• Gujarati News
  • Dvb original
  • Elections In India Could Bring Corona Tsunami, 1.5 Million Cases A Day In England Even After Booster Dose

UKના ડોક્ટરની ચેતવણી:ભારતમાં ચૂંટણી કોરોનાની સુનામી લાવી શકે છે, ઇંગ્લેન્ડમાં બૂસ્ટર ડોઝ પછી પણ 1.5 લાખ કેસ રોજ આવે છે

નવી દિલ્હી9 દિવસ પહેલાલેખક: અક્ષય બાજપેયી

ગોવા, પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં થનારી ચૂંટણી દેશમાં કોરોનાની સુનામી લાવી શકે છે. એનું કારણ એવું છે કે હાલ ઓમિક્રોનમાં ત્રણ ડોઝ લીધેલા લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. UKમાં 62 ટકા વસતિને બૂસ્ટર ડોઝ લાગેલો છે, તેમ છતાં રોજ લગભગ દોઢ લાખ કેસ આવી રહ્યા છે. લગભગ 20 હજાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે.

આ વાત બ્રિટન સ્થિત ગ્લોબલ હેલ્થ અલાયન્સના ફાઉન્ડર અને ડાયરેક્ટર ડો.રજય નારાયણે કહી છે. ઓમિક્રોનને લઈને ડો.નારાયણે ભાસ્કરના તમામ સવાલોના જવાબ આપ્યા છે.

1. ભારતમાં સતત ત્રીજા દિવસે દોઢ લાખથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. આ આંકડો કેટલો વધી શકે છે અને ત્રીજી લહેરની પીક ક્યારે આવશે?
તમે બ્રિટનની સ્થિતિથી ભારતનો અંદાજ લગાવો. અહીં 95 ટકા લોકોને ફર્સ્ટ ડોઝ, 82 ટકાને સેકન્ડ ડોઝ અને 62 ટકાને બૂસ્ટર ડોઝ લાગી ચૂક્યો છે. તેમ છતાં રોજ દોઢથી બે લાખ કેસ આવી રહ્યા છે, કારણ કે ઓમિક્રોન ઈમ્યુન સિસ્ટમને ચકમો આપીને વ્યક્તિને સંક્રમિત કરે છે.

આ કારણે મને લાગે છે કે ભારતમાં આગામી ત્રણથી ચાર સપ્તાહમાં કેસ ખૂબ જ ઝડપથી વધશે. રોજ 3થી 4 લાખ કેસ આવી શકે છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહ સુધીમાં પીક આવી શકે છે.

2. એમ કહેવાય છે કે ઓમિક્રોન ઘાતક નથી, એમાં હોસ્પિટલમાં જવું પડતું નથી?
જે લોકોને ત્રણ ડોઝ લાગી ચૂક્યા છે તેઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. જે લોકોને પહેલા કોવિડ થઈ ગયો છે તેઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. એવામાં તમે એ વાત બિલકુલ ન કહી શકો કે એ ઘાતક નથી. વિશ્વમાં કોઈપણ વેક્સિન માત્ર 70થી 75 ટકા જ પ્રોટક્શન આપે છે, 25 ટકા રિસ્ક તો હંમેશાં રહે જ છે.

એ વાત નક્કી છે ઓમિક્રોનમાં માઈલ્ડ ઈન્ફેક્શન જ થઈ રહ્યું છે. જોકે એ કોની બોડીમાં જઈને કેવું રિએક્શન આપશે એ વિશે કઈ જ ન કહી શકાય. ઘણા યંગસ્ટર્સ પણ એને કારણે ગંભીર બીમાર થઈ રહ્યા છે. એવામાં એને બિલ્કુલ હળવાશથી ન લેવો જોઈએ.

ત્રણ મહિના પહેલાં UKમાં બેથી અઢી હજાર લોકોને હોસ્પિટલમાં એડમિટ કરવાની ફરજ પડી રહી હતી. હવે આ આંકડો 20 હજાર સુધી પહોંચી ગયો છે. વૃદ્ધોને ખાસ કરીને એલર્ટ રહેવાની જરૂર છે.

3. ભારતનાં પાંચ રાજ્યમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી થવા જઈ રહી છે, એનાથી સ્થિતિ કઈ રીતે બગડી શકે છે?
ચૂંટણીને કદાચ થોડા દિવસ માટે આગળ વધારવામાં આવી હોત તો ઘણું સારું હતું. UKમાં ફૂટબોલ મેચને પણ રદ કરવામાં આવી છે, જે ખૂબ જ પોપ્યુલર છે. ભારતનાં પાંચ રાજ્યમાં થનારી ચૂંટણી દેશમાં કોરોનાની સુનામી લાવી શકે છે.

એ વાત સાચી છે કે ચૂંટણી કાર્યક્રમોમાં યુવા વર્ગ વધુ સામેલ થાય છે, તેમને ઈન્ફેક્શનનો વધુ ખતરો પણ હોતો નથી. જોકે જ્યારે આ લોકો પોતાના ઘરમાં જશે તો મા-બાપ, દાદા-દાદી માટે ખતરો બનશે. આ સંજોગોમાં મોટી રેલીઓ તો બિલકુલ ન કરવી જોઈએ. 20 લોકોની ભીડ પણ ખૂબ જ ઝડપથી વાઈરસને ફેલાવી શકે છે.

4. શું આ સમગ્ર વર્ષ દરમિયાન પણ નવા-નવા વેરિયન્ટ્સ આવવાનું ચાલુ રહેશે?
વર્ષ 2022માં બીજા નવા વેરિયન્ટ પણ આવી શકે છે. આ સમગ્ર વર્ષ દરમિયાન પણ આ સિલસિલો ચાલુ રહી શકે છે. ઓમિક્રોન પહેલાં પણ આપણને લાગી રહ્યું હતું કે બધું નોર્મલ થઈ ગયું, જોકે જોતજોતાંમાં જ સ્થિતિ ફરી લોકડાઉન જેવી થઈ ગઈ.

કોઈપણ મહામારી બેથી ચાર વર્ષ સુધી પોતાની અસર બતાવે છે. પછીથી સમાપ્ત થઈ જાય છે. કોરોનાના મામલામાં એ પણ થઈ શકે છે કે આપણે દર વર્ષે એક વખત ડોઝ લેવો પડે.

5. ઓમિક્રોનની વિરુદ્ધ સૌથી ઈફેક્ટિવ વેક્સિન કઈ છે?
કોવિશીલ્ડને લઈને એક સ્ટડી આવ્યો છે, એમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોએ બૂસ્ટર ડોઝ લીધા છે તેઓ 80થી 90 ટકા સુધી ઓમિક્રોનથી સુરક્ષિત છે. આ એક સારી વાત છે.

જોકે બીજી પણ ઘણી વેક્સિન પર રિસર્ચ ચાલી રહ્યું છે. આગામી થોડાં સપ્તાહમાં જ નવા ફેરફારની સાથે વેક્સિન માર્કેટમાં આવવાની શરૂ થશે. હાલ બચવા માટે તમામ લોકોને ફુલ્લી વેક્સિનેટેડ કરવા જોઈએ અને બૂસ્ટર ડોઝની સ્પીડ વધારવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...