તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કૃષિ કાયદાઓ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા થઈ. સરકારની ઝાટકણી કાઢતાં ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું હતું કે સરકાર આ મામલો હેન્ડલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. તેમણે એવો પણ સવાલ કર્યો કે કૃષિ કાયદાઓ પર થોડા સમય માટે પ્રતિબંધ લગાવવામાં સરકાર શા માટે અચકાય છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે હજુ પણ જો સરકાર કાયદાઓ પર પ્રતિબંધ ન મૂકે તો અમે એવું કરીશું.
કોર્ટે કમિટીની રચનાનું સૂચન આપ્યું
સુનાવણીમાં કોર્ટે એવું પણ સૂચન આપ્યું કે હાલમાં એક કમિટીની રચના કરી શકાય, જે આ કાયદાઓની સમીક્ષા કરે અને કમિટીનો રિપોર્ટ આવે ત્યાં સુધી કાયદાઓને લાગુ ન કરવામાં આવે. જો કે સરકારની પેરવી કરી રહેલા વકીલોએ આ કાયદાઓ પર કોઈપણ પ્રકારના પ્રતિબંધ લગાવવાનો વિરોધ કર્યો. તેમનો તર્ક હતો કે જુલાઈમાં લાગુ થયેલા આ કાયદાઓને કારણે અનેક ખેડૂતો અગાઉથી જ કોન્ટ્રેક્ટ પર ખેતી કરી રહ્યા છે. એવામાં કાયદાઓ પર પ્રતિબંધ લગાવવાનું નુકસાન એ ખેડૂતોએ ભોગવવું પડશે.
પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે અમે કાયદાઓ રદ કરવાની વાત કરી રહ્યા નથી, પણ તેના અમલ પર થોડા સમય માટે પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યા છીએ. આ મામલે કાલે નિર્ણય આવવાનો છે અને એવું મનાય છે કે કોર્ટ હાલમાં આ કાયદાઓને લાગુ કરવા સામે પ્રતિબંધ લગાવવાનો આદેશ આપી શકે છે. એવામાં સવાલ થાય છે કે શું સુપ્રીમ કોર્ટના આ કદમથી દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન સમાપ્ત થઈ જશે?
‘કાયદો હોલ્ડ થાય તોપણ આંદોલન સમાપ્ત નહીં કરીએ’
પરંતુ ખેડૂતનેતાઓ કહે છે કે સુપ્રીમ કોર્ટ જો આ નિર્ણય પર પ્રતિબંધ લગાવી પણ દે તોય આંદોલન સમાપ્ત થવાનું નથી. મોડી સાંજે એક પ્રેસનોટ જારી કરીને ખેડૂતનેતાઓએ એમ પણ કહ્યું હતું કે કોર્ટ જો કાલે કોઈ કમિટીની રચના કરે છે તો અમે એનો હિસ્સો નહીં બનીએ. ખેડૂતનેતાઓએ આ નિર્ણય પોતાના વકીલો સાથેની ચર્ચા પછી લીધો છે. ખેડૂતનેતા ડોક્ટર દર્શન પાલે આ મીટિંગ પછી કહ્યું, ‘અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ અને એ વાતનું સ્વાગત કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટ કાયદાઓ લાગુ કરવા સામે પ્રતિબંધ મૂકવાની વાત કરી રહી છે, પણ અમે કોર્ટ દ્વારા સૂચવાયેલી કમિટીનો હિસ્સો બનવા માગતા નથી.’
‘અત્યારસુધીની સમગ્ર વાતચીત દરમિયાન સરકારનું જે વલણ રહ્યું છે એને જોતાં અમે આ નિર્ણય લીધો છે કે અમે હવે કોઈ કમિટીની કાર્યવાહીમાં સામેલ નહીં થઈએ.’ સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોના વકીલો દુષ્યંત દવે, પ્રશાંત ભૂષણ, કોલિન ગોન્ઝાલ્વિસ અને એચએસ ફુલકા સાથે મુલાકાત પછી ખેડૂતનેતાઓએ આ નિર્ણય લીધો છે.
આગળ હવે આંદોલનના સ્વરૂપ વિશે ખેડૂતનેતા ગુરનામસિંહ ચઢુની કહે છે, ‘કાયદાઓ પર જો હંગામી પ્રતિબંધ મુકાય છે તો પણ આંદોલન ચાલતું રહેશે. કાયદાઓ સંપૂર્ણપણે રદ થાય એ પહેલાં અમે લોકો પરત જવા તૈયાર નથી. કમિટીના બહાને અમે આંદોલન બંધ કરવાના નથી. અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ, પણ કાયદાઓ રદ થયા પહેલાં આંદોલનમાં કોઈ ફેરફાર થશે નહીં.
સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી પણ આંદોલન જારી રાખવાની આવી જ વાત ખેડૂતનેતા મેજરસિંહ પણ કહે છે. તેઓ કહે છે, ‘સુપ્રીમ કોર્ટ જવાનો નિર્ણય અમારો નહોતો. અમે લોકો ત્યાં પાર્ટી પણ નથી. આ અમારી સરકાર સાથે સીધી લડાઈ છે. અમે જે પણ માગ કરી રહ્યા છીએ એ સીધા એ સરકાર પાસે માગી રહ્યા છે કે જે આ કાયદો લઈને આવી છે. તેમાં સુપ્રીમ કોર્ટ કે અન્ય કોઈ સમિતિ વચ્ચે ન હોવી જોઈએ. આમ કહેવાનો મતલબ એવો બિલકુલ નથી કે અમે કોર્ટનું સન્માન કરતા નથી.
સરકાર સાથે થતી તમામ બેઠકોમાં સામેલ રહેલા ખેડૂતનેતા રુલદુસિંહ માનસા આ અંગે કહે છે, ‘સુપ્રીમ કોર્ટને જો ખેડૂતો માટે હમદર્દી છે તો તેમણે આ કાયદાઓ સંપૂર્ણપણે રદ કરવાનો આદેશ આપવો જોઈએ.’
આંદોલનના સ્વરૂપને લઈને પણ ખેડૂતનેતાઓ કોઈ સમજૂતી માટે તૈયાર નથી. કોર્ટમાં સુનાવણી દરમિયાન એ પણ વાત થઈ હતી કે શું ખેડૂતો દિલ્હીની સરહદેથી ઊભા થઈને રામલીલા મેદાનમાં આવવા તૈયાર થઈ શકે છે? આ સવાલના જવાબમાં ગુરનામ ચઢુની કહે છે, ‘અમે લોકો પોતાની મરજીથી બોર્ડર બેઠા નથી. અમે તો રામલીલા મેદાનમાં જ આવવા માગતા હતા, પણ સરકારે અમને દિલ્હીમાં પ્રવેશવા ન દીધા, આથી અમે પણ અહીં જ બેઠા રહીશું. આંદોલન પોતાની રીતે ચાલતું રહેશે અને જ્યાં સુધી કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી અમારી ઘરવાપસી પણ નહીં થાય.’
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.