ભલામણ:ઈપીએફઓની નિવૃત્તિ વય વધારવા અપીલ, 25 વર્ષ પછી 14 કરોડ 60થી વધુ વયના હશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 60થી વધુ વયના લોકોની વધતી વસતીથી પેન્શનની ચિંતા
  • દેશમાં સરકારી અને ખાનગી ક્ષેત્રે નિવૃત્તિ વય 58થી 65 વર્ષ છે

ઈપીએફઓએ દેશના ખાનગી અને સરકારી ક્ષેત્રના કર્મચારીઓની નિવૃત્તિની વય વધારવા ભલામણ કરી હતી. પેન્શન નિયામકે કહ્યું કે દેશમાં વરિષ્ઠ નાગરિકોની વધતી સંખ્યાને જોતા આવનારા સમયમાં પેન્શન ફંડ પણ વધુ દબાણ વધશે.

પોતાના વિઝન 2047માં ઈપીએફઓએ નિવૃત્તિની વય વધારવાની માગને દેશમાં લાઈફ એક્સપેક્ટન્સી વધવા સાથે સાંકળ્યું છે. દેશમાં સરકારી અને ખાનગી સેક્ટરમાં નિવૃત્તિની વય 58થી 65 વર્ષ છે. ઈપીએફઓએ કહ્યું કે નિવૃત્તિની વય વધારવાથી પેન્શન સિસ્ટમ પરથી ભાર ઓછો થશે અને કર્મચારીઓને સેવાનિવૃત્તિ બાદ સારા લાભો આપી શકાશે.

સંગઠનના એક રિપોર્ટ મુજબ 2047 સુધી ભારતમાં 60 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા 14 કરોડથી વધુ હશે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે 2031 સુધી દેશમાં 60થી વધુ વયના લોકોની સંખ્યા 19.4 કરોડને પાર થઈ જશે, જે 2021માં 13.8 કરોડ હતી.

ફક્ત એક દાયકામાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યામાં 41 ટકાનો મોટો વધારો થશે. ઈપીએફઓ પાસે હાલ 6 કરોડ સબસ્ક્રાઇબર છે અને તે 12 લાખ કરોડ રૂપિયાના ફંડને મેનેજ કરે છે.

નિવૃત્તિ વય વધવાના ફાયદા-નુકસાન
પેન્શન ઓથોરિટી સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે નિવૃત્તિની વય વધતા પેન્શન ફંડમાં કર્મચારી તરફથી વધુ રકમ જમા કરાશે અને તેનાથી તેને બહેતર લાભ આપી શકાશે. તેનાથી મોંઘવારીને માત આપી મોટું રિટાયરમેન્ટ ફંડ બનાવવામાં મદદ મળશે. જ્યારે અર્થશાસ્ત્રી કે.આર. શ્યામ સુંદરે કહ્યું કે નિવૃત્તિ વય વધારવાથી વધુ વયના કર્મચારીઓના પરિવારોને નિયમિત આવક વધારે દિવસ સુધી મળી શકશે. જોકે યુવાઓએ નોકરી માટે લાંબી રાહ જોવી પડશે.

બીજા દેશોમાં નિવૃત્તિની વય
યુરોપિયન યુનિયનમાં નિવૃત્તિની સરેરાશ વય 65 વર્ષ છે. ડેનમાર્ક, ઈટાલી અને યુનાનમાં તે 67 વર્ષ છે. જોકે અમેરિકામાં 66 વર્ષ છે. ઈપીએફઓએ કહ્યું કે તેણે બીજા દેશોના નિયમો જાણ્યા બાદ નિવૃત્તિની વય વધારવાની વાત કહી છે.

અન્ય સમાચારો પણ છે...