• Gujarati News
  • National
  • Farmers' Delhi Chalo Movement; CRPF Police Battalion Deployed On Delhi Haryana Border, Metro Closed Until 2 Pm

ખેડૂત આંદોલન LIVE:ખેડૂતોને દિલ્હી આવતા રોકવા પોલીસે રસ્તા ખોદ્યા, પથ્થરોથી અવરોધ ઊભા કર્યા, ખેડૂતો પર તીવ્ર પાણીનો મારો, બોલ્ડર, ટિયરગેસ પણ છોડ્યો

2 વર્ષ પહેલા
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું- કૃષિ કાયદા વિરૂદ્ધ શુક્રવારથી અનિશ્ચિતકાળ માટે યુપીમાં દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે. - Divya Bhaskar
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું- કૃષિ કાયદા વિરૂદ્ધ શુક્રવારથી અનિશ્ચિતકાળ માટે યુપીમાં દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે.

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો કૃષિ સાથે જોડાયેલાં 3 કાયદા વિરૂદ્ધ રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોએ દિલ્હી ચલો આંદોલન શરૂ કર્યું છે. ગુરૂવારે પંજાબ-હરિયાણા બોર્ડર પર પણ હિંસક પ્રદર્શનો થયા. આ વચ્ચે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તાએ મુઝફ્ફરનગરમાં મોટી જાહેરાત કરી છે. ટિકેતે કહ્યું કે- કૃષિ કાયદા વિરૂદ્ધ શુક્રવારથી અનિશ્ચિતકાળ માટે યુપીમાં દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે. તો આ આંદોલનને વિપક્ષી દળ એક અવસર તરીકે જોઈ રહ્યાં છે. શક્યતા છે કે ખેડૂતોની સાથે રાજકીય પક્ષો પણ ઉતરી શકે છે.

પોલીસેના વૉટર કેનન, ચક્કાજામ કરવા માટે લગાવાયેલા બોલ્ડર અને ટીયરગેસના સેલ છોડ્યા હતા
પોલીસેના વૉટર કેનન, ચક્કાજામ કરવા માટે લગાવાયેલા બોલ્ડર અને ટીયરગેસના સેલ છોડ્યા હતા

કૃષિકાયદાના વિરોધમાં દિલ્હી કૂચ પર અડગ ખેડૂતો પોતાના વલણ પર કાયમ છે. તેમને પોલીસના વૉટર કેનન, ચક્કાજામ કરવા માટે લગાવાયેલા બોલ્ડર અને ટીયરગેસના સેલ પણ રોકી ના શક્યા. જોકે આંદોલને ગુરુવારે હિંસક સ્વરૂપ ધારણ કર્યુ. અંબાલા, સિરસા, ટોહાના, કુરુક્ષેત્ર અને કેથલના માર્ગોથી પંજાબના ખેડૂતોની કૂચ હરિયાણામાં પ્રવેશી ગઈ. આ દરમિયાન જિંદ, અંબાલા અને કરનાલમાં પથ્થરમારાની ઘટના પણ બની. અંબાલામાં પોલીસે ટીયરગેસનો મારો ચલાવી, હળવો લાઠીચાર્જ પણ કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને આંદોલન ખતમ કરવાની અપીલ કરતા કહ્યું કે 3 ડિસેમ્બરે તેમની સાથે વાતચીત કરવામાં આવશે. દિલ્હીથી જમ્મુ જનારા હાઈવેને કરનાલ નજીક બંધ કરાયો હતો અને રોડ ડાઈવર્ટ કરી વાહનોને કાઢવામાં આવ્યાં હતાં. ખેડૂતોને રોકવા પોલીસે દિલ્હી સરહદે ટ્રકને આડા-અવળા ઊભા કરી દીધા હતા. હરિયાણામાં અનેક ખેડૂત નેતાઓની ધરપકડ કરાઈ હતી. દિલ્હી સરહદે લાંબો ચક્કાજામ થઈ ગયો છે. હરિયાણામાં કલમ 144 લાગુ કરાઈ છે. ડ્રોનથી પણ નજર રખાઈ રહી છે.

કાલથી પ્રદેશ કિસાન હાઈવે પર હશે
રાકેશે કહ્યું કે આ વખતે હરિયાણા અને પંજાબના ખેડૂતો આગળ વધી રહ્યાં છે અને દિલ્હી પોલીસ તેમની સાથે અત્યાચાર કરી રહી છે. ખેડૂતો પર પાણી છોડવામાં આવે છે. દિલ્હી સરકાર બળ પ્રયોગ કરી રહી છે. હરિયાણા સરકાર પણ ખેડૂતોને રોકીને તેમના પર અત્યાચાર કરી રહી છે. દિલ્હી જવા દેવાથી ખેડૂતોને રોકવામાં આવી રહ્યાં છે. આ આંદોલનથી સમગ્ર દેશના ખેડૂતો જાગી ગયા છે. અને આ વખતે એક મોટું આંદોલન થશે, જે ખેડૂતોના હિતમાં હશે. કાલથી યુપીના ખેડૂત પણ રસ્તા પર હશે અને તેને ફરીથી આ કાયદા વિરૂદ્ધ અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ એક મોટું આંદોલન કરશે. અમે લોકો કાલે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર નવલા કોઠી પર એકત્રિત થઈશું અને સરકાર વિરૂદ્ધ આંદોલન કરીશું.

ખેડૂતોના આંદોલનનું કારણ શું છે?
મોદી સરકાર સંસદના ગત સત્રમાં કૃષિ સંબંધિત 3 કાયદા લાવી હતી. તે છે ખેડૂત ઉપજ વેપાર અને વાણિજ્ય(સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020, ખેડૂત(સશક્તીકરણ તથા સંરક્ષણ) કિંમત આશ્વાસન- કૃષિ સેવા અંગે કરાર બિલ 2020 અને જરૂરી વસ્તુ(સુધારા) બિલ 2020. તે સંસદમાં પસાર થઈ કાયદા બની ગયા છે. જાણો શું છે ખેડૂતોની આશંકાનું કારણ...

ખેડૂત ઉપજ વેપાર અને વાણિજ્ય(સંવર્ધન અને સરળીકરણ) બિલ
ખેડૂતોને આશંકા: એમએસપી સિસ્ટમનું મહત્ત્વ નહીં રહે. ખેડૂતો મંડીની બહાર ઉપજ વેચશે તો મંડીઓ ખતમ થઈ જશે. ઈ-નામ જેવા પોર્ટલનું શું?

ખેડૂત(સશક્તિકરણ તથા સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા કરાર બિલ
ખેડૂતોને આશંકા:
કોન્ટ્રાક્ટ કરવાથી ખેડૂતોનો પક્ષ નબળો થશે. તે કિંમત નક્કી નહીં કરી શકે. નાના ખેડૂત કેવી રીતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરશે? વિવાદની સ્થિતિમાં મોટી કંપનીઓને લાભ થશે.

જરૂરી વસ્તુ(સુધારા) બિલ
ખેડૂતોને આશંકા:
મોટી કંપનીઓ જરૂરી વસ્તુઓનો સ્ટૉરેજ કરશે. તેનાથી કાળાંબજાર વધશે પણ સરકાર એવું માનતી નથી.

LIVE અપડેટ્સ..
અંબાલા પાસે શંભૂ બોર્ડર પર દેખાવકારી ખેડૂતોને અટકાવવા માટે પોલીસે વોટર કેનન ચલાવ્યું, પછી ટીઅર ગેસના સેલ છોડ્યા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે, કેન્દ્ર સરકારના ત્રણ ખેતી બિલ ખેડૂતો વિરોધી છે. આ બિલા પાછું લેવાની જગ્યાએ ખેડૂતોને શાંતિપૂર્ણ દેખાવ કરવાથી અટકાવવામાં આવી રહ્યાં છે, તેમની પર વોટર કેનન ચલાવવામાં આવી રહી છે. ખેડૂતો પર આ અપરાધ એકદમ ખોટો છે. શાંતિપૂર્વ દેખાવ તેમનો બંધારણીય અધિકાર છે.

ખેડૂતોના સમર્થનમાં પ્રિયંકા

ખેડૂતોએ શંભુ તથા સદ્દોપુર બોર્ડર પરના બેરિકેડ્સ ઘગ્ગર નદીમાં ફેંક્યા
ગુરુવારે બપોરે આશરે 12 વાગ્યે પંજાબના 3થી 4 હજાર ખેડૂત હરિયાણામાં જીટી રોડ પર શંભુ અને ચંદીગઢ હાઈવે પર સદ્દોપુર બોર્ડર ક્રોસ કરી ગયા. પોલીસે ટીયરગેસ તથા વૉટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો તો દેખાવકારોએ અવરોધ બનેલી ગાડીઓના કાચ તોડી નાખ્યા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. સાંકળથી બાંધેલા 15 બેરિકેડ્સ ઉઠાવી ઘગ્ગર નદીમાં ફેંકી દીધા. તે પછી પોલીસે તેમને રોકવા પ્રયાસ ન કર્યો અને ધીમે ધીમે ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીઓ તથા અન્ય ગાડીઓથી પોલીસની સામે હરિયાણામાં પ્રવેશ કરી ગયા.

બળપ્રયોગ કરી ખટ્ટર સરકાર કેમ ઉશ્કેરી રહી છે
2 મહિનાથી ખેડૂતો સમસ્યા વિના શાંતિપૂર્ણ રીતે પંજાબમાં દેખાવ કરી રહ્યા છે. હરિયાણા સરકાર બળનો સહારો લઈ તેમને ઉશ્કેરી કેમ રહી છે? - કેપ્ટન અમરિન્દર સિંહ, મુખ્યમંત્રી પંજાબ

ત્રણ દિવસથી પ્રયાસ કરું છું, તમે મળતા નથી
હું તમને(કેપ્ટન અમરિન્દર) ત્રણ દિવસથી મળવા પ્રયાસ કરી રહ્યો છું, પણ તમારો સંપર્ક થઇ રહ્યો નથી. ખેડૂતોને ઉશ્કેરશો નહીં. - મનોહરલાલ ખટ્ટર, મુખ્યમંત્રી હરિયાણા

શાંતિપૂર્ણ દેખાવો ખેડૂતોનો અધિકાર
ત્રણેય કાયદા ખેડૂત વિરોધી છે. તેને પાછા ખેંચવાની જગ્યાએ તેમના પર વૉટર કેનન ચલાવાઈ રહ્યાં છે. શાંતિપૂર્ણ દેખાવો તેમનો બંધારણીય અધિકાર છે. - અરવિંદ કેજરીવાલ, મુખ્યમંત્રી, દિલ્હી

મેધા પાટકરને આગરામાં અટકાવ્યા
ખેડૂત બિલના વિરોધમાં દિલ્હી જઈ રહેલી એક્ટિવિસ્ટ મેધા પાટકરને બુધવારે રાતે આગરાની સૈયાં સરહદ પર અટકાવી દેવાયા છે. તેમની સાથે લગભગ 200 ખેડૂતો પણ છે. મેધાએ ગુરુવારે દિલ્હી જવાની અપીલ કરી હતી, પણ પોલીસે તેમને જવા ન દીધા. ખેડૂત નેતાઓ સાથે મેધાએ ઘરણા કર્યાં. આનાથી 6 કિમી લાંબો જામ થઈ ગયો.

દિલ્હી-હરિયાણા સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી-ફરિદાબાદ બોર્ડર પર પોલીસ ફોર્સ ઉપરાંત CRPFની 3 બટાલિયન તહેનાત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આવતા-જતા દરેક વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. હોમગાર્ડના જવાનો પણ તહેનાત છે. સીનિયર ઓફિસર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. અમે દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. ખેડૂત રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRમાં મેટ્રો બપોરે 2 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે.

આંદોલન પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે
આંદોલન પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે

1 લાખ ખેડૂતો ભેગા થવાની શક્યતા
કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબના હજારો ખેડૂતોએ હરિયાણા સીમામાં પ્રવેશ કર્યો છે. હરિયાણા સરકારે પંજાબ બોર્ડર સીલ કરી દીધી છે. ખેડૂત સંગઠનનો દાવો છે કે, ગુરુવારે અહીં સીમા પર 1 લાખથી વધારે ખેડૂતો ભેગા થશે. બીજી બાજુ બુધવારે ચંદીગઢ-દિલ્હી હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અંબાલા હાઈવે પર ભેગા થયેલા ખેડૂતોને વેર વિખેર કરવા માટે સેનાએ તેમના પર પાણીનો મારો કર્યો હતો. પરિણામે ગુસ્સે થયેલા ખેડૂતોએ બેરિકેડ્સ તોડી દીધા હતા. અહીં તાત્કાલીક કલમ 144 લગાવી દેવામાં આવી અને 100થી વધારે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી.

ખેડૂતોએ કહ્યું- રોકશો તો દિલ્હી જતા રસ્તા જામ કરી દેશુ
હરિયાણા સરકારે એક મોટો નિર્ણય લેતા કહ્યું કે, ખેડૂત આંદોલન ચાલુ રહેશે તો રાજ્યની રોડવેઝની કોઈ બસ પંજાબ નહીં જાય. તે ઉપરાંત દરેક ડેપોને 5-5 વધારાની બસો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અંબાલાના મોહડામાં ભાકિયૂના પ્રદેશ અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢૂનીના નેતૃત્વમાં રાજ્યમાં ઘણાં જિલ્લાના ખેડૂતો ભેગા થયા છે. તેમણે આગળ વધવાનો પ્રયત્ન કરતાં પોલીસે તેમને રોક્યા હતા.

આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ખેડૂતોએ બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. ત્યારે હરિયાણા પોલીસે ખેડૂતોને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. જ્યારે બીજી બાજુ દિલ્હી પોલીસ કહી ચૂકી છે કે, જો કોરોના દરમિયાન ખેડૂતો દિલ્હી આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તે વિશે ખેડૂતોએ કહ્યું છે કે, તેમને રોકવામાં આવશે તો તેઓ દિલ્હી જતો રસ્તો રોકી લેશે.