ભાસ્કર એક્સપ્લેનર:નવી શિક્ષણ નીતિ 2020 વિશે એ બધું જે તમને અને તમારા બાળકોને જાણવું જરૂરી છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 34 વર્ષ પહેલા 1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બદલાવ થયો હતો, ત્યારબાદ ત્રણ દાયકાથી તેમાં કોઇ ફેરફાર થયો નથી

કેન્દ્રીય કેબિનેટે બુધવારે નવી શિક્ષણ નીતિ (National Education Policy 2020) ને મંજૂરી આપી દીધી છે. 1986 બાદ પહેલી વખત દેશની શિક્ષણ નીતિ બદલવા જઇ રહી છે. નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ ઇસરોના વૈજ્ઞાનિક રહી ચૂકેલા શિક્ષણવિદ કે. કસ્તૂરીરંગનના નેતૃત્વવાળી કમિટીએ બનાવ્યો છે.

શિક્ષણ નીતિ લાવવાની જરૂરિયાત કેમ જણાઇ ?

 • આ પહેલા 1986માં પોલિસી બની હતી. તેમાં જ સંશોધન કરવામા આવ્યા હતા. લાંબા સમયથી બદલાયેલા સંજોગો અનુસાર નવી નીતિની માંગણી ઉઠી હતી. 2005માં કરિકુલમ ફ્રેમવર્ક પણ લાગૂ કરવામા આવ્યું હતું.
 • એજ્યુકેશન પોલિસી એક કમ્પ્રિહેન્સિવ ફ્રેમવર્ક હોય છે જે દેશમાં શિક્ષણની દિશા નક્કી કરે છે. આ પોલિસી મોટાપાયે દિશા નિર્ધારિત કરે છે અને રાજ્ય સરકારો તેનું પાલન કરશે તેવી આશા છે. જોકે તેમના માટે આવું કરવું ફરજિયાત નથી.
 • આ પોલિસી CBSE તો લાગૂ કરશે જ પરંતુ રાજ્યોમાં તેમના સ્તરે નિર્ણય લેવામા આવશે. આ બદલાવ આવવામાં થોડો સમય લાગશે. આ નીતિને એક પ્રક્રિયાની શરૂઆત તરીકે જોવી જોઇએ.
 • સ્કૂલના શિક્ષણ માટે નેશનલ કરિક્યુલર ફ્રેમવર્ક તરીકે સ્કૂલ કરિકુલમ (NCFSE) ને ઓવરહોલ કરવામાં આવ્યું હતુ. તેને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) કરશે. NCFSEના આધારે પુસ્તકોનું રિવીઝન થશે. NCERTએ 2014 પછી બે વખત સ્કૂલની ટેક્સ્ટબુકનું રિવીઝન કર્યું છે.

શિક્ષણ જગતમાં હવે શું નવું થશે ?

 • નવી શિક્ષણ નીતિ અંતર્ગત ટેક્નિકલ સંસ્થાનોમાં પણ આર્ટ્સ અને હ્યુમેનિટિઝના વિષયો ભણાવવામા આવશે. સાથે દેશની દરેક કોલેજમાં મ્યુઝિક, થિયેટર જેવા કળાના વિષયો માટે અલગ વિભાગ સ્થાપિત કરવા માટે ભાર આપવામા આવશે.
 • IITs સહિત દેશના દરેક ટેક્નિકલ સંસ્થાનો હોલિસ્ટિક અપ્રોચ (સમગ્ર દ્રષ્ટિકોણ) અપનાવશે. એન્જિનિઅરિંગ સાથે ટેક્નિકલ સંસ્થાનોમાં આર્ટ્સ અને હ્યુમેનિટિઝ જેવા વિષયો પર ભાર આપવામા આવશે.
 • દેશભરના દરેક ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે એક કોમન એન્ટ્રેસ એગ્ઝામ આયોજિત કરવા અંગે પણ વાત કરવામા આવી છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરાવશે. જોકે આ વૈકલ્પિક હશે. દરેક વિદ્યાર્થી માટે આ પરીક્ષામાં બેસવું ફરજિયાત નહીં હોય.
 • વિદ્યાર્થીઓ તેમની સ્થાનિક ભાષામાં ઓનલાઇન કોર્સ કરી શકશે. આઠ પ્રમુખ ભાષાઓ સિવાય કન્નડ, ઉડિયા અને બંગાળીમાં પણ ઓનલાઇન કોર્સ લોન્ચ કરવામા આવશે. અત્યારે મોટાભાગના ઓનલાઇન કોર્સ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.
 • નવી શિક્ષણ નીતિમાં GDPનો 6 ટકા ભાગ શિક્ષણ ક્ષેત્ર પર ખર્ચ કરવાનું લક્ષ્ય રાખવામા આવ્યું છે. અત્યારે કેન્દ્ર અને રાજ્યનો મળીને GDPનો કુલ 4.4 ટકા ભાગ જ શિક્ષણ પર ખર્ચ થાય છે.

શિક્ષણ નીતિને સમજવા માટે અમે દેશના જાણીતા તજજ્ઞોને સંપર્ક કર્યો અને તમારા માટે સરળ ભાષામાં આ પોલિસીને સવાલ-જવાબ ફોર્મેટમાં રજૂ કરી રહ્યા છીએ.

સવાલ- સ્કૂલમાં અભ્યાસના માળખામાં કેવા પ્રકારનો બદલાવ દેખાશે ?
આખી વ્યવસ્થા બદલી ગઇ છે. વર્તમાન વ્યવસ્થામાં ત્રણ સ્તર છે અને નવી સિસ્ટમમાં પાંચ સ્તર છે. દરેક સ્તરે કૌશલ્ય ધરાવતી પેઢીનું નિર્માણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ શરૂઆત થશે. તેને ગ્રાફિકની મદદથી તમે આ રીતે સમજી શકો છો-

 • અત્યારની સિસ્ટમમા 6 વર્ષનો બાળક પહેલા ધોરણમાં દાખલ થાય છે. નવી સિસ્ટમમાં કોઇ ફેર નથી. પણ તેના માળખામાં થોડો ફેરબદલ કર્યો છે.
 • 6થી 9 વર્ષના બાળકો માટે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર ફોકસ રહેશે. તેના માટે નેશનલ મિશન બનશે. સંપૂર્ણ ફોકસ એ બાબત પર રહેશે કે ત્રીજા ધોરણ સુધીના બાળકોનો પાયો મજબૂત બને.
 • 5મા ધોરણ સુધી આવતા સુધી બાળકોને ભાષા અને ગણિત સાથે સામાન્ય જ્ઞાન તેના લેવલ પ્રમાણેનું હશે. ડિસ્કવરી અને ઇન્ટરેક્ટિવનેસ તેનો આધાર હશે મતલબ કે રમતા રમતા બાળકોને શિખવવામા આવશે.
 • ધોરણ 6-8 સુધી મલ્ટી ડિસીપ્લીનરી કોર્સ હશે. એક્ટિવિટીઝ દ્વારા ભણાવવામા આવશે. ધોરણ-6ના બાળકોને કોડિંગ શીખવવામા આવશે. 8મા ધોરણના બાળકોને પ્રયોગના આધારે શિખવવામા આવશે.
 • ધોરણ-9 થી 12 સુધીના બાળકો માટે મસ્ટી ડિસીપ્લીનરી કોર્સ હશે. જો બાળકને સંગિતમાં રસ હોય તો તે સાયન્સ સાથે મ્યૂઝિક લઇ શકશે. કેમિસ્ટ્રી સાથે બેકરી, કુકિંગ પણ કરી શકશે.
 • ધોરણ 9-12માં પ્રોજેક્ટ બેઝ્ડ લર્નિંગ પર ભાર રહેશે. તેનાથી બાળક જ્યારે 12મું ધોરણ પૂર્ણ કરશે ત્યારે તેની પાસે એક સ્કિલ હશે જે તેને ભવિષ્યમાં રોજગાર માટે કામ લાગી શકે છે.
 • આકાશ એજ્યુકેશનલ સર્વિસિઝ લિમિડટના CEO આકાશ ચૌધરીના જણાવ્યા પ્રમાણે નવી વ્યવસ્થા સ્કિલ આધારિત શિક્ષણનું મહત્વ વધારશે. યુવાનોની રોજગાર ક્ષમતા વધશે.

સવાલ- બોર્ડની પરીક્ષાઓનું શું થશે ?
નવી શિક્ષણ નીતિમાં નિયમિત અને ક્રિએટિવ એસેસમેન્ટની વાત કહેવામા આવી છે. ધોરણ 3,5 અને 8મા સ્કૂલની પરીક્ષાઓ થશે. તેને એક કચેરી દ્વારા સંચાલિત કરવામા આવશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલુ રહેશે. તેનું સ્વરૂપ બદલી જશે. નવું નેશનલ એસેસમેન્ટ સેન્ટર ‘પરખ’સ્થાપિત કરવામા આવશે.

સવાલ-ECCE ફ્રેમવર્ક શું છે જેની ચર્ચા થઇ રહી છે ?
ECCEનો અર્થ છે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. તેમાં બાળપણને બાળકની જે દેખરેખ કરવામા આવે છે તેને શિક્ષણ સાથે જોડવામાં આવ્યું છે. NCERT તેના માટે નેશનલ કોર્સ અને એજ્યુકેશનલ સ્ટ્રક્ચર બનાવશે. બાળકોની દેખરેખ અને અભ્યાસ પર ફોકસ રહેશે. આંગણવાડી કાર્યકર્તા અને બેઝિક ટીચર્સને સ્પેશ્યલ ટ્રેનિંગ આપવામા આવશે. ત્રણથી આઠ વર્ષની ઉંમરના બાળકોને બે ભાગમાં વહેંચવામા આવ્યા છે. પહેલા ભાગમાં 3-6 વર્ષના બાળકો ECCEમાં રહેશે. ત્યારબાદ 8 વર્ષ સુધી તે પ્રાઇમરીમાં અભ્યાસ કરશે.

સવાલ- ઓપન લર્નિંગ ઓપ્શન શું છે ?
ધોરણ 3,5 અને 8 માટે ઓપન લર્નિંગ વિકલ્પ રહેશે જેથી સ્કૂલથી બહાર રહેતા બે કરોડ વિદ્યાર્થીઓને ફરી અભ્યાસ સાથે જોડી શકાય. તેના માટે સામાજિક કાર્યકર્તાઓને પણ જોડવામા આવશે. તેની સાથે ધોરણ 10 અને 12 સમકક્ષ માધ્યમિક શિક્ષા કાર્યક્રમ, વોકેશનલ કોર્સ, વયસ્ક સાક્ષરતા અને લાઇવલીહુડ પ્રોગ્રામ પ્રસ્તાવિત છે. દરેકને અભ્યાસનો બરાબર હક મળે તેના માટે સામાજિક અને આર્થિક રીતે પછાત ગ્રુપ પર વિશેષ ભાર મૂકવામા આવશે. તેના માટે ખાસ ફન્ડ રાખવામા આવશે.

સવાલ- ઇન્ટર્નશિપનો શું કોન્સેપ્ટ છે ?
અત્યારે શિક્ષણનું ફોકસ એ વાત પર છે કે કેવી રીતે લાભ પ્રાપ્ત થાય. પરંતુ નવી સિસ્ટમમાં સંપૂર્ણ ફોકસ વ્યવહાર પર આધારિત શિક્ષણ પર રહેશે. શાળામાં ધોરણ 6થી જ વ્યવસાયિક શિક્ષણ શરૂ થઇ જશે. તેમાં ઇન્ટર્નશિપ સામેલ રહેશે જેથી બાળકોને ઉદ્યોગ અથવા સંસ્થામાં જઇને ફર્સ્ટહેન્ડ એક્સપીરિયન્સ આપી શકાય.

સવાલ- ત્રિભાષા ફોર્મ્યુલા શું છે?
નવી શિક્ષણ નીતિમાં ઓછામાં ઓછા 5 ધોરણ સુધી બાળકો સાથે વાતચીતનો માધ્યામ માતૃભાષા/સ્થાનિક ભાષા/ક્ષેત્રીય ભાષા રહેશે. વિદ્યાર્થીઓને શાળાના દરેક સ્તર અને ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃત એક વિકલ્પ તરીકે પસંદ કરવાનો અવસર મળશે. ત્રિભાષા ફોર્મ્યુલામાં આ વિક્લપ સામેલ રહેશે. પરંપરાગત ભાષાઓ અને સાહિત્યના પણ વિકલ્પ હશે. અમુક વિદેશી ભાષાઓને પણ માધ્યમિક સ્તરે એક વિકલ્પ તરીકે પસંદ કરી શકાશે. ભારતીય સંકેત ભાષા મતલબ કે સાઇન લેંગ્વેજને પણ સામેલ કરવામા આવશે અને મૂકબધિર વિદ્યાર્થીઓના ઉપયોગ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરી પાઠ્યક્રમ વિકસિત કરવામા આવશે.

સવાલ- સ્કૂલનું માળખું કેવી રીતે બદલાશે ?
સ્કૂલોના પરંપરાગત માળખાને ઘણા સ્તરે બદલવામા આવી રહ્યું છે. સ્કૂલને પરિસર અથવા તો ક્લસ્ટરમાં વહેંચવામા આવી શકે છે, જે વહીવટનું મૂળ એકમ હશે. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સ્વતંત્ર સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી બનાવશે. SCERT દરેક સંબંધિત સાથે સંવાદ કરીને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ ફોર્મેટ બનાવશે.

સવાલ- હાયર એજ્યુકેશન માટે શું વિચાર્યું છે ?
સૌથી પહેલા તો એનરોલમેન્ટ વધારવાનું છે. વોકેશનલ સાથે હાયર એજ્યુકેશનમાં એનરોલમન્ટ 26.3 ટકા (2018)થી વધારીને 2035 સુધી 50 ટકા સુધી કરવાનું છે. 3.5 કરોડ નવી સીટ સામેલ કરવામા આવશે. કોલેજમાં એક્ઝિટ વિકલ્પ મળશે. અંડર ગ્રેજ્યુએટ શિક્ષણ 3-4 વર્ષનું હશે. એક વર્ષ પર સર્ટિફિકેટ, 2 વર્ષ પર એડવાન્સ્ડ ડિપ્લોમા, 3 વર્ષ પર ગ્રેજ્યુએટ ડિગ્રી અને 4 વર્ષ બાદ રિસર્ચ સાથે ગ્રેજ્યુએટ.

સવાલ- કોલેજ/યુનિવર્સિટીનું માળખું કેવી રીતે બદલાશે ?
મેડિકલ અને કાયદાના શિક્ષણને છોડીને સમગ્ર હાયર એજ્યુકેશન માટે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા બનાવવામા આવશે. તે UGCનું સ્થાન લેશે. IIT અને IIM કક્ષાના મલ્ટી- ડિસીપ્લીનરી એજ્યુકેશન અને રિસર્ચ યુનિવર્સિટી બનાવવામા આવશે. તે ગ્લોબલ સ્ટાન્ડર્ડને ફોલો કરશે.
ટોપ બોડી તરીકે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવવામા આવશે જેનો ઉદ્દેશ્ય હાયર એજ્યુકેશનમાં રિસર્ચને એક કલ્ચર તરીકે વિકસિત કરવાનો તેમજ ક્ષમતા વધારવાનો હશે. યુનિવર્સિટીની વ્યાખ્યા પણ બદલવાની છે. તેમાં રિસર્ચ-ફોકસ્ડ યુનિવર્સિટીથી ટીચીંગ ફોકસ્ડ યુનિવર્સિટી અને ડિગ્રી આપનારી સ્વાયત્ત કોલેજ સામેલ હશે.
15 વર્ષમાં ધીમે ધીમે કોલેજોની સંબદ્ધતા ખતમ કરવામા આવશે. તેમને ધીમે ધીમે સ્વાયત્ત બનાવવામા આવશે. આ કોલેજ આગામી દિવસોમાં કાં તો ડિગ્રી આપનાર સ્વાયત્ત કોલેજ બનશે અથવા તો કોઇ યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજ.
NCERTની મદદથી NCTE ટીચર્સ ટ્રેનિંગ માટે નવો અને વ્યાપક નેશનલ કરિકુલમ સ્ટ્રક્ચર તૈયાર કરશે. ભણાવવા માટે લઘુતમ લાયકાત 4 વર્ષની ઇન્ટિગ્રેટેડ બીએડ ડિગ્રી રહેશે.

સવાલ-ઓનલાઇન એજ્યુકેશન અને વિદેશી યુનિવર્સિટી માટે શું છે ?
સ્કૂલ-કોલેજ માટે ઓનલાઇન એજ્યુકેશનની જરૂરિયાતોને પૂરી કરવા માટે મંત્રાલયમાં એક ડિજિટલ સ્ટ્રક્ચર, ડિજિટલ કન્ટેન્ટ અને કેપેસિટી બિલ્ડિંગ માટે સમર્પિત યુનિટ બનાવવામા આવશે.
શિક્ષણને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે ટોપ ગ્લોબલ રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટી અથવા કોલેજોને ભારતમાં બ્રાન્ચ ખોલવાની મંજૂરી આપવામા આવશે.

Q- નવી નીતિ ક્યારે લાગુ થશે અને ફેરફાર ક્યારે જોવા મળશે?
હાલ આ અંગે કંઈ કહી શકાય નહીં. વાસ્તવમાં આ બધા ફેરફાર આગામી વર્ષોમાં જોવા મળશે. આ માટે કોઈ ડેડલાઈન પણ આ નીતિમાં આપવમાં આવી નથી.

આ કારણે ચિંતા પણ સેવાઈ રહી છે કે સરકારે નવી શિક્ષણ નીતિમાં જે વચન આપ્યા છે, તે પૂરા કરશે કે નહીં. પહેલા પણ ફેરફારની વાત થઈ હતી, પણ થઈ શક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...