મોટા ઉદ્યોગગૃહો વ્યવસાયની પ્રગતિ માટે ‘એમ-2’ વ્યૂહરચનાઓ લાગુ કરે છે. મેનેજમેન્ટની આ વ્યૂહરચનાઓમાંથી જ બોધપાઠ લઆને સિંધુ બોર્ડર પર ધરણાં પર બેઠેલા ખેડૂતોએ પણ તેમની ‘એમ-2’ વ્યૂહરચના ઘડી કાઢી છે. તેમના માટે ‘એમ-2’નો અર્થ છે મિકેનાઇઝેશન અને મોટિવેશન, જેનાથી તેમના દેખાવોને લાંબી ઉંમર મળે છે. દેખાવોના કેન્દ્રબિંદુમાં મશીનોનો ઉપયોગ રસોઇ, હેલ્થ, સેનિટેશનનું મેનેજમેન્ટ અને વીજળી માટે કરાઈ રહ્યો છે.
ભોજન: અત્યારસુધીમાં ભોજન, ખાસ કરીને રોટલી વોલન્ટિયર્સ જાતે બનાવતા હતા, પણ 2 દિવસથી અહીં રોટલી બનાવવાના ઢગલાબંધ મશીનો આવી ગયાં છે. કોરો લોટ મશીનમાં ભરી દો એટલે મશીનમાંથી તૈયાર રોટલી નીકળે છે. આ મશીનોની ક્ષમતા 1 કલાકમાં ઓછામાં ઓછી 6 હજાર રોટલી તૈયાર કરવાની છે. મશીનો આખો દિવસ ચાલુ રહે છે.
સ્વાસ્થ્ય-સ્વચ્છતા: ધરણાં પર બેઠેલી મહિલાઓને માસિકધર્મ દરમિયાન તકલીફ ન પડે એ માટે તેમને બ્રાન્ડેડ સેનિટરી નેપ્કિન અપાઇ રહ્યાં છે. સંખ્યાબંધ સ્વયંસેવકો પીઠ પર મચ્છર મારવાનું ફોગિંગ મશીન લઇને એનએચ-44 પર દર 300થી 500 મી.ના અંતરે હાજર છે. સવારે સોનીપત જિલ્લાના નગર નિગમના સફાઇકર્મચારીઓ સાથે વોલન્ટિયર્સની ટીમો રસ્તા પર કચરો વાળે છે. હાઇવે પર વિવિધ સ્થળે વોશિંગ મશીન પણ રખાયાં છે, જેમાં થોડા કલાકોમાં જ દેખાવકારોનાં કપડાં ધોઇને ઇસ્ત્રી પણ કરી આપવા માટે વોલન્ટિયર્સ તહેનાત છે.
વીજપુરવઠો: ટ્યૂબ વોટરપંપનું સંચાલન કરતી મોબાઇલ સોલર વેનને મોબાઇલ ચાર્જિંગ માટે અને બેટરી બેંક તરીકે ફેરવી દેવાઈ છે. તે હાઇવે પર ઠેર-ઠેર સવારથી સાંજ સુધી તહેનાત છે. લંગરો, રસોઇ બનાવવાનાં સ્થળો તથા અન્ય સ્થળોએ રાત્રે લાઇટિંગ માટે બેટરીઓનો ઉપયોગ કરાય છે, જે ટ્રેક્ટરો દ્વારા રિચાર્જ કરવામાં આવે છે. મેનેજમેન્ટના સિદ્ધાંતો લાગુ કરવાથી દેખાવકારોને પાયાની સુવિધાઓ મળી રહે એ સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે, જેથી તેઓ અચોક્કસ મુદત સુધી આંદોલન ચાલુ રાખી શકે. વર્તમાન સ્થિતિમાં આ વાત તર્કસંગત લાગે છે, પણ પર્યાપ્ત મોટિવેશન વિના આ કામ ન થઇ શકે અને ખેડૂતો આ વાત કોઇપણ મેનેજમેન્ટ ગુરુથી વધુ સારી રીતે જાણે છે.
સાંભળીને પ્રેરણા: યુવાનો ટ્રેક્ટરો પર લાગેલા ડીજે પર ‘હલ છડ કે પાલેયા જે અસીં હથ હથિયારાં નૂ...’ (જો ખેડૂતે હળ છોડીને હથિયાર ઉઠાવી લીધાં...) કે ‘ફસલાં દે ફૈસલે કિસાન કરુગા’ (ખેતીના નિર્ણયો ખેડૂત કરશે) જેવાં પ્રેરક ગીતો સાંભળે છે ત્યારે યુવા દેખાવકારોની બૉડી લેંગ્વેજમાં અચાનક ફેરફાર જોઇ શકાય છે. આવા સેંકડો ગીત યુવાનોને પ્રેરણા આપવા માટે સંભળાવાય છે.
જોઇને પ્રેરણા: સારી ક્વોલિટીના કાગળ પર છપાયેલી ભગત સિંહ, લાલ સિંહ દિલ, સુરજિત પટાર જેવા ક્રાંતિકારી નેતાઓની તસવીરો વહેંચાય છે. લોકોએ ટી-શર્ટ પર તસવીરો છપાવી રાખી છે. તેમની તસવીરોવાળી પત્તાંની કેટ પણ વહેંચાઇ રહી છે. હાઇવેની એક તરફ દીવાલો પર પણ યુવાનો પ્રેરક પેઇન્ટિંગ્સ બનાવી રહ્યા છે. રોજ સાંજે ઐતિહાસિક ફિલ્મો બતાવાય છે.
ભૌતિક પ્રેરણા: સૂર્યોદય થતાં જ 10મા ગુરુ ગોવિંદ સિંહની પ્રિય નિહંગ સેનાના સૈનિકો ઊંચા ઘોડા પર સવાર થઇને એનએચ-44 પર કૂચ કરે છે ત્યારે યુવાનોમાં પ્રેરણાની લહેર દોડી જાય છે અને તેઓ રજાઇમાંથી બહાર આવીને બેઠા થઇ જાય છે. બપોરે 3 વાગ્યે તે જ જૂથ પરંપરાગત હથિયારો સાથે શીખ માર્શલ આર્ટ ‘ગતકા’ના કરતબો રજૂ કરે છે, જે જોવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે અને યુવાનો પોતાને જોશથી ભરેલા અનુભવે છે. આંદોલન દરમિયાન તેવાં હથિયારોથી લડાયેલાં યુદ્ધના કિસ્સાઓની કોમેન્ટરી પણ થતી રહે છે.
આ ઉપાયો થકી જ હરિયાણાના 75 વર્ષીય સુક્ખા સિંહ જેવા ખેડૂતો અઠવાડિયાઓથી ધરણાં પર અડગ છે. સુક્ખા સિંહ કહે છે, ‘યે ફસલોં કો નહીં, નસ્લોં કો બચાને કી લડાઇ હૈ.’
(અહેવાલ: મનીષા ભલ્લા અને રાહુલ કોટિયાલના એડિશનલ ઇનપુટ સાથે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.