તૃણમુલ કોંગ્રેસ(TMC)ના સાંસદ ડેરેક ઓબ્રાયનને મંગળવારે ગૃહમાં ખરાબ વ્યવહાર માટે રાજ્યસભાના વર્તમાન સત્રમાં થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની ઉપર મંગળવારે ચૂંટણી વિધેયક (સુધારો) 2021 પર ચર્ચા સમયે રાજ્યસભાની રુલ બુકને સભાપતિ તરફ ફેંકવાનો આરોપ છે.
બીજી બાજુ સંસદનું શિયાળુ સત્ર પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ સંજોગોમાં કેન્દ્રની મોદી સરકાર બાકી રહેલા સમયગાળામાં ઝડપભેર વિધેયકો પસાર કરવા ઈચ્છે છે. આ ક્રમમાં આજે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં બાળ વિવાહ પ્રતિબંધ (સુધારા) વિધેયક,2021 રજૂ કર્યું. આ વિધેયકમાં છોકરીઓ માટે લગ્ન કરવાની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાની જોગવાઈ છે.
રાજ્યસભામાં મંગળવારે મતદારને લગતી માહિતીને આધાર કાર્ડ સાથે જોડવાને લગતા ચૂંટણી અધિનિયમ (સુધારા) વિધેયક,2021ને પસાર કરવામાં આવ્યું હતું. આ સમયે વિપક્ષે આ વિધેયકનો વિરોધ કર્યો. જ્યારે રાજ્યસભામાંથી વોકઆઉટ કરતા પહેલા ડેરેક ઓબ્રાયને બિલ પર બે મિનિટ સુધી વાતચીત કરી હતી.
ચૂંટણી કાયદો સુધારા વિધેયક,2021 રાજ્યસભામાંથી ધ્વનિ મતથી પસાર
આ ઉપરાંત લોકસભામાંથી પસાર થયેલા ચૂંટણી સુધારા વિધેયક,2021ને આજે રાજ્યસભામાંથી પણ ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું. વિધેયકના મુસદ્દામાં કહેવામાં આવ્યું છે કે મતદાતા સૂચીમાં પુનરાવર્તન અને બોગસ મતદાતાને અટકાવવા માટે મતદાતા કાર્ડ અને સૂચીને લગતી માહિતી આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે.
નવી જોગવાઈ પ્રમાણે હવે આધાર અને મતદાર ઓળખ કાર્ડ આઈડી લિંક થવાથી ચૂંટણી કાયદા સુધારા વિધેયક,2021ના મતદાતા યાદી તૈયાર કરનારા અધિકારીઓને હવે આધાર કાર્ડ માગવાનો અધિકાર રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.