તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજધાની દિલ્હી ચારેબાજુથી ઘેરાઈ ચૂકી છે, કારણ કે દિલ્હીને જોડનારા નેશનલ હાઈવે પર હાલમાં ખેડૂતો બેઠા છે. હરિયાણા, પંજાબ, હિમાચલ અને કાશ્મીરથી આવતાં વાહનો થોડા દિવસ પહેલાં હાઈવે પર 24 કલાક ફરતાં જોવા મળતાં હતાં, પરંતુ હવે બોર્ડરથી 20 કિમી મુરથલ સુધી ટ્રેક્ટર-ટ્રોલીની લાઈનો લાગી છે. આમ તો આ વૈકલ્પિક માર્ગ છે, પણ જામ અને અંતર વધવાને કારણે યાત્રાનો સમય વધી રહ્યો છે. કેન્દ્ર સરકાર સાથે પાંચ તબક્કાની બેઠક થયા પછી પણ નવા કૃષિ કાયદાને પાછો ખેંચવાની વાત બની નથી, પરંતુ ખેડૂતો પણ પોતાની માગ પર અડગ છે, આથી 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન અપાયું છે. આ દરમિયાન ખેડૂતોએ એમ્બ્યુલન્સ અને લગ્નનાં વાહનોને છૂટ અપાય છે.
ગુજરાતમાં શું ચાલુ રહેશે અને શું બંધ રહેશે
બીજી બાજુ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું હતું કે બંધ દરમિયાન કાયદો અને શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે એ જરૂરી છે. બંધને કોંગ્રેસ સહિત 24 પક્ષો અને 10 ટ્રેડ યુનિયને ટેકો આપ્યો છે. દેશના સૌથી મોટા બજાર આઝાદપુર સહિત દિલ્હીનાં તમામ બજારો બંધ રહેશે. ટીએમસી ખેડૂતો સાથે છે, પરંતુ બંધને ટેકો આપ્યો નથી. બંધ અમારી નીતિ વિરુદ્ધ છે એવું તૃણમૂલના સાંસદ સૌગતરાયે કહ્યું છે. આ ઉપરાંત કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્થફેર એસોસિયેશન બંધમાં સામેલ નહીં થાય. ભારત કિસાન યુનિયનના પ્રમુખ રાકેશ ટીકાયતે કહ્યું હતું કે તેઓ સામાન્ય લોકો માટે સમસ્યા ઊભી કરવા માગતા નથી, આથી સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી ભારત બંધ અને ચક્કાજામ કરશે. હરિયાણાના કર્મચારી સંગઠનો પર બંધમાં સામેલ થશે. રવિવારે તમામ કર્મચારી સંઘોએ આ જાહેરાત કરી હતી.
અવર્ડ આપવા રાષ્ટ્રપતિભવન જઈ રહેલા 30 ખેલાડીને પોલીસે રોક્યા
ખેડૂતોને ટેકો આપવા અનેક ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડી પોતાનો અવૉર્ડ પરત કરવા રાષ્ટ્રપતિભવન માર્ચ કરીને જઈ રહ્યા હતા. જોકે આ તમામને દિલ્હી પોલીસે રસ્તામાં જ રોકી લીધા હતા.
અખિલેશની લખનઉમાં ધરપકડ
ખેડૂતોને ટેકો આપવા માટે સપા પ્રમુખ અખિલેશ યાદવ પોતાના ટેકેદારો સાથે લખનઉથી કન્નોજ જવા નીકળ્યા હતા પણ પોલીસે તેમને લખનઉમાં જ અટકાવી દીધા હતા. અખિલેશ ધરણાં પર બેસી ગયા હતા. પછી તેમની ધરપકડ કરાઈ હતી.
કેજરીવાલે કહ્યું- કેન્દ્રએ 9 સ્ટેડિયમને જેલ બનાવવા દબાણ કર્યું હતું. કેજરીવાલ ખેડૂતોને મળવા સિંધુ બોર્ડર ગયા હતા. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસે અમારા 9 સ્ટેડિયમને જેલ બનાવવા દબાણ કર્યું હતું. સરકાર ઈચ્છતી હતી કે ખેડૂતો જેવા દિલ્હીમાં આવે કે તેમને જેલમાં નાખી દેવામાં આવે.
કોંગ્રેસના ઢંઢેરામાં એપીએમસી ખતમ કરવાની વાત હતી: પ્રસાદ
કાયદામંત્રી રવીશંકર પ્રસાદે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલન લઈને આજે વિપક્ષનું બેવડું વલણ બહાર આવ્યું છે. આ ખતરનાક છે. કોંગ્રેસના ઢંઢેરામાં એપીએમસી ખતમ કરવાની વાત હતી. શરદ પવારે આ માટે બે મુખ્યમંત્રીઓને પત્ર પણ લખ્યો હતો. આજે વિપક્ષ માત્ર વિરોધ કરવા વિરોધ કરે છે. કેજરીવાલે પહેલા ગેજેટ પાસ કરાવ્યું હવે ખેડૂતોના ટેકામાં ઊભા છે. તેઓ કંઈ કરે તો ખેડૂતોનું કલ્યાણ અને અમે કંઈ કરીએ તો તેઓ રસ્તા પર ઊતરી આવે છે.
14 રાજ્યોમાં 4 કલાક બંધ, ગુજરાતમાં બંધ સમર્થકોને અટકાવવામાં સરકાર વ્યસ્ત
ત્રણ નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માગને લઈને કૃષિ સંગઠનોએ મંગળવારે ભારત બંધનું એલાન કર્યું છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે ભારત બંધ અંતર્ગત સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચક્કાજામ કરવામાં આવશે, કે જેથી સામાન્ય લોકો ઓફિસ જઈ શકે અને તેમને કોઈ મુશ્કેલી ન પડે. 11 વાગ્યાથી મોટા ભાગના લોકો ઓફિસ પહોંચી જાય છે અને 3 વાગ્યાથી રજા મળવાની શરૂ થઈ જાય છે.
ખેડૂતોએ આ ભારત બંધને અત્યાર સુધી 8 રાજ્ય સરકારોનું સમર્થન મળી ગયું છે. જેમાં દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાના, કેરળ અને મહારાષ્ટ્ર સરકાર સામેલ છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીએ ખેડૂતોની માગનું સમર્થન કર્યુ છે, પરંતુ ભારત બંધને સમર્થન નથી આપ્યું.
આ વચ્ચે ખેડૂતો સંગઠનોએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત બંધ દરમિયાન ખેડૂતોના મંચ પર કોઈ પણ પ્રકારની રાજકીય પક્ષના નેતાને જગ્યા નહીં આપવામાં આવે.
ખેડૂત સંગઠનોએ કહ્યું- લોકો પરેશાન નહીં થાય
એર ઈન્ડિયાએ પેસેન્જર્સને આપી છૂટ
એર ઈન્ડિયાએ કહ્યું કે જો કોઈ પેસેન્જર્સ ભારત બંધના કારણે એરપોર્ટ ન પહોંચી શકે તો તેની પાસેથી નો શો ચાર્જ નહીં આપવો પડે. સાથે કન્ફર્મ ટિકિટ હોવાથી કોઈ બીજા દિવસે કોઈ પણ એરપોર્ટથી મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે.
રાજસ્થાનઃ ઈમરજન્સી સેવાઓ યથાવત રહેશે, અનાજ મંડી બંધ રહેશે
ભારત બંધનું રાજસ્થાનમાં વિભિન્ન કિસાન સંગઠનો અને મંડીના વેપારીઓએ સમર્થન કર્યું છે. અહીં પેટ્રોલ પંપ, હોસ્પિટલ, મેડિકલ શોપ્સ સહિત અન્ય જરૂરી સેવાઓ છોડીને બાકી બધું જ બંધ રહેશે. તો રાજસ્થાનમાં ખાદ્ય પદાર્થ વેપાર સંઘે પણ બંધનું સમર્થન કરતા પ્રદેશના તમામ 247 અનાજ મંડીઓને બંધ રાખવાનું આહ્વાન કર્યું છે. રાજસ્થાનમાં NDAના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલે ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હી કૂચની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓએ જણાવ્યું કે 12 ડિસેમ્બરે અમે બધા કોટપૂતલીમાં મળીશું. દેશના અન્નદાતાના સમર્થનમાં દિલ્હી કૂચ કરીશું.
મધ્યપ્રદેશઃ કોંગ્રેસે બંધને પ્રભાવી બનાવવાના નિર્દેશ આપ્યા
મધ્યપ્રદેશમાં 8 ડિસેમ્બરના ભારત બંધના એલાનને કોંગ્રેસે સમર્થન આપ્યું છે. પ્રદેશ કોંગ્રેસ કાયદેસરનો એક પત્ર જાહેર કરી તમામ જિલ્લા કમિટીઓને તેને પ્રભાવી બનાવવાના નિર્દેશ આપ્યા છે. તો રાજ્ય સરકારની ઈચ્છા છે કે ભારત બંધના દિવસે ભોપાલ સહિત પ્રદેશના તમામ 255 મંડીઓ ચાલુ રહે. જો કે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે આહ્વાન કર્યુ છે કે અને આ મધ્યપ્રદેશમાં બંધને લઈને પહેલું સમર્થન છે.
પંજાબઃ પેટ્રોલ પંપ પણ સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી બંધ રહેશે
ખેડૂતોના મંગળવારના બંધને પંજાબમાંથી સારૂ સમર્થન મળી રહ્યું છે. અહીં પેટ્રોલ પંપ પણ સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. પંજાબ પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના વડા પરમજીત સિંહ તેની જાહેરાત કરી છે. જો કે ઈમરજન્સી સેવાઓ તેમજ તેની સાથે સંલગ્ન ગાડીઓને પંપ પરથી ઈંધણ મળશે. નાના દુકાનદાર પણ બંધના સમર્થનમાં આગળ આવ્યા છે. પંજાબમાં 3470 પેટ્રોલ પંપ છે, જેમાંથી 4 લાખ લીટરથી વધુ ઈંધણનું વેચાણ દરરોજ થાય છે.
ઝારખંડઃ બંધને જોતા પરીક્ષાઓ મોકૂફ, તમામ પક્ષોએ આપ્યું સમર્થન
ઝારખંડમાં ભાજપને છોડીને લગભગ તમામ રાજકીય પક્ષોએ ભારત બંધને પોતાનું સમર્થન આપ્યું છે. રાજ્યના CM હેમંત સોરેને સોશિયલ મીડિયામાં લખ્યું છે કે દેશની આન-બાન-શાન છે આપણાં મહેનતુ ખેડૂતો. કેન્દ્ર સરકાર દેશના માલિકને મજૂર બનાવવાનું ષડયંત્ર કરી રહી છે.
તો સીટૂના મહાસચિવ પ્રકાશ વિપ્લવે જણાવ્યું કે ભારત બંધ દરમિયાન ઈમરજન્સીને છોડીને તમામ સેવાઓ બંધ રહેશે. ટ્રેનને પણ રોકવામાં આવશે. બસ અને ટ્રક એસોસિએશને એક દિવસ માટે બંધનું આહ્વાન કર્યું છે. ભારત બંધના આહ્વાનને જોતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી યુનિવર્સિટીએ પોતાની પરીક્ષા સ્થગિત કરી દીધી છે. 8 ડિસેમ્બરે અહીં બે સિટિંગમાં સ્નાતક અને સ્નાતકોત્તરની પરીક્ષાઓ થવાની હતી.
મહારાષ્ટ્રઃ સંવેદનશીલ માર્ગો પર બસ નહીં ચાલે
ખેડૂતોના દેશવ્યાપી બંધને મહાવિકાસ અઘાડીમાં સામેલ ત્રણેય પક્ષ શિવસેના, કોંગ્રેસ અને NCPએ સમર્થન આપ્યું છે. સમાજસેવક અન્ના હઝારે મંગળવારે ખેડૂતોના સમર્થનમાં પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં એક દિવસનું અનશન કરશે. બંધને જોતા સંવેદનશીલ માર્ગો પર સ્ટેટ ટ્રાંસપોર્ટની બસ નહીં ચલાવવાનો નિર્ણય કરાયો છે.
બંધ દરમિયાન રાજ્યમાં મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાન ખુલ્લી રહેશે. દૂધ ઉત્પાદક સંઘે સંપૂર્ણ રાજ્યમાં મિલ્કની સપ્લાઈ રોકવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ફળ અને શાકભાજીની સપ્લાઈ પણ નહીં થાય. રાજ્યમાં તમામ રેસ્ટોરાં સવારે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી બંધ રહેશે. રાજ્યમાં ફરીથી ખુલી ગયેલા મોલને લઈને કોઈ પણ નિર્ણય હજુ સુધી લેવાયો નથી. રાજ્યના નાસિક, પુણે,અહમદનગર અને કોલ્હાપુરમાં બજારો બંધ રહેશે.
હરિયાણાઃ રાજ્યના 3400 પેટ્રોલ પંપ બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે
હરિયાણા પેટ્રોલિયમ ડીલર વેલફેર એસોસિએશનના પ્રમુખ સંજીવ ચૌધરીએ કહ્યું કે ખેડૂતોના સમર્થનમાં પ્રદેશના 3400થી વધુ પેટ્રોલ પંપ સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે. શાકભાજી માર્કેટ પણ બંધ રહેશે. રોડવેઝ નિગમના અધિકારીઓએ યાત્રી મળશે તો બસોનું સંચાલન કરશે તેવો દાવો કર્યો છે. મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. બજારો ખુલવા કે બંધ રહેવા પર વેપારીઓ એકમત નથી.
ઉત્તર પ્રદેશઃ વ્યાપારી સંગઠોએ બંધના સમર્થનની જાહેરાત કરી નથી
ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં ખેડૂત સંગઠનોએ ભારત બંધની આંશિક અસર જોવા મળી શકે છે. રાજધાની લખનઉમાં ખેડૂત સંગઠનોના હોદ્દેદારો વિવિધ જગ્યા પર પ્રદર્શન કરશે. સમાજવાદી પાર્ટીએ પણ ખેડૂતોને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જોકે, રાજ્યમાં કોઈ પણ વ્યાપારી સંગઠને ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરી નથી. શહેરમાં તમામ માર્કેટ, ટ્રાન્સપોર્ટના તમામ સંશાધન ખુલ્લા રહેશે.
છત્તીસગઢઃ રાયપુરમાં ધારાસભ્ય બંધનું નેતૃત્વ કરશે
છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોના બંધને સમર્થન આવ્યુ છે. મંગળવારે રાયપુર સહિત છત્તીસગઢના તમામ જીલ્લા પર બંધની અસર જોવા મળી શકે છે. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં બંધનું નૈતૃત્વ કોંગ્રેસના ધારાસભ્ય વિકાસ ઉપાધ્યાયને સોંપવા આવ્યું છે. સોમવારે એક બેઠકમાં તમામ વ્યાપારીઓથી ધારાસભ્યોએ બંધનું સમર્થન કરવાની અપીલ કરી છે. સતત વ્યાપારીઓ સાથે મુલાકાત કરવામાં આવી રહી છે.
આ રાજ્યોની સરકારોએ ભારત બંધનું સમર્થન કર્યું નહીં
આ પક્ષો ખેડૂતો અને ભારત બંધના સમર્થનમાં
શિવસેના, કોંગ્રેસ, DMK, કમલ હસનની MNM, RJD, BSP, સમાજવાદી પાર્ટી, NCP, આમ આદમી પાર્ટી, ગુપકાર અલાયન્સ, લેફ્ટ, TRS, DMK, MDMK, NC, PDP સહિત અન્ય તમામ વિપક્ષી પાર્ટીઓએ ખેડૂતો તથા ભારત બંધને સપોર્ટ કર્યો છે.
5 તબક્કાની બેઠક નિષ્ફળ નીવડી, હવે 9 ડિસેમ્બરના રોજ વાતચીત થશે
કૃષિ કાયદા અંગે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે 5 તબક્કાની બેઠક યોજાઈ ચૂકી છે. આ બેઠકમાં અત્યાર સુધી કોઈ જ પરિણામ આવ્યા નથી. ખેડૂતો સમગ્ર કાયદાનો અંત લાવવાની માંગ કરે છે, જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને આ કાયદામાં સુધારા માટે વાત કરી રહી છે. હવે 9 ડિસેમ્બરની સવારે 11 વાગે ફરી ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે છઠ્ઠા તબક્કાની બેઠક યોજાશે. આ અગાઉ કેન્દ્ર સરકાર તરફથી ખેડૂત નેતાઓને પ્રસ્તાવ મોકલવામાં આવશે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.