ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર 'એન્ટિલિયા'ની પાસેથી વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો મળી આવી અને એના માલિક મનસુખ હિરેનના મોત મામલે NIAએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ એક એફિડેવિટમાં NIAએ દાવો કર્યો છે કે આ સમગ્ર ખેલનો માસ્ટરમાઈન્ડ પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા હતા. શર્માના કહેવા પર જ સચિન વઝેએ આ ષડયંત્ર રચી અને મનસુખને મારીને થાણેની ખાડીમાં ફેંકી દીધો હતો.
NIAની ચાર્જશીટ મુજબ મનસુખ એન્ટિલિયા કેસનો રાઝ જાણતો હતો. પ્રદીપ શર્મા તેને આ કેસની સૌથી નબળી કડી ગણતા હતા, તેથી તેને રસ્તેથી હટાવવાનું પ્લાનિંગ કરાયું હતું. શર્માએ આ મામલે અન્ય આરોપીઓની સાથે પોલીસ કમિશનર કાર્યાલયની ઈમારતમાં અનેક બેઠક કરી હતી, જ્યાં મનસુખને મારવાનું ષડયંત્ર રચાયું હતું. મનસુખની હત્યા પછી એન્ટિલિયા કેસમાં પકડાયેલા સચિન વઝેએ પ્રદીપ શર્માએ 45 લાખ રૂપિયા આપ્યા હતા, જે તેણે હિરેનની હત્યા કરનારા કેટલાક લોકોને વહેંચ્યા હતા.
શર્માની જામીન અરજીનો વિરોધ
શર્માની જામીન અરજીનો વિરોધ કરતા NIAએ એમ પણ કહ્યું કે શર્મા નિર્દોષ નથી અને આરોપ લગાવ્યો કે તેને ગુનાકીય ષડયંત્ર, હત્યા અને આતંકી કૃત્યોના ગુનાઓ કર્યા છે. ન્યાયાધીશ એએસ ચંડૂરકર અને જીએ સનપની બેંચે અરજી પર વધુ સુનાવણી માટે વધુ તારીખ આપી છે. NIAએ પોતાની એફિડેવિટમાં કહ્યું છે કે પ્રદીપ શર્મા એક ગેંગનો સક્રિય સભ્ય હતો, જેને એન્ટીલિયા વિસ્ફોટક કેસનું ષડયંત્ર રચ્યું હતું.
આ રીતે થયો હતો મનસુખ હત્યાકાંડનો ઘટસ્ફોટ
25 ફેબ્રુઆરી 2021નાં રોજ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટીલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલી એક SUV મળી હતી.આ SUV મનસુખ હિરેનની હતી, જેની ગત વર્ષે 5 માર્ચ 2021નાં રોજ થાણેની પાસે એક ક્રીક (નાની નદી)માં લાશ મળી હતી. તપાસમાં સામે આવ્યું કે શર્માને ડર હતો કે મનસુખ સત્ય બધાંની સામે લાવશે, તેથી તેની હત્યા કરી દીધી.
જો મનસુખ સત્ય બતાવી દેત તો શર્મા અને વઝે માટે મુશ્કેલી વધી હોત. NIAએ પૂર્વ 'એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' શર્માની 17 જૂન, 2021નાં રોજ ધરપકડ કરી હતી અને હાલ તેઓ જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. NIA મુજબ અનુસાર શર્મા અને અન્ય આરોપીઓએ UPA અંતર્ગત ગુના કર્યા છે.
ધરપકડ પહેલાં NIAએ શર્માના ઘરે કરી હતી રેડ
ધરપકડ પહેલાં શર્માને અંધેરી ઈસ્ટના ભગવાન ભવન એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી અને અહીં કલાક સુધી પૂછપરછ થઈ હતી. સચિન વઝે, શર્માને પોતાના ગુરુ માનતા હતા. એવું પણ કહેવાય છે કે તેમના આદેશ પર જ વઝે કામ કરતા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શર્માનો મોબાઈલ ફોન, લેપટોપ સહિત અનેક ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને NIAએ જપ્ત કર્યા હતા અને તેમાંથી જ મનસુખની હત્યારાને પૈસા ટ્રાંસફર કરવાના પુરાવા મળ્યા હતા. શર્મા પર એન્ટીલિયા કેસમાં પુરાવાનો નાશ કરવા અને ષડયંત્રમાં સામેલ થવાનો આરોપ છે.
પ્રદીપ શર્મા વિરુદ્ધ NIAને મળ્યા પુરાવા
એજન્સીએ કહ્યું હતું કે એકઠા કરવામાં આવેલા પુરાવાથી તે સ્પષ્ટ થાય છે કે પ્રદીપ શર્મા ગુનામાં સક્રિય રીતે સામેલ હતા અને તેમને ષડયંત્ર, આતંકી કૃત્ય, આતંકી ગેંગના સભ્ય બનવાનો, અપહરણ, હત્યા અને પુરાવા નાશ કરવાનો ગુનો કર્યો છે. NIA મુજબ મનસુખની હત્યા ત્યારે કરાઈ હતી જ્યારે તેને એન્ટિલિયાવાળી ઘટનાનો આરોપ કબૂલવાનો ઈનકાર કર્યો હતો.
વિનાયક શિંદે પણ હતો શર્માનો નજીકનો
મનસુખ હિરેનની હત્યા કેસમાં ધરપકડ કરાયેલો પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે પણ શર્માનો નજીકનો છે. શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડી ચુકેલા શર્મા થાણેની એન્ટી એક્સટોર્શન સેલમાં રહી ચૂક્યા છે. 90ના દશકામાં તેમને મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમમાં સામેલ કરાયા હતા. આ ટીમને અંડરવર્લ્ડના સફાયાની જવાબદારી સોંપાઈ હતી. અહીંથી શર્મા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ બની ગયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.