બોમ્બે હાઈકોર્ટે ગૃહવિભાગ હેઠળ ટ્રાન્સજેન્ડર માટે પોસ્ટ બનાવવાના મુદ્દે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી છે. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું કે સરકાર આ મુદ્દે ઉંઘી રહી છે. તેમણે ટ્રાન્સજેન્ડરો માટે બે પોસ્ટ ન ફાળવવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને જસ્ટિસ દીપાંકરે આખી ભરતી પ્રક્રિયાને રોકવાની ચેતવણી આપી હતી.
ગુરુવારે બેન્ચ સરકારની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજી ફોર્મમાં ટ્રાન્સજેન્ડરો માટે જોગવાઈઓ કરવા માટે રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલના નિર્દેશને પડકારવામાં આવી છે.
આ સમગ્ર કેસ શું છે
પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવ્યા બાદ ટ્રાન્સજેન્ડર આર્ય પૂજારી ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થર્ડ જેન્ડરનો કોઈ ઓપ્શન ન હોવાથી તે ફોર્મ ભરી શક્યા નહીં. આ કેસમાં પૂજારીએ મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલ (MAT)માં ફરિયાદ નોંધાવી હતી.
ટ્રિબ્યુનલે રાજ્ય સરકારને સુનિશ્ચિત કરવા માટે આદેશ આપ્યો હતો કે ટ્રાન્સજેન્ડરો ફોર્મ ભરી શકે જેથી તેમને ભરતી કરવાની તક મળે. તેણે રાજ્ય સરકારને ટ્રાન્સજેન્ડરો માટે ફિઝિકલ સ્ટેન્ડર્ડ અને ટેસ્ટ માટે માપદંડો નક્કી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડરની ભરતી માટે કોઈ પોલિસી બનાવી નથી
રાજ્ય સરકારે MATના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે તેમની ભરતી પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે અને તેઓ આ સમયે ટ્રાન્સજેન્ડર્સની ભરતી કરી શકતા નથી. સરકારે તેની અરજીમાં જણાવ્યું હતું કે ટ્રિબ્યુનલના આદેશનો અમલ કરવો અત્યંત મુશ્કેલ છે કારણ કે તેમણે ટ્રાન્સજેન્ડરોની ભરતી માટે સ્પેશિયલ પ્રોવિઝન હેઠળ કોઈ પોલિસી બનાવી નથી.
જોકે, 2014માં સુપ્રીમ કોર્ટે જાહેર પદોની ભરતી દરમિયાન ટ્રાન્સજેન્ડર્સની ભરતી કરવા માટે કહ્યું હતું. ઘણા રાજ્યોએ આ નિયમનો અમલ કર્યો છે, જ્યારે મહારાષ્ટ્રે હજુ સુધી સુપ્રીમના આદેશનો અમલ કર્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.