દિલ્હીમાં મંગળવારે ખેડૂતોની ટ્રેકટર પરેડમાં થયેલી હિંસા પછી પોલીસ સતત એક્શનમાં છે. ગાઝીપુર બોર્ડર પર દિલ્હી અને યુપીની પોલીસ પહોંચી છે. પોલીસે ગાઝીપુર બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોને આજે જ રસ્તો ખાલી કરી દેવા કહ્યું છે. પોલીસ સૂત્રોના અનુસાર, બોર્ડર ખાલી કરાવવા માટે દિલ્હી અને યુપીની પોલીસ જોઈન્ટ ઓપરેશન કરી શકે છે. આ દરમિયાન દિલ્હી પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવે સિનિયર અધિકારીઓની બેઠક બોલાવી છે.
પોલીસના પહોંચવાની સાથે જ ગાઝીપુર બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની વોટર સપ્લાઈ કાપી નાખવામાં આવ્યો છે. પોલીસે અહીં લગાવેલા પોર્ટેબલ ટોઈલેટ પણ હટાવવાનું શરૂ કરી દીધું છે. યુપી રોડવેઝની સેંકડો બસો અહીં પાર્ક કરી દેવાઈ છે. બીજીતરફ, સિંઘુ બોર્ડર પર પણ ભારે ફોર્સ તહેનાત છે. અહીં પોલીસે નવેસરથી બેરિકેડિંગ કરવાનું શરૂ કર્યુ છે. બીજીતરફ, બાગપતમાં 40 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોને પોલીસે બુધવારે રાતે જ હટાવી દીધા હતા.
ખેડૂત નેતાઓ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી
26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પછીથી દિલ્હી પોલીસ બુધવાર સવારથી જ એક્શનમાં છે. ગુરૂવારે બપોરે લગભગ 12 વાગ્યે પોલીસે ખેડૂત નેતાઓ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી કરી હતી. અર્થાત્ તેઓ મંજૂરી વિના વિદેશ નહીં જઈ શકે, તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે. તેના એક કલાક પછી સમાચાર આવ્યા કે લાલ કિલ્લા પર હિંસા કરનારાઓ પર પોલીસે રાજદ્રોહનો કેસ કર્યો છે. જો કે, એ પુષ્ટી થઈ શકી નથી કે, લુક આઉટ નોટિસ કયા કયા નેતાઓને આપવામાં આવી છે.
20 ખેડૂત નેતાઓ પાસેથી પોલીસે 3 દિવસમાં જવાબ માંગ્યો
દિલ્હી પોલીસ બુધવાર સવારથી જ એક્શનમાં છે. પહેલાં 37 ખેડૂત નેતાઓ પર રેલીની શરતો તોડવાનો આરોપ લગાવીને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પછી મોડી રાતે 20 ખેડૂત નેતાઓ સામે નોટિસ જાહેર કરીને તેમને પુછવામાં આવ્યું છે કે, તેમની સામે કાયદાકીય કાર્યવાહી કેમ ન થવી જોઈએ, તેનો 3 દિવસમાં જવાબ આપવામાં આવે.જે 4 નેતાઓને નોટિસ આપવામાં આવી છે તેમાંથી અત્યાર સુધીમાં 4 નેતાઓના નામ જ સામે આવ્યા છે. આ નેતાઓમાં યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ, બળદેવ સિંહ સિરસા અને બલવીર સિંહ રાજેવાલ સામેલ છે. પોલીસે જે નોટિસ મોકલી છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ગણતંત્ર દિવસે લાલકિલ્લામાં કરવામાં આવેલી તોડ-ફોડ એક દેશદ્રોહી હરકત છે.
ટિકેતને નોટિસ આપવા પોલીસકર્મી ગુરૂવારે બપોરે 12.30 વાગ્યે ગાઝીપુર બોર્ડરે પહોંચ્યા હતા પરંતુ ટિકેત નોટિસ લેવા સામે આવ્યા નહીં તો પોલીસે તેમના ટેન્ટ પર નોટિસ ચિપકાવી દીધી હતી. જગતારસિંહ બાજવાએ પણ મીટિંગમાં હોવાની વાત કરીને નોટિસ લીધી નહીં. એવામાં પોલીસે તેમના ટેન્ટ પર પણ નોટિસ ચિપકાવી દીધી હતી.
ખેડૂતોની વિરુદ્ધ દેખાવો શરૂ થયા
દિલ્હીની સિંઘુ બોર્ડર પર ખેડૂતો 2 મહિનાથી કૃષિ કાયદાઓની વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે પણ પ્રથમવાર તેમને ખુદ વિરોધની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ગુરૂવારે બપોરે કેટલાક લોકો સિંઘુ બોર્ડર પર પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તાર ખાલી કરવાની માગણી સાથે નારેબાજી કરવા લાગ્યા હતા. તેઓ પ્લાકાર્ડ સાથે આવ્યા હતા, જેના પર લખ્યું હતું કે તિરંગાનું અપમાન સહન નહીં કરીએ. આ લોકો લાલ કિલ્લા પર હિંસાની ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા.
ખેડૂતોને આશંકા-સરકાર ઘરે મોકલવાની તૈયારીમાં
દિલ્હી-ઉત્તરપ્રદેશના ગાઝીપુર બોર્ડરની UP ગેટ પોલીસ ચોકી પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તહેનાત છે. આ સાથે જ UP રોડવેઝની સેંકડો બસ પણ ઊભેલી છે. એવામાં ખેડૂતોને આશંકા છે કે સરકાર તેમને ઘરે મોકલી દેવાની તૈયારી કરી રહી છે. પરંતુ, તેઓ કહી રહ્યા છે કે કોઈપણ કિંમત પર તેઓ પરત જશે નહીં.
તો આ તરફ ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે હિંસાની ઘટનાઓ માટે માફી માંગતા કહ્યું કે, ‘ગણતંત્ર દિવસના દિવસે જે બન્યું તે શરમજનક છે. હું ગાઝીપુર બોર્ડરની પાસે હતો. જે ઉપદ્રવી ત્યાંથી ઘુસ્યા તેમાં અમારા લોકો સામેલ ન હતા. તેમ છતા હું માફી માગું છું અને 30 જાન્યુઆરીએ ઉપવાસ કરીને અમે પ્રાયશ્ચિત કરીશું’
હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓને અમિત શાહ મળશે
મંગળવારે થયેલા ઉપદ્રવમાં પોલીસના 300થી વધુ જવાન ઘાયલ થઈ ગયા છે. જેમાંથી ઘણા હાલ પણ હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી અમુક જવાનોના ખબરઅંતર પૂછવા માટે ગૃહમંત્રી અમિત શાહ આજે 2 હોસ્પિટલની મુલાકાત લેશે. તે કઈ કઈ હોસ્પિટલમાં જશે અને કેટલા વાગ્યે જશે, તે હાલ સ્પષ્ટ નથી.
ટિકેતનો ધમકીભર્યો ટોન
26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં હિંસા મુદ્દે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકેત સામે FIR થઈ ચૂકી છે તેમ છતાં તેમનું વર્તન બદલાતુ નથી. ટિકેતે હવે સરકારને ધમકીભર્યા ટોનમાં ચેતવણી આપી છે. કારણકે ગાઝીપુર બોર્ડ પર બુધવારે રાતે 8 વાગે વીજળી કાપવામાં આવી હોવાથી ટિકેત ગુસ્સે થઈ ગયા હતા.
ટિકેતે કહ્યું, સરકાર ડર ફેલાવાનું કામ કરી રહી છે. સરકાર કે પોલીસ પ્રશાસને આવી કોઈ પણ હરકત ન કરવી જોઈએ. હવે જો આ પ્રકારની હરકત કરવામાં આવશે તો બધા બોર્ડર પર જ છે. તેઓ આસપાસના ગામમાં જઈને ત્યાં વાત કરશે, ત્યાં જો કોઈ તકલીફ થશે તો ખેડૂતો ત્યાંના લોકલ પોલીસ સ્ટેશનની મદદ લેશે. સરકાર સારી રીતે ધ્યાન રાખે કે જો કોઈ પણ હરકત ત્યાં થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
બાગપતમાં પોલીસે મોડી રાતે ખેડૂતોને ખસેડ્યા, લાઠીચાર્જની સુચના
મંગળવારે ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પછી બુધવારે સવારે મોજી રાત સુધી દિલ્હીથી લઈને યુપીની પોલીસ એક્શનમાં દેખાઈ. દિલ્હી-સહારનપુર હાઈવે પર યુપીના બાગપત જિલ્લાના બડૌતમાં 40 દિવસથી ધરણાં કરતાં ખેડૂતોને પોલીસે અડધી રાતે ત્યાંથી હટાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યાં લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો અને કિસાન આંદોલન સંભાળતા બ્રજપાલ સિંહની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે હજી આ બંને વાતનો ખુલાસો નથી થયો. બીજી બાજુ પોલીસની કાર્યવાહી પછી ખેડૂતો આગામી સ્ટ્રેટજી બનાવવા માટે આજે પંચાયત કરશે.
દિલ્હી હિંસા પછી આંદોલન વિખેરાયુ
દિલ્હીની સીમાઓ પર 2 મહિનાથી શાંતિપૂર્ણ ચાલતુ આંદોલન મંગળવારે હિંસા પછી વિખેરાતુ જોવા મળી રહ્યું છે. એક તરફ પોલીસ ઉપદ્રવીઓ અને ખેડૂત નેતાઓની ઘેરાબંધી કરવાનો પ્રયત્ન કરી રહી છે, તો બીજી બાજુ ખેડૂત સંગઠનોમાં પડેલી તિરાડ પણ જાહેર થઈ ગઈ છે. બુધવારે સાંજે 4 વાગે રાષ્ટ્રીય મજૂર કિસાન સંગઠન અને ભારતીય કિસાન યુનિયન (ભાનુ)એ અચાનક જાહેરાત કરી દીધી કે તેઓ આંદોલનથી અલગ થઈ રહ્યા છે.
તેના દોઢ કલાક પછી જાણવા મળ્યું કે ભાનુ ગ્રુપના ખેડૂતોએ ચિલ્લા બોર્ડર પરથી તેમના ટેન્ટ હટાવીને ઘરે પરત ફરવાની તૈયારી કરી લીધી છે. આ સિવાય ખેડૂત સંગઠનોએ એક ફેબ્રુઆરીની સાંસદ માર્ચ ટાળવાની જાહેરાત પણ કરી દીધી છે.
લાલકિલ્લા પર ધાર્મિક ઝંડો લહેરાવનારની ઓળખ કરાઈ
ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી બબાલથી વધારે ચર્ચા લાલકિલ્લાની ઘટનાની થઈ રહી છે. કારણકે રેલીમાં સામેલ પ્રદર્શનકારીઓએ પોલીસ રુટ ફોલો ન કરીને લાલકિલ્લા પર પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ખુબજ હોબાળો કર્યો હતો અને કિલ્લાની પ્રાચીર પર ધાર્મિક ઝંડો લગાવ્યો હતો. ઝંડો લગાવનાર યુવકની ઓળખ કરી લેવામાં આવી છે. તે પંજાબના તરનતારનના તારા સિંહ ગામનો રહેવાસી છે. તેનું નામ ગુજરાજ સિંહ છે અને તેની ઉંમર 22 વર્ષની છે. તેના દાદા મહલ સિંહે કહ્યું કે, ગુજરાત 24 જાન્યુઆરીએ દિલ્હી ગયો હતો. તે લાલકિલ્લા પર કેવી રીતે પહોંચ્યો અને કોના કહેવાથી ત્યાં ધ્વજ લહેરાવ્યો તે વિશે તેમને કઈ ખબર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.