડૂતોની આ સ્થિતિ અંગે વડાપ્રધાન દુ:ખી છે : રાજનાથ
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ખેડૂત આંદોલન અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો હતો. રાહુલે સરકારને સંવેદનહીન કહી હતી. તેના પર રાજનાથે કહ્યું કે રાહુલ મારાથી નાના છે અને કૃષિ વિશે હું તેમનાથી વધુ જાણું છું. હું ખેડૂત અને વડાપ્રધાન ગરીબ માના ગર્ભથી જન્મ્યો છું. એટલા માટે ખેડૂતો પ્રત્યે અસંવેદનશીલ હોવાનો કોઈ સવાલ જ નથી. ખેડૂત પ્રદર્શન કરી રહ્યાં છે અને હું દુ:ખી નથી પરંતુ પીએમ તેનાથી દુ:ખી છે.

MSPને કાયદાકીય દરજ્જા અંગે કોઈ સહમતિ નહીં
તોમરે કહ્યું કે ખેડૂત યુનિયને ત્રણ કાયદાને પાછા લેવાની વાત કહી. અમે અમારા તર્ક સાથે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો કે ખેડૂતોને તકલીફ શું છે? જ્યાં તકલીફ છે ત્યાં સરકાર ખુલ્લા મનથી વિચાર કરવા માટે તૈયાર છે. MSP ના વિષયમાં પણ સરકાર અગાઉ કહી ચુકી છે કે તે અગાઉથી છે જ અને આગામી સમયમાં તે જળવાઈ રહેશે. અમે 4 તારીખના રોજ બપોરે 2 વાગે ફરી ચર્ચા કરશું અને બાકી વિષયો પર ચર્ચાને આગળ વધારશું.

ખેડૂતો અને સરકારની હવે પછીની બેઠક 4 જાન્યુઆરીએ

હવે 4 જાન્યુઆરીના રોજ કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે ચર્ચા થશે. જોકે, લંચ સમયે વાત ત્યારે બનતી જણાઈ કે જ્યારે ખેડૂતો સાથે મંત્રીઓએ ભોજન લીધું. ખેડૂતો દાળ-રોટલી તો સાથે લાવ્યા હતા પણ આ વખતેે લંચમાં તેમની સાથે કૃષિમંત્રી નરેન્દ્ર તોમર તથા વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ સામેલ થયા હતા.

આ અગાઉ વિજ્ઞાન ભવનમાં 40 ખેડૂત સંગઠનોના નેતાઓની સરકાર સાથે મીટિંગ થઈ. ખેડૂત નેતાઓએ માંગણી કરી હતી કે, આંદોલન દરમિયાન તેમના જે સાથે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને ન્યાય અને વળતર મળવું જોઈએ. મીટિંગમાં સરકાર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલ મંત્રી પીયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ હાજર રહ્યા હતા.

મીટિંગ પહેલાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, નવા કૃષિ કાયદા બન્યા પછી ઉત્તર પ્રદેશમાં પાકની કિંમતમાં 50 ટકાનો ઘટાડો થયો છે. તેની ખરીદ કિંમત ટેકાના ભાવ કરતાં નીચા થઈ રહ્યા છે. અનાજનો ભાવ 800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યો છે. અમે મીટિંગમાં આ મુદ્દો ઉઠાવીશું.

આ દરમિયાન ખેડૂતો માટે લંચ લંગરથી આવ્યું હતું અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલ મંત્રી પિયુષ ગોયલ પણ તેમની સાથે જ લંચમાં જોડાયા હતા.

શાહે 3 મંત્રી સાથે 2 કલાક બેઠક કરીને સ્ટ્રેટેજી બનાવી
સંયુક્ત ખેડૂત મોરચાએ વાતચીત માટે રાજી હોવાનો ઈ-મેલ મંગળવારે સરકારને મોકલ્યો હતો. ત્યાર પછી ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી નરેન્દ્ર તોમર, રેલવેમંત્રી પીયૂષ ગોયલ અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે મીટિંગ કરીને સ્ટ્રેટેજી બનાવી. કૃષિમંત્રીએ શાહને જણાવ્યું, સરકારે ખેડૂતોને કેવા કેવા પ્રપોઝલ મોકલ્યા છે અને ખેડૂતોનો શું એજન્ડા છે. 2 કલાક ચાલેલી બેઠકમાં ચર્ચા થઈ કે બન્ને પક્ષોના એજન્ડામાં જે અંતર છે એને કેવી રીતે ઘટાડી શકાય.

અપડેટ્સ

  • ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ, પંજાબના જોઈન્ટ સેક્રેટરી સુખવિંદર સિંહ સબરાએ કહ્યું હતું કે સરકાર સાથેની ગત વખતની બેઠકનું કોઈ પરિણામ ન આવ્યું, આજે પણ કોઈ નિવેડો આવે તેવી આશા નથી. સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા લઈ લેવા જોઈએ.
  • ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે દેશમાં વિપક્ષનું મજબૂત હોવું જરૂરી છે, જેથી સરકારનો ભય રહે, પણ આવું ન હોવાને કારણે ખેડૂતોએ રસ્તા પર ઊતરવું પડે છે. કૃષિ કાયદાના વિરુદ્ધ વિપક્ષોએ રસ્તા પર પ્રદર્શન કરવા જોઈએ.
  • ખેડૂતોના સમર્થનમાં પંજાબમાં લોકોએ રિલાયન્સ જિયો ટાવર્સને નુકસાન પહોંચાડ્યું છે. તેથી કંપનીએ પંજાબના મુખ્યમંત્રી અને ડીજીપીને ચિઠ્ઠી લખીને દખલ દેવાની માંગણી કરી છે.

છેલ્લી છ બેઠકો નિષ્ફળ રહી

મીટિંગનો દિવસશું થયું?
14 ઓક્ટોબરમીટિંગમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ કૃષિ સચિવ આવ્યા. કિસાન સંગઠને મીટિંગનો બોયકોટ કર્યો. તેઓ કૃષિ મંત્રી સાથે જ વાતચીત કરવા માંગતા હતા.
13 નવેમ્બરકૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલ મંત્રી પીયુષ ગોયલે ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરી. સાત કલાક મીટિંગ ચાલી, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું.
1 ડિસેમ્બર3 કલાક વાતચીત થઈ. સરકારે એક્સપર્ટ કમીટિ બનાવવાનું નક્કી કર્યું, પરંતુ ખેડૂત આંદોલનોએ ત્રણેય કાયદા રદ કરવાની જ માંગણી કરી
3 ડિસેમ્બરસાડા સાત કલાક વાતચીત ચાલી. સરકારે વાયદો કર્યો કે ટેકાના ભાવ સાથે કોઈ ચેડા નહીં થાય. ખેડૂતોનું કહેવું હતું કે, સરકાર ટેકાના ભાવ વિશે ગેરંટી આપવાની સાથે સાથે ત્રણેય કાયદા પણ રદ કરશે.
5 ડિસેમ્બરસરકાર ટેકાના ભાવ વિશે લેખિતમાં ગેરંટી આપવા તૈયાર થઈ, પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ કહી દીધું કે કાયદો રદ કરવા વિશે સરકાર હા અથવા નામાં જવાબ આપે.
8 ડિસેમ્બરભારત બંધના દિવસે ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી. આગલા દિવસે સરકારે પ્રસ્તાવ મોકલ્યો હતો. પરંતુ ખેડૂત સંગઠનોએ તેને રિજેક્ટ કર્યો.

21 દિવસ પછી વાતચીત
ખેડૂત અને સરકાર વચ્ચે પહેલાં યોજાયેલી 6 તબક્કાની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું ન હતું. છેલ્લી મીટિંગ 8 ડિસેમ્બરે યોજાઈ હતી. ત્યાર પછી વાતચીતનો સિલસિલો અટકી ગયો હતો અને ખેડૂતોએ વિરોધ તેજ કરી દીધો હતો. એવામાં સરકારે 3 વખત પત્ર લખીને ખેડૂતોને મીટિંગ કરવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો. છેલ્લે, ખેડૂતો બેઠક માટે માની તો ગયા, પણ કહ્યું, ચર્ચા તેમના એજન્ડા માટે થવી જોઈએ.

કૃષિમંત્રીની અપીલ- ખેડૂત ખુલ્લા અને સ્પષ્ટ મને વાત કરે
છેલ્લે નક્કી થયું કે સરકાર પહેલા પોતાના જૂના પ્રસ્તાવ અંગે સમજાવવાનો પ્રયાસ કરશે અને તેમ છતાં પણ જો કોઈ નિવેડો નહીં આવે તો અન્ય ફેરફારો કરવાનું પ્રપોઝલ રાખશે. બેઠક પછી કૃષિમંત્રીએ કહ્યું કે આશા છે કે વાતચીત પોઝિટિવ રહેશે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે ખુલ્લા અને સ્પષ્ટ મને વાત કરે, જેનાથી કોઈ પરિણામ પર પહોંચી શકાય.

પંજાબના વધુ એક ખેડૂતે અંતિમ શ્વાસ લીધા
ટીકરી બોર્ડર પર ચાલી રહેલા પ્રદર્શનમાં એક મહિનાથી સામેલ થયેલા ધર્મપુરાના ખેડૂત પ્યારા સિંહ(75)નું ઠંડીને કારણે મોત થઈ ગયું છે. તેઓ ભારતીય ખેડૂત યુનિયનના એકતા ડકૌંદા સાથે જોડાયેલા હતા, સાથે જ 24 ડિસેમ્બરે રોડ એક્સિડન્ટમાં ઘાયલ થયેલા દૌદડાના મજૂર દર્શન સિંહનું મંગળવારે મોત થઈ ગયું.

વિરોધની ગજબ પદ્ધતિ- બેક ગેરમાં ટ્રેક્ટર
પંજાબમાં બરનાલાના ગામ ફરવાહીના બે ખેડૂત ટ્રેક્ટરને બેક ગેરમાં નાખીને લગભગ 224 કિમી દૂર સિંધુ બોર્ડર માટે રવાના થયા, જેના દ્વારા તેમણે એ મેસેજ આપ્યો કે કેન્દ્ર સરકાર પણ કૃષિ કાયદા પર બેક ગેર લગાવે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો