સ્પાઇસજેટના પ્લેનનું ઇમર્જન્સી લેન્ડિંગ:દિલ્હી-જબલપુર ફ્લાઇટમાં અચાનક ધુમાડો ભરાયો, 5,000 ફૂટની ઊંચાઈએ લોકોને થયેલી ગભરામણનો VIDEO જુઓ

એક મહિનો પહેલા

સ્પાઇસજેટના વિમાનમાં ધુમાડો ભરાયા પછી શનિવારે સવારે દિલ્હીમાં એનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સ્પાઈસજેટની દિલ્હી-જબલપુર ફ્લાઈટની કેબિનમાં જ્યારે ધુમાડો ભરાયો હતો ત્યારે પ્લેન 5 હજાર ફૂટની ઊચાઈએ હતું.

પ્લેનમાં ધુમાડો ભરાતાં જ લોકોમાં ચિંતા વધી ગઈ હતી અને પ્લેનને પરત દિલ્હી એરપોર્ટ ઉતારવાનો જ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર પછી પ્લેનને ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સ્પાઈસજેટના આ પ્લેને દિલ્હી એરપોર્ટથી સવારે 6.15 વાગે ઉડાન ભરી હતી.

ટેક ઓફની થોડીવારમાં જ પ્લેનની કેબિનમાં ધુમાડો ભરાઈ ગયો હતો. એ સમયે પ્લેન ક્લાઇંબિંગ સ્ટેજમાં હતું, એટલે કે સતત ઊંચાઈ તરફ જતું હતું. પ્લેનમાં ધુમાડો જોઈને યાત્રીઓ ગભરાઈ ગયા હતા અને ચીસાચીસ કરવા લાગ્યા હતા. ઈમર્જન્સી લેન્ડિંગ પછી વિમાનને ખાલી કરાવવામાં આવ્યું હતું. દરેક યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

સ્પાઈસજેટે ઘટનાનું કારણ દર્શાવ્યું નથી
આ ઘટના પછી સ્પાઈટજેટ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. તેણે પ્લેનનું ઈમર્જન્સી લેન્ડિંગ અને મુસાફરો સુરક્ષિત હોવાની વાત કરી છે, પરંતુ આવું કેમ થયું એ વિશે કોઈ કારણ કહ્યું નથી. જોકે દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ તપાસની વાત કરી છે.

પટનામાં થઈ હતી આ પ્રમાણેની ઘટના
13 દિવસ પહેલાં એટલે કે 19 જૂને બિહારના પાટનગર પટનામાં સ્પાઈજેટના વિમાનમાં અચાનક ધુમાડો ભરાઈ ગયો હતો. ત્યાર પછી પ્લેનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એ સમયે પ્રાથમિક તપાસમાં બર્ડ હિટની ઘટના સામે આવી હતી.

સ્પાઈસજેટની બેદરકારી ગણાવી હતી
પટનામાં સ્પાઈસજેટ વિમાનના ઈમર્જન્સી લેન્ડિંગ વખતે પ્લેનની એક મુસાફર શિબ્બુ સુમને ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ટેક ઓફ સમયે જ પ્લેનના એન્જિનમાંથી કંઈક અલગ અવાજ આવતો હતો. એ અવાજ નોર્મલ જેવો નહોતો. તેણે જણાવ્યું હતું કે 18થી 22 નંબરની સીટ પાસે જ પ્લેનના વિંગ્સ હતા. ત્યાંથી જ ખૂબ વધારે અવાજ આવતો હતો. સુમને એવું પણ કહ્યું હતું કે એ સમયે કોઈ પક્ષી વિમાન સાથે નહોતું અથડાયું, પણ પ્લેનના મેઈન્ટેનન્સનો જ પ્રોબ્લેમ હતો.

અન્ય સમાચારો પણ છે...