ઈન્દોરમાં થઈ રહેલા પ્રવાસી ભારતીય સંમેલન દરમિયાન આયોજન સ્થળ પર હોબાળો થયો, જ્યારે NRIને હોલમાં એન્ટ્રી કરતા રોકવામાં આવ્યા. તે PM મોદીના સંબોધન પહેલા બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરના ગ્રેન્ડ હોલમાં પ્રવેશ ન કરી શક્યા. લંડનના ડેપ્યુટી મેયરને પણ મેઈન ગેટ પર રોકવામાં આવ્યા. એક NRIને સામાન્ય ઈજા પણ પહોંચી.
આ વિશે કેટલાક NRIએ તીખી પ્રતિક્રિયા આપી કહ્યું- ટીવી પર આયોજન બતાવવું હતું તો અમને કેમ બોલાવ્યા....? ઈન્દોરના સાંસદ લાલવાણીએ કહ્યું કે શરૂઆતમાં થોડો સમય લાગ્યો, પરંતુ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો.
મામલો એટલો ગંભીર બની ગયો કે CM શિવરાજ સિંહ ચૌહાણે PMની સામે સ્ટેજ પરથી માફી માગવી પડી. CMએ કહ્યું- માફ કરશો, હોલ નાનો પડ્યો, પરંતુ દિલમાં જગ્યાની કોઈ કમી નથી. અહીં, કોન્ફરન્સમાં ભાગ લેનારા બે NRIની તબિયત લથડી હતી, જેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કેમ અવ્યવસ્થા થઈ...મેહમાન 3200, હોલની કેપેસિટી 2200
બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરનો હોલ ફુલ થઈ જતા સવારે 9.45 વાગ્યે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. હોલની ક્ષમતા 2200 લોકો બેસી શકે તેવી છે, પરંતુ 3000થી વધુ લોકો ત્યાં પહોંચ્યા હતા. કેટલાક NRI બળપૂર્વક ગેટ ખોલીને અંદર પ્રવેશ્યા હતા. તેઓને ફરીથી મેઇન ગેટ પર રોકવામાં આવ્યા. ઝપાઝપીમાં એક NRIને હાથ પર ઈજા થઈ હતી.
સ્પેનથી આવેલા જગદીશ ફોબયાનીએ કહ્યું- સમય પહેલા પહોંચી ગયા બાદ પણ અમને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. તેઓ કહી રહ્યા છે કે હોલની ક્ષમતા ભરાઈ ગઈ છે. નાઈજીરિયાથી આવેલા દેવેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે અમે 8.30 વાગ્યે પહોંચ્યા હતા. અંદર જવાની પરવાનગી ન હતી. જો આવું જ રહેશે, તો અમે પાછા જતા રહીશું.
જેની સાથે વડાપ્રધાન લંચ કરવાના હતા, તેમને પણ એન્ટ્રી કરતાં રોક્યા
બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરના ગ્રેન્ડ હોલમાં નિર્ધારિત સમયના દોઢ કલાક પહેલા એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ઘણા NRIને રજિસ્ટ્રેશન હોલમાં બેસાડી કહેવામાં આવ્યું કે તેઓ સ્ક્રિનમાં જ પ્રોગ્રામ જુએ. લંડનના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલે સવારે 9.45 વાગ્યે આયોજન સ્થળ પર પહોંચ્યા હતા. અગ્રવાલને પણ આયોજનના મુખ્ય સમારંભમાં જતા રોક્યા હતા.
અગ્રવાલે લગભગ 15 મિનિટ સુધી અંદર જવા માટે સંઘર્ષ કર્યો. તેમણે વિદેશ મંત્રાલય તરફથી મળેલો આમંત્રણ પત્ર પણ બતાવ્યો. બહાર હાજર કેટલાક મીડિયાકર્મીઓએ તેમને ઓળખી લીધા અને સુરક્ષાકર્મીઓને કહ્યું. આમ છતાં લાંબા સમય બાદ અંદરના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમને બીજા ગેટથી અંદર પ્રવેશ મળ્યો. ખાસ વાત એ છે કે અગ્રવાલનું નામ પણ ખાસ મહેમાનોની યાદીમાં છે, જેમને વડાપ્રધાને લંચ માટે આમંત્રણ આપ્યું છે.
અમારી બેઠક વ્યવસ્થા જ ન કરી શક્યા, રોકાણ કેવી રીતે આવશે
જમૈકાની 15 સભ્યોની ટીમ પણ ગ્રેન્ડ હોલમાં પ્રવેશ મેળવી શકી ન હતી. આ અંગે ત્યાંના પ્રતિનિધિઓએ નારાજગી વ્યક્ત કરી હતી. જમૈકાના પ્રશાંત સિંહે મીડિયાને જણાવ્યું કે જમૈકાથી 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ ત્યાંના મંત્રી સાથે આવ્યું છે. અમે તેમને ભારતની બ્રાન્ડિંગ કરીને અહીં લાવ્યા છીએ. મુખ્ય કાર્યક્રમમાં હાજરી ન મળવાનું દુઃખ છે. આવું થવું ન જોઈતું હતું. આવી સ્થિતિમાં, ત્યાંથી રોકાણ કેવી રીતે આવશે?
તેમણે કહ્યું- જો ભારત સરકાર અને શિવરાજ સરકાર 3 હજાર લોકોને બેસવાની પણ વ્યવસ્થા નથી કરી શકતી તો ભારત વૈશ્વિક શક્તિ કેવી રીતે બનશે? આ ઘટના સરકારના મેનેજમેન્ટ પર તમાચા સમાન છે.
અંદર સરકારના લોકો બેઠા છે અમે બહાર છીએ; આ કેવું અતિથિ દેવો ભવ:
અમેરિકાથી આવેલી મહિલા જૂલી જૈન કહે છે, હું અમેરિકાથી આવી છું અને અમને કહેવામાં આવ્યું કે તમે ટીવી પર જુઓ આ ખૂબ અપમાનજનક છે. જો ટીવીમાં જ જોવું હોત, તો અમે ઘરે બેસીને જોઈ લેત. અમે સવારે 8 વાગ્યાના આવી ગયા હતા. ત્યારે કહેવામાં આવ્યું કે હોલ ફુલ થઈ ગયો છે અને તમામ એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે.
આટલા બધા સરકારના લોકો અંદર બેઠા હતા અને કહેતા હતા કે અતિથિ દેવો ભવ: શું આવું હોય છે અતિથિ દેવો ભવ:. ઘણા લોકોએ રોકાણ કરવાની યોજના બનાવી હતી પરંતુ હવે તેઓએ પોતાનો વિચાર બદલી નાખ્યો છે. બધા મોદીજીના કારણે આવ્યા હતા અને તે જ દિવસે આટલી અરાજકતા થઈ, હું ખૂબ જ નિરાશ છું.
અમે મોદીજીને નજીકથી સાંભળવા અને જોવા આવ્યા હતા, હવે નિરાશ છીએ
યુનાઇટેડ કિંગડમથી આવેલી વીણા સિંહે કહ્યું, 'અમે આમંત્રિત મહેમાનો હતા, રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અમે વડાપ્રધાન મોદીને નજીકથી જોવા અને સાંભળવા માટે અહીં ખાસ આવ્યા હતા. કંઈ નહીં તો રજિસ્ટર્ડ લોકોને બેસવા માટે જગ્યા આપવી જોઈએ.
જ્યારે અમે સવારે 9 વાગે અહીં પહોંચ્યા ત્યારે અમને કહેવામાં આવ્યું કે હોલ ભરાયેલો હોવાથી તમે પ્રવેશ નહીં કરી શકો. આ પછી તેઓ વિવિધ બહાના કરતા રહ્યા. હું સમજી ન શકી કે આવનારા સભ્યોની સંપૂર્ણ માહિતી હોવા છતાં અહીં આ અવ્યવસ્તા શા માટે થઈ?
મોરિશિયસના એનઆરઆઈની તબિયત બગડી
પ્રવાસી ભારતીય સંમેલનમાં મોરિશિયસથી આવેલા એનઆરઆઈની તબિયત રવિવારે રાત્રે પણ બગડી હતી. કહેવાય છે કે તેઓ વિજયનગર વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા. તેમને તરત જ ભંડારી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓ હવે વેન્ટિલેટર પર છે. ડો.વિનોદ ભંડારીના જણાવ્યા મુજબ તેઓ હાઈપરટેન્શન અને ડાયાબિટીસના દર્દી છે. રાત્રે તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ વધી ગયું હતું, જ્યારે શુગરલેવલ પણ 500 સુધી પહોંચી ગયું હતું. તેમણે રાત્રે નિયમિત દવાઓ લીધી ન હતી, જેને કારણે તેની તબિયત લથડી હતી. હોસ્પિટલના ડાયરેક્ટર ડો.મોહિત ભંડારીના નેતૃત્વમાં ચાર વરિષ્ઠ ડોક્ટરની ટીમ તેની સારવારમાં લાગેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.