નશામાં ધૂત મુસાફરે વિમાનમાં કર્યું શરમજનક કૃત્ય:મહિલાની સીટ પાસે આવી તેના પર પેશાબ કર્યો, USથી આવતી હતી એર ઇન્ડિયાની ફ્લાઇટ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક શરમજનક ઘટના સામે આવી છે. ફ્લાઈટમાં નશામાં ધૂત એક વ્યક્તિએ એવું શરમજનક કૃત્ય કર્યું, જેને તમામ લોકો જોતા રહી ગયા. નશામાં ધૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી એક મહિલા પર પેશાબ કર્યો હતો. આરોપ છે કે મહિલાએ ફરિયાદ કરી છતાં કેબિન ક્રૂ-મેમ્બર્સ તરફથી તે વ્યક્તિ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યાર પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખ્યો. ત્યાર પછી ઘટના અંગે તપાસ શરૂ થઈ.

મીડિયા રિપોર્ટ અનુસાર, ઘટના 26 નવેમ્બર 2022ની છે. મહિલાએ પત્રમાં લખ્યું હતું કે ક્રૂ-મેમ્બર્સ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ ન હતા. તેમણે લખ્યું હતું કે એરલાઈન્સ તરફથી તેમની સુરક્ષા અને સુવિધાને સુનિશ્ચિત કરવાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

શું છે સમગ્ર ઘટના
મહિલાએ તેના પત્રમાં જણાવ્યું છે કે તે ન્યૂયોર્કના જોન એફ કેનેડી એરપોર્ટથી દિલ્હી જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-102માં મુસાફરી કરી રહી હતી. લંચ પછી વિમાનની લાઈટ બંધ કરવામાં આવી હતી. એ દરમિયાન નશામાં ધૂત એક વ્યક્તિ તેમની સીટ પાસે આવ્યો અને પેશાબ કર્યો. ત્યાર પછી પણ તે વ્યક્તિ મારી પાસે જ ઊભી રહી.

એર હોસ્ટેસ ડિસઇન્ફ્કટેન્ટ છાંટી જતી રહી
મહિલાએ કહ્યું, ઘટના પછી પેશાબને કારણે તેમનાં કપડાં, બેગ, બૂટ બધું ભીનું થઈ ગયું. આ વિશે તેમણે ક્રૂ-મેમ્બર્સને જાણ કરી. ત્યાર પછી એરહોસ્ટેસ આવી અને ડિસઇન્ફ્કટેન્ટ છાંટી જતી રહી. થોડા સમય પછી તેમણે એક જોડી પાયજામો અને ડિસ્પોઝેબલ ચંપલ આપ્યા. મહિલાએ જણાવ્યું, પેશાબ કરનારી વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દિલ્હી એરપોર્ટ પર ઊતર્યા પછી તે વ્યક્તિ ત્યાંથી જતી રહી.

એર ઈન્ડિયાએ FIR દાખલ કરાવી
ટાટા ગ્રુપના ચેરમેનને પત્ર લખ્યા પછી એર ઈન્ડિયા એક્શન મોડમાં આવી ગઈ. એક અધિકારીએ કહ્યું હતું કે 26 નવેમ્બરના રોજ બનેલી ઘટનાના સંબંધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. આ સિવાય એર ઈન્ડિયા તરફથી ઘટનાની તપાસ માટે આંતરિક સમિતિનું ગઠન પણ કરવામાં આવ્યું છે અને પુરુષ યાત્રીનું નામ 'નો-ફ્લાઈટ લિસ્ટ'માં સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે.

આરોપી પર 30 દિવસનો લાગ્યો પ્રતિબંધ
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આરોપી યાત્રી પર 30 દિવસ અથવા આંતરિક સમિતિના નિર્ણય સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન એર ઈન્ડિયા સાથે તે ઉડાન ભરી શકશે નહીં. એ જ સમયે આ મામલે ક્રૂની બેદરકારીની તપાસ માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે.