જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં થયેલા એન્કાઉન્ટરમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા. આ સાથે સેનાનો એક ડોગ પણ ઘાયલ થયો છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે આ જાણકારી આપી છે. ઘાયલ આર્મી એસોલ્ટ ડોગનું નામ ઝૂમ છે. ગોળી બાદ પણ તે આતંકવાદીઓ સામે લડતો રહ્યો, જેના કારણે સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઠાર કર્યા.
ચિનાર કોર્પ્સ અનુસાર, સર્ચ ઓપરેશન 10 ઓક્ટોબરે હાથ ધરવામાં આવ્યું હતું. ઝૂમ પણ તેનો એક ભાગ હતો. આ દરમિયાન સેનાના જવાનોએ ઝૂમને એક ઘરમાં મોકલ્યો હતો, જ્યાં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. ઝૂમે આતંકવાદીઓને ઓળખીને તેમના પર હુમલો કર્યો. આ દરમિયાન તેને બે ગોળી વાગી હતી. ઘાયલ થવા છતાં તે આતંકવાદીઓ સામે લડતો રહ્યો, જવાનોએ આતંકીઓને ઠાર કર્યા હતા. ચિનાર કોર્પ્સે ઝૂમનો એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે
ઝૂમની સારવાર ચાલુ છે
ઝૂમને વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સારવાર ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે ડોગને આતંકવાદીઓને શોધવા, હુમલો કરવા અને મારવા માટે તાલીમ આપવામાં આવી છે. આ પહેલાં પણ તે ઘણા ઓપરેશન કરી ચુક્યો છે. તેણે ઘણા આતંકવાદીઓને શોધવામાં મદદ કરી છે. ચિનાર કોર્પ્સે ઝૂમને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.
આર્મી ડોગની ડ્યુટીમાં પેટ્રોલિંગ, વિસ્ફોટકો સુંઘવાનો સમાવેશ થાય છે
ચિનાર કોર્પ્સ દ્વારા શેર કરવામાં આવેલ વિડિયો ઝૂમને આપવામાં આવેલી તાલીમ દર્શાવે છે. સૈન્યનો એક ભાગ હોવાને કારણે, કૂતરાની જુદી જુદી ફરજો છે. આમાં ગાર્ડ ડ્યુટી, પેટ્રોલિંગ, વિસ્ફોટકો સુંઘવા, ડ્રગ્સ ઓળખવા વગેરેનો સમાવેશ થાય છે.
આર્મી ડોગ એક્સેલ 31 જુલાઈના રોજ શહીદ થયો હતો
31 જુલાઈએ જ્યારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે બારામુલ્લાના વાનીગામમાં એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું ત્યારે તેમાં ડોગ સ્કવોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ડોગ એક્સેલની પીઠ પર એક કેમેરો લગાવવામાં આવ્યો હતો જેથી તેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન આતંકવાદીઓની સાચી માહિતી સેના સુધી પહોંચી શકે, જ્યારે એક્સેલ એન્કાઉન્ટર સાઇટ પર ઘરમાં પ્રવેશ્યો, આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો. ત્રણ ગોળી વાગતાં તેનું મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.